https://www.facebook.com/groups/290508607768801/permalink/1187271168092536/
https://m.facebook.com/story.php?story_fbid=1998928690176441&id=100001779882513
#www_interview_series_2
#season_2 #Episode_4
#Lata_soni_kanuga
નમસ્તે દેવીઓ…અને સન્નારીઓ…કેમ છો? સારું છે ને? મજા છે ને? જીવનમાં મજા બહુ જરૂરી છે…બાકી જીવન તો આવ્યું ને જરૂર રહેશે…પણ આજીવન જો આનંદ ના માણ્યો તો શું કામનું? તો આજે ફરી એક વાર વેલ વિશર વુમન ક્લબ ગ્રુપનાં પ્રણેતા નીતાદીદી અને હું આપની સખી જિગીષા રાજ હાજર છીએ, તમારાં સૌની, આપણાં ગ્રુપનાં એક આનંદમૂર્તિ સાથે ઓળખાણ કરાવવા માટે. જેવું એમનું નામ કહીશ એટ્લે એ જ હસમુખો ચહેરો અને નટખટ સ્વભાવનાં આનંદસામ્રાજ્ઞી તમારી નજર સામે દેખાશે અને તે છે આપણા સૌના લાડીલા અને વ્હાલાં એવા લતા સોની કાનુગા દીદી…..
મૂળ સૌરાષ્ટ્રનાં પણ, મહારાષ્ટ્રમાં જન્મેલાં અને મુંબઈ-વસઇમાં જ બાળપણથી યુવાની સુધી રહેલાં લતાબેન કુલ છ ભાઈબહેનો. એમનાં બા એટ્લે મમ્મી થોડાં કડક સ્વભાવનાં. પણ તેમનાં પપ્પા એટલે કે બાપુજી થોડા રમૂજી સ્વભાવના. આપણાં સામાન્ય ઘરોમાં હોય એનાં કરતાં જરા ઊલટી ગંગા. જો કે એમનાં બા, એ જમાનામાં એટ્લે કે ૧૯૬૨માં ઘરમાં આર્થિક ટેકા માટે ૪૨ વર્ષે સ્કૂલમાં પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરેલી અને એ નોકરી કાયમી કરવા માટે ૪૫ વર્ષે ફાઈનલની પરીક્ષા પાસ કરીને નોકરી જાળવી હતી. એક શિક્ષક માતાનાં સંતાનો તરીકે લતાદીદી અને તેમનો પરિવાર શિસ્ત અને કરકસર બંને બહુ ઝડપથી શીખી ગયાં હતાં અને આ ગુણ તે સૌને આજીવન કામ આવ્યો. સાથે જ આર્થિક સંકડામણમાં પણ જીવનનો આનંદ કેવી રીતે લેવો એ પણ લતાદીદી ત્યારે જ શીખી ગયાં હતાં.
ભણવાની સાથે જ લતાદીદી જાતે કમાઈ કરતાં પણ શીખી ગયેલાં અને કોલેજનાં અભ્યાસ સાથે જ તેમણે ત્રણ વરસ એન.સી.સી અને મિલીટરી ટ્રેનીંગ લીધી. જેમાં તેમનું ભવિષ્યનું આયોજન મિલીટરી ક્ષેત્રે કરિયર બનાવવાની ઈચ્છા હતી. જો કે એ જ અરસામાં તેમણે ૧૯૭૫ની સાલમાં ઝવેરી બજારમાં સેલ્સ ગર્લથી વ્યાવસાયિક કેરિયર શરૂ કરી. એ સમયે બજારમાં તેઓ પહેલી સ્ત્રી હતાં જે કાઉન્ટર પર વર્ક કરે..પણ નિયતિને કઈ બીજું મંજૂર હશે એટ્લે કોલેજમાં બી.એ.માં ફેઇલ થયા બાદ તેમણે ફરી પરીક્ષા ના આપી. ત્યારબાદ ૧૯૮૧માં એક્સપોર્ટ ક્લીયરિંગ એજન્ટ તરીકે ઝવેરી બજારમાં વ્યવસાયમાં ઝંપ લાવનાર પણ આપણા લતાદીદી જ પહેલાં સ્ત્રી હતાં. આ સમયે ઘર અને નોકરી બંને સાચવવાનું થોડું અઘરું પણ હતું. અને આ જ સમયગાળામાં તેમની માટે લગ્નની વાત પણ આવી. આ એ સમય હતો, જ્યારે છોકરો ને છોકરી એકબીજાને જુએ, એ પહેલાં વડીલો જુએ અને વચેટિયા બધો વ્યવહાર અને દહેજ ને બધું નક્કી કરે. આ સમયે ૧૯૮૨માં લતાદીદી તેમની શરત સાથે આયુર્વેદિક ડોક્ટરને પરણ્યા. જ્યાં તેમણે ઘરમાં જણાવી દીધું કે એ પહેલા એમની રીતે છોકરાને જોશે અને યોગ્ય લાગે તો ઘરનાની મંજૂરીથી જ લગ્ન કરીશે. ત્યારબાદ એક લગ્ન બ્યૂરો દ્વારા ૩-૪ છોકરાઓ જોયા બાદ કોઈ કારણસર અમદાવાદ આવાવનું ગોઠવાતાં ડોકટર સાહેબ સાથે મુલાકાત ગોઠવાઈ અને તે મિટિંગમાં જ તેમણે પોતાની શરત પણ જણાવી કે તેઓ ‘બે જોડી કપડાં જ લઈને આવશે અને એક તોલો સોનું પણ લાવશે નહીં અને અત્યાર સુધીની કમાણી વિષે પણ કોઈ સવાલ પુછવો નહીં’, જે ડોક્ટર સાહેબ માની ગયા અને એ વાતના દસમા દિવસે તો સાદાઈથી તેમના લગ્ન પણ થઈ ગયા. સામે છેડે એમને ખાનદાન સાસરું પણ મળ્યું, જ્યાં આજ દિન સુધી કોઈએ પણ ક્યારેય પણ તેમણે દહેજ કે એવી કોઈ વાતે કશું જ કહ્યું નથી.
જો કે લગ્ન પછી પણ લતાદીદીની તકલીફો ચાલુ જ રહી અને ડોક્ટર સાહેબની સરકારી નોકરી હતી એટ્લે લગ્નનાં શરૂઆતનાં પાંચ વરસ તો તેમણે આદિવાસી ગામડાંઓમાં કાઢી નાખ્યાં અને એ પણ સાવ પછાત ગામડાઓમાં કે જ્યાં લોટે જઈ આવીને હાથ પણ ધોયા વગર રહી જતાં અને એમ જ એ લોકો 3 4 દિવસ નાહયા વિના જ રહેતાં. આવી જગ્યાએ લતાદીદીએ તેમને નાહવાની અગત્યતા શીખવી અને સાથે જ દર આગિયારસે તેમણે ભજન મંડળી તૈયાર કરી. લગ્ન જીવન શરૂ થયું ને દીકરો આવ્યો. એનું ભણતર સારું થાય એ માટે લતાદીદી અમદાવાદ આવીને વસ્યા અને એમના મિસ્ટરની જોબ તો ગામડે જ હતી. એ જ અરસામાં દીકરી પણ આવી. બન્નેનું ભણતર અને સાથે એક જ કમાઈમાંથી બે ઘર ચલાવવાનું લતાદીદી સારી રીતે જાણતાં હતાં અને આ ઉપરાંત એ જ કમાઈમાંથી તેમણે એક નાનકડો પ્લોટ લઈને બંગલો પણ બનાવવાની શરૂઆત કરી. પ્લોટ લેવાથી માંડીને બંગલો બનાવવા સુધીના દરેક કામ લતાદીદીએ જ કર્યા, જેનાથી તેઓ જમીન વિષે ખાસા જાણકાર થઈ ગયાં. એક તરફ બંગલો બનાવતા તેઓ દેવામાં પડ્યાં પણ બીજી બાજુ જમીન વિષેની જાણકારી અને બાળકો પણ મોટા થઈ ગયાં હોવાથી તેમણે ૧૯૯૫માં ૪૦ વર્ષે એક બિલ્ડરને ત્યાં સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી શરૂ કરી. એક વર્ષ આ નોકરી કર્યા બાદ તેમણે પોતાનો એસ્ટેટ બ્રોકરનો વ્યવસાય શરૂ કર્યો અને જે જામી જતાં દસ વરસ તેમણે એમાં કામ કર્યું.
આ જ અરસામાં તેમણે દીકરા સિદ્ધેશ્વર અને દીકરી નિયોતિને મનગમતી કેરિયર બનવાવમાં પણ મદદ કરી અને બંને બાળકો પણ શાળા અને કોલેજમાં આવતાં સુધીમાં તો પોતાની કમાણી ખુદ જ કરી શકે એટલા સક્ષમ થઈ ગયાં. બંને બાળકો પોતપોતાની મનગમતી લાઇનમાં હાલ સેટ થઈ ગયા છે અને તેમનાં મનગમતાં પાત્ર સાથે લગ્ન કરીને ખુશહાલ જીવન જીવી રહ્યાં છે, સાથે જ લતાદીદી ને દાદી અને નાની બનવાનું સુખ પણ આપી ચૂક્યા છે. ધીમે ધીમે લતાદીદીની બધી જવાબદારી બાળકોએ ઉપાધિ લીધી અને ૨૦૧૧માં દીકરીએ લતાદીદીને ફેસબુકમાં ખાતું ખોલી આપ્યું પણ શરૂઆતમાં થોડું અઘરું લાગ્યું પણ આજે તો લતાદીદી ફટ દઈને ફેસબુક લાઈવ કરીને એક મિનિટમાં દુનિયાને પોતાની સાથે જોડી દેવાનું શીખી ગયા છે. આ જ ફેસબુક થકી લતાદીદીનો શાળા કોલેજમાં છૂટી ગયેલો પ્રેમ પાછો મળ્યો અને એ પ્રેમ એટ્લે સાહિત્ય…સ્કૂલનાં સમયમાં લાઇબ્રેરીમાં એક પણ ચોપડી તેમણે વાંચવાની બાકી નહોતી રાખી. લતાદીદીને તેમની વાંચેલી પહેલી નવલકથા હજી આજેય યાદ છે અને એના પાત્રો પણ…જો કે એ કઈ નવલકથા હતી અને એના પાત્રો વિષે તો તમારે જ એમને સવાલ કરવાનો છે હોં કે! એમનો આ શોખ એટલો ભારે થઈ પડેલો કે એમનાં લગ્ન સમયે એમનાં કપડાં કરતાં વધારે મોટો પટારો એમનાં પુસ્તકોનો હતો. જબરું કહેવાય નહીં?!!! કોલેજમાં એમણે ત્રણેક વાર્તાઓ લખી હતી!
લગભગ કોલેજનાં ૪૦ વર્ષ પછી એમનાં ૫૯માં વર્ષે લતાદીદીએ જે રીતે ફેસબુક થકી પોતાની સાહિત્ય સફર શરૂ કરી, એમાં ઘણાં લોકોનો સાથ મળતો ગયો, જેમને લતાદીદી કોઈ ઋણાનુબંધ જેવા કહે છે.
ત્રણ ફેસબુક અને વોટ્સએપના ગ્રુપર્સ અને નેશનલ બુક ફેરમાં મળી ગયેલા નીતા દીદી દ્વારા વેલ વિશર વુમન ગ્રુપમાં એડ થયા બાદ લતાદીદીની સાહિત્યિક સફર એકદમ એક્સ્પ્રેસ ટ્રેનની જેમ દોડી રહી છે. ઓનલાઈન વેબ પોર્ટલ પર પણ તેમની કૃતિઓ પ્રગટ થતી રહે છે. કવિતા, વાર્તાઓ, માઇક્રોફિક્શન અને સહિયાયારી નવલકથા જેવુ કઈ કેટલુએ તેમની કલમમાં પ્રગટ્યું છે. વેલ વિશર ગ્રુપ સાથે જોડાયા પછી તો ‘મનસ્વી’ નામે સહિયારી નવલકથા પ્રકાશિત થઈ છે. એમાં ૧ ભાગ લખેલ છે. તોફાની તાંડવ માસિક, પેપર, છાલક માસિક, મમતા માસિક અને સર્જન માઇક્રોફિક્સન બન્ને બુકમાં વાર્તા આવી છે. નવસારીના ‘સમકાલીન’માં લેખ…સુરેન્દ્રનગર..વતનની વાત..જીવનપથ માસિકમાં પદ્ય રચનાઓ આવેલ છે.વાંચન સાથે પ્રવાસ, ગુંથણ ને ફોટોગ્રાફીનો પણ શોખ છે.
આપણાં ગ્રુપમાં જોડાયા બાદ ગ્રુપ દ્વારા દર મહિને થતી મિટિંગોમાં તેઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને સાથે જ નીતાદીદી સાથે સહ એડમિન બનીને ક્લબની તમામ કામગીરી પણ કરે છે. તેમના સહકારથી ગૃપમાં જે બંને નવલકથાઓનું કામ થયું છે અને વિમોચન થયું એ એમાં લતાદીદી વિના કદાચ સઘળું અધૂરું જ ગણી શકાય એ હદે તેમણે તેમનો સમય અને એનર્જી આપ્યા છે.
વ્હાલા નીતાદીદી વિષે લતાદીદી બહુ સરસ વાત આખે છે, ‘સાડા ત્રણ વરસ પહેલાં આપણાં સહુના વ્હાલાં નીતાબહેન શાહ નેશનલ બુકફેરમાં મળ્યાં. અમે ફેસબુક મિત્રો તો હતાં જ. એ વખતે પરોક્ષમાંથી પ્રત્યક્ષ મિત્ર બન્યાં. સરખા સ્વભાવના ભેગા થાય પછી શું કહેવું? ને હું એ વખતે જ વેલવિશર વિમેન કલબમાં જોડાઈ…ને અહીં આવ્યાં પછી માસિક મિટિંગમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ મજા લીધી. મારાં કુટુંબમાં પણ ખ્યાલ આવી ગયો કે હવે હું સક્રિય રીતે ગ્રુપમાં જોડાઈ છું તો એ માટે મને ઘરમાંથી બધી રીતે પૂરો સહકાર મળતો રહે છે. નીતાબહેનની આગેવાનીમાં બહેનોને સાથે લઈ પ્રવૃત્તિઓ થાય છે. શરૂમાં મિટિંગ વખતે નીતાબહેન સાહિત્યની એક્ટિવિટીનાં ભાગ રૂપે એ રીતની રમત રમાડે..સ્વલિખિત રચનાઓ પઠન કરાવે..સાથે સાથે બહેનોને તો આનંદ મસ્તી પણ જોઈએ જ… એથી ડ્રેસ કોડ દર મહિને અલગ અલગ રાખ્યાં હોય.. બહેનોનો ઉત્સાહ વધે એટલે કંઇક નાના મોટા ઇનામ રાખ્યાં હોય…નીતાબહેન એટલાં બધાં ઉત્સાહી વ્યક્તિ છે કે પોતે તો ખૂબ એક્ટિવ છે જ પણ ગ્રુપની બધી જ બહેનો પણ એક્ટિવ કેમ રહે એ એમનાં મનમાં સતત ભમ્યાં કરતું હોય.😍 એકાદ વરસ પછી ગ્રુપ મોટું થતું ગયું એમ લેખન એક્ટિવિટી વધતી ગઈ ને મને નિતાબહેને ક્યારે એડમીન બનાવી દીધી એમની સાથે એની ખબર જ ન રહી. ગ્રુપમાં ૧૫ ૨૦ દિવસે એકવાર ગદ્ય અને પદ્યને લગતો ટાસ્ક આપવામાં આવે છે. એટલે એ રીતે પણ હું વાર્તાઓ ઘણી લખતી થઈ.
સહુથી મોટા આનંદની વાત અહીં એ બની કે નીતાબહેને આગળ રહી સહુને લખતાં તો કર્યા જ પણ એમની આગેવાની હેઠળ અમે સહુ બહેનોએ મળીને સહિયારી નોવેલ લખી ને એ પબ્લિશ પણ થઈ. એથી બમણાં ઉત્સાહથી એક જ વર્ષમાં બીજી પણ સહિયારી નોવેલ લખી પબ્લિશ કરી. જો કે એમાં મેં ભાગ નથી લખ્યો પણ પડદા પાછળ રહી સાથ સહકારથી આનંદ મેળવ્યો. જરાં કોઈ, કોઈ પણ કારણસર ઢીલા પડે તો એમનો પર્સનલ કોન્ટેક કરી એમને પ્રોત્સાહિત કરવાં એ ગ્રુપનો મોટિવ રહ્યો છે. સહુને નવાઈ લાગશે પણ ફક્ત બહેનોનું જ ગ્રુપ હોવાં છતાં કોઈને કોઈ માટે ઈર્ષા જોવા ન મળે..કે કોઈ કોઈની ટાટિયા ખેંચ ન કરે પણ એકબીજાને સાથ સહકાર આપે. લખવામાં એકબીજાને માર્ગદર્શન આપે. કોઈ એકની લખવામાં ભૂલ હોય તો બીજા સહજ શીખવે…એકતાની ભાવના પરિવાર જેવી..કોઈ સાહિત્ય સિવાય બીજી રીતે મુંજાયું હોય તો એ રીતે એને હૂંફ પણ બીજી સખીઓ આપે…એ બધું આ આભાસી દુનિયામાંથી જ પ્રત્યક્ષ બનેલ સખીઓ હોવાં છતાં જરાય કોઈને અતડાપણું ન લાગે. અહીં ગુજરાત..ગુજરાત બહારથી અને ભારત બહારની પણ બહેનો જોડાયેલી છે. બહેનોનું ખરેખર ખૂબ મજાનું ગ્રુપ છે. સાહિત્ય સાથે જોડાયેલ બહેનોને પ્રેમથી આવકાર છે. દરેક સખીઓને એમનામાં રહેલી ખૂબીઓને બતાવી આપી દરેકને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે અને ગુજરાતી સાહિત્યમાં એક બહુ મોટી સેવા આપી રહ્યા છે. જે બહુ મોટું યોગદાન ગણી શકાય.’
એક અકસ્માત લતાદીદીના જીવનને થોડું ઝંઝોળી ગયો, પણ પછી આનંદમૂર્તિ કોનું નામ?? એટ્લે લતાદીદી ફરીથી બેઠાં થઈ ગયાં અને અત્યારે પણ આપણી સાથે એવાં જ મધુર હાસ્ય અને રણકાભર્યા અવાજ સાથે મજા લઈ રહ્યાં છે. એક વાર બંને પતિ પત્ની અને દીકરી નિયોતિનો લક્ઝરી બસ સાથે એક્સિડેંટ થયો, ત્યારે લતાદીદીનાં જીવનનો સૌથી કપરો કાળ હતો. લતાદીદીની પોતાની તબિયત પણ ખૂબ જ ખરાબ અને એમાં દીકરી નિયોતિ માટે તો એ જીવલેણ અકસ્માત જ બની રહેલો. જેમાં ત્રણ મહિના સંપૂર્ણ બેડ રેસ્ટ અને મલ્ટિપલ ફ્રેકચર્સના કારણે ડાબો પગ પણ પેરેલિક થઈ ગયો હતો. પણ આજે તો સૌ સારાવાનાં છે. પણ એક વાત લતાદીદીની અમારે તમને ખાસ કહેવી છે, પણ એ વાત તમે એમના બ્લોગ પર જઈને એમના શબ્દોમાં વાંચશો તો જ સમજી શકશો. એટ્લે અહિયાં અમે એ બ્લોગની લિન્ક મૂકીએ છીએ અને તમે એ જરુરુથી વાંચજો.
લતાદીદીનાં બ્લોગની લિન્ક : latavel@wordpress.com
આ લિન્ક જરુરુથી વાંચજો, જ્યાં લતાદીદીએ કેન્સરને કેવી રીતે બે બે વાર હરાવ્યું, એ વિષેની આખી સફર તેમણે આલેખી છે.
લતાદીદી વિષે આપણાં નીતાદીદીનનાં શબ્દોમાં કહીએ તો એક અદ્વિતીય વ્યક્તિત્વ એટ્લે લતાદીદી. ફરવાનાં ખૂબ શોખીન, હાઇકુના ક્વિન, સેલ્ફીના ક્વિન, હંમેશા બીજાને મદદરૂપ થવાં તત્પર, હાસ્યનાં ફુવારા સમા લતાદીદીની હાજરી હોય ત્યાં ચારે તરફ પ્રસન્નતા આપોઆપ આવી જાય.
આટલા હસમુખા અને નટખટ લતાદીદીની હિમ્મત અને જીવન જીવવાની જિગરને લાખો સલામ.
તો બોલો, દોસ્તો, કેવો લાગ્યો અમારો આ લાં……બો એપિસોડ…હવે અમારાં મહેરબાન લતાદીદીની પ્રતિભા જ એટલી વિશાળ છે કે આટલાં શબ્દો પણ ઓછાં જ પડે છે…પણ હવે થોડું અટકીએ…તમે જરા અહીં આપેલાં ફોટાઓ જરુરુથી જોજો અને હા, લતાદીદીનાં બ્લોગ પર જવાનું ના ભૂલતાં…તો તમે ત્યાં જઈ આવો અને અમને આપો રજા…ફરી મળીશું એક નવી સવારે, નવા વ્યક્તિવ સાથે…ત્યાં સુધી બાય બાય..આવજો..સલામ….વડ્ક્ક્મ…..