Monthly Archives: February 2018

માતૃભાષાનું મહત્વ

માતૃભાષાનું મહત્વ

ભાષા છે તો આપણે એક બીજાને ઓળખીએ છીએ. એમાં માત્રૃભાષાને લીધે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવા વધારે સરળતા પડે છે. ગમે તેટલી બીજી ભાષાઓ આવડતી હોય પણ આપણે વિચારો તો માત્રૃભાષામાં જ કરીએ છીએ. એટલે જ તો આપણે જોઇએ છીએ કે માતૃભાષામાં ભણતાં બાળકોની પરિણામની ટકાવારી પ્રમાણમાં બીજી ભાષામાં ભણતાં બાળકો કરતાં વધારે આવતી હોય છે. સીધી વાત છે આપણે વિચારો….રોજીંદા જીવનમાં વાતો….બધું જ માતૃભાષામાં કરીએ છીએ એટલે ભણવાનું પણ સહજ રીતે એમાં વધારે સારું ફાવે.
બીજી ભાષા જીવનમાં જરુરી છે એની ના નહિ પણ એને એક વિષય તરીકે લઈ ભણી શકાય.

પણ ગાડરીયો પ્રવાહ ચાલ્યો છે કે આગળ વધવું હોય તો આંતરરાષ્ટીય ભાષામાં જ ભણવું જોઇએ. ઠીક છે પણ સાથે સાથે બાળકને માતૃભાષા પણ શરુથી જ ભણાવવી જોઇએ.

દુનિયાના ઘણાખરા દેશોમાં માતૃભાષામાં ભણવાનું ચલણ છે જ. એના કારણમાં મુળ એ જ કે એ દરેક માટે સહજ હોય.
અરે કંઈ તકલીફ પડે ત્યારે પણ પહેલો શબ્દ જે અચાનક આપણા મુખમાંથી નીકળે એ પણ માત્રૃભાષામાંથી જ સહજ રીતે આવે છે.
ઓ ભગવાન…ઓ બાપ રે….ઓ માડી રે…
આમ આ બધાં શબ્દો સહજ રીતે જ આપણે માતૃભાષામાં જ બોલીએ છીએ.

આમ ખાલી આજના દિવસ પુરતી માતૃભાષાને યાદ ન કરતાં…રોજના જીવનમાં બાળકોને એનું મહત્વ સમજાય એ માટેનો આપણે પ્રયત્ન કરવો રહ્યો. એ માટે વાતાઁઓ કહેવી…શરુથી જ માતૃભાષામાં પણ લખવાં વાંચવા તરફ વાળવા….વગેરેનું ધ્યાન આપણે જ રાખવુ જોઈએ.

…લતા…

વાર્તા : અનુભૂતિ…વેલેન્ટાઇન સ્પેશિયલ

વાર્તા

શીર્ષક : અનુભૂતિ

ધોધમાર વરસાદ શરૂ થયો. જોતજોતામાં બધે પાણી ભરાવા લાગ્યાં. રેલવે ટ્રેક પણ પાણીથી જળબંબાકાર. ટ્રેન અધવચ્ચે જ બંધ થઈ. જો કે મુંબઈ લોકલ ટ્રેનો ચોમાસામાં એકાદવાર આમ બંધ ન થાય તો જ નવાઈ. ને હું ન છૂટકે એમાંથી ઉતરીને સ્ટેશન બહાર નીકળી કોઈ વાહન મળે એની તપાસમાં ઉભી હતી. વરસાદ કહે મારું કામ! એક બે કારવાળા ઉભા રહ્યા લિફ્ટ આપવા, પણ એમ અજાણી વક્તિ સાથે કારમાં એકલાં બેસવાનો જીવ ન ચાલ્યો.

આમ ને આમ એક કલાક થઈ ગયો. વરસાદ ઓછો થયો પણ બંધ થવાનું નામ નહોતો લેતો.

ત્યાં એક બાઈકવાળો આવ્યો ને પાસે જ ઉભી રાખી વિવેકથી બોલ્યો,

“ક્યાં જવું છે તમારે? વાંધો ન હોય તો મારી પાછળ બેસી જાવ. તમે કહેશો ત્યાં ઉતારી દઇશ.”

એની બોલવાની રીતભાત ને વ્યક્તિત્વમાં કંઇક મને આકર્ષી ગયું. બાઇક પર બેસી કોઇવાર સવારી કરી ન હતી. એટલે બીક લાગતી હતી. પાછી અજાણી વક્તિ! એટલે ક્ષણિક ખચકાઈ. એ મારી મુંઝવણ સમજી ગયો. મને ધરપત આપતો હોય એમ ખિસ્સામાંથી પોતાનું દ્રાઇવિંગ લાઇસન્સ બતાવી પોતાની ઓળખ આપી. મનને હાશ થઈ ને એની પાછળ બેસી. જેવી બાઇક સ્ટાટ કરી કે હું એકદમ હલી ગઈ ને ગભરાટમાં એમનો ખભો પકડી લીધો. એ વ્યક્તિ મારો સંકોચ દૂર કરવા બોલ્યો,

“મારુ નામ પ્રશાંત, જોકે તમે લાઇસન્સમાં વાંચ્યું જ હશે. તમને વાંધો ન હોય તો તમારું નામ જણાવો મેમ”

“પ્રજ્ઞા” એટલું કહીં અટકી. પછી ધીરે ધીરે બન્ને વાતોએ વળગ્યાં. મારું સરનામું પણ એ દરમ્યાન પ્રશાંતને આપ્યું. મારું ઘર દૂર હતું પણ તો યે મને ઘરે ઉતારી ત્યારે મેં વિવેક ખાતર અંદર આવો એમ કહ્યું તો ના પાડી જતો રહ્યો.

એની પાછળ બાઇક પર બેસીને એના ખભે હાથ મૂકતી વખતે શરીરમાં જે ઝણઝણાટી થઈ એનો અહેસાસ મનમાં ને મનમાં અનુભતી રહી. એવી લાગણી મારી ચાલીસ વરસની ઉંમર સુધી ક્યારે ય થઈ ન હતી.

પછીનું જીવન પણ આમ જ, જેમ પહેલાં ચાલતું હતું રગસિયા ગાડી જેવું એકલવાયું એમ જ ચાલ્યું.

ત્યાં અચાનક ઓફિસનાં સ્ટાફનાં એક ભાઈની ખબર કાઢવા હોસ્પિટલમાં જવાનું થયું. સેમી સ્પેશિયલ રૂમ હતો. બે પેશન્ટ એક જ રૂમમાં હતાં. એ ભાઈના ખબરઅંતર પૂછ્યા. ત્યાં બાજુના બેડ પર નજર ગઈ. ને એને જોતાવેંત વરસો પહેલાં અનુભવેલ ઝણઝણાટીનો અહેસાસ થયો. એમની પાસે જઇને એમનાં માથે હાથ રાખી બોલી,

“કેમ છો પ્રશાંત?”

એ વ્યક્તિએ ધીરેથી આંખ ખોલી ટગરટગર જોયાં કર્યું. પછી ઓળખ થઈ હોય એમ ધીરુ પીડા સહ હસ્યો.

એમની સાથેની વાતોથી હું જાણી શકી કે પ્રશાંતની પત્ની હવે આ દુનિયામાં નથી. એ એકલો જ છે, પોતાની જેમ.

પોતાનાં એક તરફી પ્રેમનાં અહેસાસની અનુભૂતિ મને થઈ ગઈ હતી. પંચાવન વરસની જિંદગીમાં જેનો વિચાર નહોતો કર્યો એ હવે અનુભવી રહી હતી.

પ્રશાંતનો ધીરેથી હાથ પકડી બોલી,

“આપણે એકબીજાના નખ કાપવાની, જ્યારે બેસવું કે ઉભું થવું હોય ત્યારે એકબીજાના ટેકા વગર ન ચાલે એવાં એકબીજાના સહારે જીવવાના સંગાથી થઈશું?”

પ્રશાંતે કંઇજ બોલ્યા વગર મારાં હાથપર પોતાનો બીજો હાથ મૂકી આંખોથી જ હા કહી. ને જાણે હું ધન્ય થઈ ગઈ. આખી જિંદગી પ્રેમ શું હોય એના અહેસાસને પણ તડપતી હું જાણે પ્રેમથી ભરી ભરી હોઉં એવી અનુભૂતિ માણતી આંખો બંધ કરી બેસી રહી.

લતા સોની કાનુગા