કેન્સરની ઉડાડી ફીરકી
2008 સપ્ટેમ્બરના અંતમાં મને વહેમ પડ્યો કે મારા શરીરમાં કંઈક ગોટાળો થયો છે. પ્રથમ ટેસ્ટમાં બ્રેસ્ટ કેન્સરનો રિપોર્ટ આવ્યો. ડોકટરે કહ્યું ત્યારે સંજોગવશ હું એકલી જ હતી. સાંજે બધાં કામ પરથી ઘરે આવ્યાં એટલે વાત કરી. ઘરમાં થોડું ચિંતાનું વાતાવરણ ઉભું થયું, પણ હજી બીજા ટેસ્ટ થાય પછી ખબર પડે, એમ મેં આશ્વાસન આપ્યું સહુને. મને તો પહેલા જ શંકા હતી, એટલે જ ટેસ્ટ કરાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં બધા ટેસ્ટ પછી બાયોપ્સી કરાવવા સ્ટેચર પર સુવડાવવામાં આવી. ભારે ઉતાવળીયા હો…! પેશન્ટને એનેસ્થેસીયાની અસર થઈ કે નહિ તે જોયા વગર ચીરો…. ભલેને પેશન્ટ બુમો પાડે. મને લાગે છે પેશન્ટની બુમોનાં સંગીતમય અવાજથી એમને કામ કરવાની મજા આવતી હશે..!
રિપોર્ટ આવી ગયો એટલે ડોકટરે બોલાવી. હું ડોકટરની કેબિનમાં જેવી ઘુસી.. મારા મીસ્ટર આયુર્વેદિક ડોકટર છે તેઓ પણ પાછળ હતા… હજુ ડોકટર સામે બરાબર આવી પણ નહોતી ત્યાં એ કહેવા લાગ્યા,
“તમને ખબર છે કે તમને સેકંડ સ્ટેજનું કેન્સર છે?”
લે આ તો કેન્સરના દર્દીને હાર્ટ એટેક પણ આવે એવું બોલી ગયા.. બોલો.. એક સાથે બીજી બીમારી ફ્રી.. સિવિલ હોસ્પિટલની વાત ન થાય હોં…!
મારા મીસ્ટરની એન્ટ્રી ત્યારે જ થઈ. એ તો ભગવાનનો પાડ માનું કે મારા મીસ્ટર ડોકટર છે. બાકી કાચાપોચા અચાનક આવું સાંભળે તો શું થાય? મારે તો મને ભૂલીને એમને જ સંભાળવા પડે ને…..! એમણે તો ખખડાવી નાખ્યાં, ડોકટર મેડમને પોતાની ઓળખ આપીને. કોના દ્વારા આવ્યાં છીએ એ પણ કહ્યું. પછી તો સોરી સોરીનું રટણ ચાલ્યું એ મેડમનું. આ તો ઠીક છે કે, એક પર બીજી આઘાતની બીમારી મને ફ્રી ન મળી. એવું નથી લાગતું કે કોઈપણ વ્યક્તિ ડોકટર બને ત્યારે એમને પણ મનોવૈજ્ઞાનિક ટ્રેનિંગ આપવી જોઇએ? આવું ઘણીવાર બનતું હોય છે.
ઠીક છે મારા ભાઈ….
કુટુંબમાં ખબર પડી એટલે સ્વાભાવિક રીતે ચિંતાનો માહોલ ઉભો થાય. એમાંયે હું નાની એટલે વડિલોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ મારા ભત્રીજા ભત્રીજીઓ મારો સ્વભાવ જાણે, એટલે એમની મમ્મીઓને આશ્વાસન આપે. કે કાકીને જોઈશ એટલે તારી ચિંતા ઓછી થઈ જશે. પછી તો બધા ખબર કાઢવા અને આશ્વાસન દેવા આવવા લાગ્યા. કોઈ આવ્યાં હોય ત્યારે જ કંઈ ને કંઈ મસ્તીનું વાતાવરણ હોય એટલે બધા હળવે હૈયે પાછા જાય. હું ને મારી દીકરી મસ્તીનાં સ્વભાવ વાળા. માથા પર ભાર લઈને ફરીએ નહિ. એનો અર્થ એવો નહિ કે સંજોગો ન સમજીએ. પણ કોઈ ને દેખાવા ન દઇએ.
એમાં અમારા 35 વર્ષથી ફેમિલી મિત્ર ને, મારા માનેલા ભાઈ ડોકટર કે.બી.પંચાલ અને પૂણિઁમાભાભી પણ આવ્યા હતા. કહો કે મારા દીકરાએ બોલાવ્યા હતા. મેડિકલ રીતે પણ માર્ગદર્શન મળે. અમે બધા ભેગા થઇએ એટલે મસ્તી તો સ્વાભાવિક રીતે હોય જ. અમારી મસ્તી ચાલે ને બધા ખબર કાઢવા આવે…કંઇક સલાહ દેવી હોય પણ ઘરનું હળવું વાતાવરણ જોઈ હાશ કરી ને જાય.
આપણે બીજું શું જોઇએ? એ મસ્ત મજાનું સ્મિત સહુના મુખ પર. સોગીયા મોઢાંથી તો બિમારીને બહુ પ્રેમ, એટલે જવાનું નામ ન લે ઝટ પાછી…એ થોડું પોષાય આ મોંઘવારીમાં..! એટલે હસતાં રહીએ તો બાપડી કંટાળીને ઝટ બિસ્તરાપોટલા બાંધીને જતી તો રહે.
હોસ્પિટલમાં મારે ને મારી દીકરીને એક વાર તો ઠપકો સાંભળવાનો હોય જ…પછી એ દાખલ થઈ હોય કે હું !
એમાં પણ અમારે વારો ચાલતો હોય હોં….અમે બે ભેગા થઇએ ને મિત્રો કે કુટુંબીઓ ખબર કાઢવા આવ્યાં હોય તો હસાવીને એવા મસ્તી કરીએ કે મારા જેઠ કે કોઈ તો ખીજાય જ…ને બંનેને છુટા પાડે. હસવામાં ને હસવામાં ક્યાક ટાંકા ટૂટી જાય કે કોઈની મીઠી નજર લાગી જાય તો…!
લે આને તો કંઈ દુઃખતું નથી લાગતું….જો ને…
પીડા થાય છે એ બતાવવા પણ ભાવ લાવવા પડે ને…! ને એ બતાવવા માટેના ભાવ લાવતા ફસસસસ કરતું હસી પડાય ને પાછો ઠપકો મળે જ સમજો…!
હાળુ એ કેવું, સમજયા કે આનંદ વહેંચીએ તો વધે! પણ દુઃખ વહેંચવાથી તો દુઃખ-પીડા વધવાની જ છે ને! …સીધી વાત છે મારું સોગીયુ કે દુઃખી મોઢું જોઈ સામેવાળાનું પણ એવુ જ થશે. જો એ એવા વખતે હસે તો લોકો કહેશે, ‘છે આને કંઈ શરમ જેવું.. દુઃખ જેવું ?’ આમા સામસામા બેય સરખા સોગીયા મોઢાવાળા ભેગાં થાય તો દુઃખનો વધારો જ થાય ને..એના કરતાં હું જ હસતી રહું તો મારા કે સામેવાળાનાં સુખમાં…હાશકારામાં જ વધારો થાય ને…છે ને સો આની સાચી વાત?
અરે મારા વહાલા…! એમ કોઈ આપણી પીડા લઈ શકવાનું છે. બહુ તો ગંભીર મોઢું રાખી કહેશે,
‘સાચવજે હો…ચિંતા ન કરતી કંઈ કામકાજ હોય તો કે જે. કંઈ જરુર હોય તો કે જે વગેરે.’
આમાંથી માંડ એકાદ જણ એવું હોય જે આપણને ખરેખર એ વખતે શેની જરુર છે એ સમજી શકે. મારા મીસ્ટર પાછા રમુજમાં કહેશે,
‘લો આ બીલ છે એ ભરી દેજો…
તમે કામ પુછ્યું એટલે કહું છું હો!’
બીજી વાર એ વ્યક્તિ વિચારતી રહે કે આ માણસ મને ખરેખર એનું બીલ પકડાવી તો નહી દે ને…!
એક બીજી મજા ઘરનાંને આવે….પેશન્ટને નહિ હો…હોસ્પિટલમાં હોય એટલા દિવસ મસ્ત મસ્ત નાસ્તો ઝાપટવા મળે. પેશન્ટનાં સગા કંઈ ને કંઈ લઈને આવ્યાં હોય. એવું ન સમજતા કે હવે હોસ્પિટલમાં બહારનું ક્યાં આવવા દે છે? એમાંય ગોલમાલ ચાલતી હોય…
પેશન્ટને તો બાપડાને ખાવાનું ન હોય કે ખાવાનું હોય તો મોળું ખાવાનું હોય..બસ મસ્ત મસ્ત સુગંધ લેવાની ફક્ત. સીધી વાત છે ને એમણે શું ગુનો કર્યો છે કે સારું સારું ન ખાઈ શકે…!
સર્જરી કરીને બધી ગાંઠો કાઢી નાખવામાં આવી. ગાંઠો મસ્ત મજાની લખોટીઓ જેવી લાગતી હતી હોં…!
સર્જરી પછી કેમોની પ્રક્રિયા ચાલી. મારું હાળુ કેમોનું એ મોટું મશ ઈન્જેક્શન મારા શરીરમાં જવાનું નામ જ ન લે ને..! આમ તો ડોકટરે અગમચેતી વાપરી પહેલેથી જ ગળાનાં નીચેનાં ભાગમાં પોટ ઓપરેશન કરી ને મુક્યોં હતો..એમને ખબરને કે મારી નાજુક (પાતળી) ચામડી સોઈનું કહ્યું નહિ માને. તો એ પોટ દ્વારા પણ દવા અંદર જવાનું નામ જ ન લે. જે એક કેમો લેતા 4 5 કલાક જાય એના બદલે આખ દિવસ જાય. એમાં પણ હદ તો ત્યારે થઈ જ્યારે એકવાર 24 કલાકે કેમોની દવા શરીરમાં ગઈ. એ પણ નોર્મલ ફોર્સથી નહિ. કંઇક ડબલ ફોર્સનાં દબાણનું મશીન લાવીને એનાથી બેડો પાર કર્યો હો.
હાશ! છુટ્યા કેમોથી…જો કે મારા શરીરમાં એની દવાઓ ઘુસીને જ રહી. હું શરુથી જ કેમોની વિરોધી હતી. પણ બાળકોનાં ધમપછાડા આગળ મારે ઝુકવું પડ્યું, ને કેમો લેવા પડયા.
ને પહેલા કેમોએ જ એનો પરચો બતાવી દીધો. હું કાંઈ ગાંજી જાઉં એવી ન હતી. પહેલેથી જ મસ્ત મજાની વિગ કરાવી રાખી હતી.
‘એ મમ્મી તું શું કરે છે?’
‘કેમ મારી વિગ સરખી કરું છું’.
‘અરે યાર જગા તો જો’.
ને હું ને મારી દીકરી નિયોતી હસી પડ્યા. થયું હતું એવું કે મારા કેન્સરની સારવારનાં ભાગ રૂપે કેમો થેરેપીમાં વાળ ગયા ને એ બહાને ટકા માથાને ઓળવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો. ને ઉપરથી નવી હેરસ્ટાઇલ મળી. ડબલ ફાયદો!
કોઈ કોઈ વાર બાળકો ખુશ રાખવા મને ગમે એ જગા એ લઈ જતા.
અમે બંને મજા કરવા સી.સી.ડી.માં… અરે કાફે કોફી ડે યાર… ગયેલાં અને ત્યાં આ ફારસ થતાં થતાં રહી ગયું. નિયોતીએ મને ધીરે અવાજે કહ્યું,
‘મમ્મી તારી વિગ સહેજ ખસી ગઈ છે.’
હું સરખી કરવા ગઈ તો એણે મને રોકી.
એક તો પહેલાં કહે વિગ ખસી ગઈ છે ને પાછી ઠીક કરવા પણ ન દે. બોલો એવું ચાલતું હશે?
મને તો એક વાર વિચાર પણ આવી ગયો કે વિગ જ કાઢી નાખું, પણ દીકરી ભેગી હતી. એની પ્રેસ્ટિજનો તો વિચાર કરવો પડે ને યાર…કોઈને થશે આ આધેડ સ્ત્રીનું ચસકી ગયું લાગે છે…
પછી તો બંને ગાડીમાં બેસી જે હસ્યા છીએ, જે હસ્યા છીએ કે આજે પણ યાદ કરીએ ત્યારે ખુલ્લા મને હસી પડાય છે.
લતા સોની કાનુગા
કેન્સરની ઉડાડી ફીરકી…ભાગ 2
આ હાળુ કેન્સર ચીંટકુ તો ખરું હોં. એક વાર જેનું શરીર ગમી ગયું એનાં શરીરમાં ફરી ફરી પેસારો કરવાનું ન છોડે.
એક વાર શરીરમાં લખોટી જેવી ગોળીઓની જેમ ભરાયો હતો એને ચીરીને અને કેમોની મસમોટી દવાની સોયો મારી મારીને ભગાડ્યો તોય પાછો ભરાયો એ જ શરીરમાં. બે જ વરસમાં હો.
એ તો ભલું થજો મારા ખૂબ ભરાવદાર લાલ મ્હોં ને આંખનું કે એ જોઈને કોઈ કોઈને બીક લાગવા મંડી. બાપડા ખોટા ખોટા મારાથી બીવે એટલે થયું ડૉકટરને બતાવીએ. પહેલાં તો લોહી બરાબર પહોંચતું નથી મ્હોં પર, એવું નિદાન આવ્યું. એટલે હ્રદયનાં જાણકારને બતાવ્યું. ત્યાં ઈકો કાડીયોગ્રામ કાઢ્યો. એ મશીનમાં પણ જબરા અવાજો આવે હોં! ઘડીક કુતરા ભસતાં હોય એવાં તો ઘડીક ડચકાં ખાતા નળ જેવાં. ત્યાં તો એક જ વાતની ખબર પડી કે વાલની દિવાલ મારી જેમ જાડી થઈ રહી છે. હા, એમાં ડોકટરને કંઈક હ્રદયની નજીક લટકતું લાગ્યું. એટલે એ શું લટકે છે એ જોવા MRI અને ફુલ બોડી સીટી સ્કેન કરવાનું, મારા કેન્સરનું ઓપરેશન કર્યુ હતું એ ડૉકટરે સુચવ્યું.
( પહેલાં પણ દર છ મહિને ફુલ બોડી સીટી સ્કેનનો ટેસ્ટ કરાવવો પડતો જ) જે શરીરનાં ભાગમાં પહેલાં ઓપરેશન થયું હતું ત્યાં જ ત્રણ ગાંઠો તો દેખાણી ને એ કેન્સરની જ છે એ પણ ખ્યાલ આવ્યો. પણ અંદરની ગડબડની ખબર પણ લેવી રહી ને!
પણ મારા સદનસીબે દિવાળીની રજાઓ આડી આવી ને ટેસ્ટ કરવાનો કાર્યક્રમ લંબાયો. મને હાશ! થઈ. માંડ સીંગાપોર અને ક્રુઝમાં છ દિવસનો કુટુંબ સાથે પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, એમાં ફાચર પડત. કારણ કે એ પ્રવાસના ચાર દિવસ પહેલાં જ આ ચીટકુએ દેખા દીધી છે એનો અંદાજ આવ્યો હતો.
હવે તમે જ કહો! આવો મસ્ત પ્રવાસ ગોઠવ્યો હોય ને એની ટાંયટાંય ફીસ થાય એ થોડું ચાલે?
આ બંદા તો એયને છ દિવસ જલસા કરતાં રહ્યા. મોકો મળે એટલે ઝાકુઝીમાં પડ્યાં રહેવું, ને નહિ તો ફુડ કોર્ટમાં મસ્ત મસ્ત ઝાપટવાનું.
આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે!
ફરીને આવી ત્યાં તો પ્રયોગશાળા(લેબોરેટરી) ખૂલી ગઈ હતી. એટલે ટેસ્ટ કરાવી, રીપોર્ટ મારા કેન્સરનું ઓપરેશન જેમણે કર્યુ હતું એ ડોકટરને બતાવ્યો. તેઓ રીપોર્ટ જોઈને પહેલાં તો ‘મીરેકલ, મીરેકલ’ એમ જ બોલીને અટક્યાં.
પહેલા તો અમને સમજ ન પડી…અરે રીપોર્ટ જોઈને ડોક્ટરને પણ સમજ નહોતી પડી કે, આવા રીપોર્ટ વાળી દર્દી મારી સામે જીવતી બેઠી છે! સારું થયું કે મને ભૂત સમજી ભગાડવા ભૂવાની જરૂર ન લાગી એમને!
એમાં થયું હતું એવું કે પહેલી વખતનાં કેન્સરની સારવાર સ્વરૂપે કેમો લેવા મારા ગળાની નીચેના ભાગમાં પોટ મુકવામાં આવ્યો હતો. એની નીચે એક નળી હોય જે ધમનીની અંદર જોડેલી હોય, એટલે દવા એ નળી વાટે સીધી આડીઅવળી ડાફોળીયા માર્યા વગર લોહીમાં ભળે. એ નળી સાથેનો પોટ પાંચેક વર્ષ સુધી એમ જ શરીરમાં રાખી શકાય. જેથી ફરી વાર કેમો આપવાની જરૂર પડે તો સરળતા રહે. એટલે સમજોને કે, હવે જે દવા કરી હોય તે અઠ્ઠેગઠ્ઠે જ ને! લાગ્યું તો તીર નહીં તો ફરી તીર તાણવાનું. એ બે તીરની વચ્ચે જો દુશ્મનનું તીર વાગી જાય તો ભોગ તમારા!
ને સાચ્ચે વચ્ચે જ (બે વર્ષમાં જ) મને દુશ્મનનું તીર વાગ્યું. દુશ્મનેય જાણતો હશે કે આ બધી રીતે (તન, મન, ધન) ખમતીધર છે. એને જ પકડો.
અરે હું તો આડે પાટે ચડી ગઈ. થયું હતું એવું કે એ રીપોર્ટ પ્રમાણે તો મારા શરીરમાં જે પોટ સાથે નળી ધમની સાથે જોડી હતી એ ધમનીમાંથી છુટ્ટી પડી ને લટકતી હતી. ખરેખર તો આવા સંજોગોમાં ધમનીમાંથી એ જગાએથી લોહી વહેવા માંડે ને શરીરમાં પ્રશરે…મેડિકલ ભાષામાં ઈંટરનલ બ્લિડીંગ કહેવાય. જો એવું વધારે વખત સુધી રહે તો માણસ મરી જાય.
પણ આ બંદા એમ કંઈ મરે નહિ હોં! કેટલાંય દિવસ પહેલાં નળી છુટ્ટી પડી ગઈ હોવા છતાં હું તો જલસા કરતી હતી. જાડી ચામડીના હોય એને અસર ન થાય…એવું કહેવાય છે. હું જાડા લોહીની હોઈશ એટલે જ મને અસર ન થઈ ને!
ટેસ્ટનાં રીપોર્ટ પ્રમાણે કુલ પાંચ ગાંઠ હતી. એમાં એક મારી જેમ વધારે તોફાની તે તોફાન કરતાં કરતાં છેક હ્રદયને મળવા પહોંચી ગઈ, ને એને અડીને લટકી રહી હતી. બીજી ફેફસાના ફુગ્ગાને અડીને લટકી રહી. ને એમાં મારું ધાર્યુ થયુ. પહેલી વખત તો મારી ઈચ્છા વિરુદ્ધ બાળકો આગળ ઝૂકવું પડ્યું હતું ને કેમોની પારાયણ થઈ. પણ આ વખતે કેમો કે રેડિયો થેરેપી કંઈ જ લેવાય એમ ન હતું. હ્રદય ને ફેફસાનો સવાલ હતો ને! મારો નહીં હોં!
મુખેથી લેવાની દવા કામ કરી જાય તો કેન્સરને હાર આપી શકાય. બાકી ચાર થી છ મહિનાની વાત હતી… ‘રામ બોલો ભાઈ’ કરવાને!
પહેલાં તો પોટને શરીરમાંથી છુંટું કરવા નાનું ઓપરેશન કરવામાં આવ્યું.
અઠવાડિયામાં જ મારા ભત્રીજા અને ભાણીના એમ બે લગ્ન માણવાના હતા. ડિસેમ્બરની ઠંડી ને એમાં માવઠું આવ્યું. થઈ રહ્યું. મને શરદી થઈ ને એમાં ઓપરેશનમાં લીધેલ ટાંકા સખણા ન રહ્યા. ભાણીના લગ્નના આગલા દિવસે જ એ દોરીથી છુટ્ટા પડી ગયા. બે વેઢા જેટલો ભાગ ખુલી ગયો..! પણ બંદા કંઈ એમ હાર ન માને! ખુલ્લા ભાગ ઉપર દવા લગાડી ડ્રેસિંગ કરીને તૈયાર થઈ ગયા. જો કોઈને ખબર પડે તો લગ્ન છોડી ઘરે જવાની વાત કરે ને! લગ્ન સુરત હતાં. જો ઘરનાં ને ખબર પડે તો અમદાવાદ ભેગા થવું પડે. ને રંગમાં ભંગ પડે…ખાલી ખોટા બધાની દોડધામ વધી જાય. વળી મારી પ્રસંગ માણવાની મજા બગડે ને! પ્રસંગ પત્યાં પછી ઘરનાંને જણાવ્યું એટલે મારતે ઘોડે (એટલે કે કારને ભગાડી અમદાવાદ હોં, ઘોડા પર નહીં!) અમદાવાદ.
બીજે દિવસે ફરી ટાંકાની પળોજણ.
આ વચ્ચે ટુટેલા ટાંકાની વાત આવી ગઈ.
મેડિકલ રીતે જે સ્થિતિ શરીરની અંદરની હતી એ પ્રમાણે ભલે ચાર છ મહિનાની વાત હતી, પણ એમ કંઈ આ બંદા પીછેહઠ કરે એમ ક્યાં છે??? એ ચાર છ મહિનાની મુદતને પણ દવા સાથે ઘોળીને પી ગઈ.
લતા સોની કાનુગા
Hats Off To You, Lataben. Accepting What’s Meant For You By The Almighty 🙏 Is The Real Courage And POSITIVITY. I Agree With You In Saying That Telling Others About Your Ailments Won’t Reduce Your Pain But Will Force The Counterpart To Be Serious While Talking To You, Nothing More He/She Can Do. So Why Lamenting Your AILMENTS Before Others. Face It With COURAGE.
Once Again HEARTY ❤️ CONGRATULATIONS To You For Having Accepted The Same With BOLDNESS & POSITIVITY. Please Keep It Up. પ્રભુ સૌ સારા વાના કરશે.
HARISH SHAH,VADODARA.
LikeLiked by 1 person
હરીશભાઈ ખૂબ ખૂબ આભાર… મેં એટલે જ મારાં અનુભવનો લેખ જે હળવી રીતે હું એ બધું બીજા આગળ લેતી એ જ રીતે લખ્યો જેથી ..કોઈ પણ વ્યક્તિને તકલીફ તો આવે પણ એને આપણે કંઈ રીતે લઈએ છીએ એ મહત્વનું છે. એ કહેવા માગું છું.
હવે 8 વર્ષે ફરી કેન્સરે મારાં શરીરમાં દેખા દીધી છે અને થોડો વધારે પ્રસર્યો છે. પણ બને એટલી સહજ રીતે લઈને મજેથી જીવું છું. જવાનું તો છે જ..2 મહિને..2 વર્ષે ..પણ જીવું ત્યાં સુધી માણી લેવાનું.
🙏
LikeLike
Ben your whealpower is very very stronge. You are breave. We salute to you.
LikeLiked by 1 person
યોગેશકુમાર થેન્ક યુ સો મચ.. તમારો બધાનો પ્રેમ છે ને મારી સાથે.🌹😊
LikeLike
ઓ માં તેતો જગદંબા શું કાલી બની કેન્સરને માત આપી હો
LikeLiked by 1 person
ભાવનાબેન તમારી લાગણી સર માથા પર… થેન્ક યુ સો મચ
LikeLike
વાહ સખી… તમે સાચે જ ફિરકી ઉડાવી… તમારા મનોબળને શત શત નમન
LikeLiked by 1 person
લવ યુ સખી…🙏 સહુની પાસેથી પ્રેરણા શક્તિ મળતી રહે છે.
LikeLike
સાક્ષાત શક્તિને લાખો પ્રણામ 🙏🙏
LikeLiked by 1 person
સો નાઇઝ ઓફ યુ.💖🙏
તમારાંમાંથી હિંમત ને બળ મળે.. પ્રોત્સાહનથી.
LikeLike
વંદનાજી😊🙏 દિલથી ખૂબ આભાર
LikeLike
વાહ ઈશ્વર તમારા જેવી હિંમત દરેક દર્દના દર્દીને આપે. હસતા રહીએ અને હસાવતા રહીએ બસ એ જ
LikeLiked by 1 person
દિલથી😊 ખૂબ આભાર બેના
LikeLike