શાળાના સંભારણા :
હું શાળામાં ભણતી ત્યારે P.T. માં પાસ થવું ફરજિયાત હતુ.
ને આમ તો ખાનગી શાળા હતી પણ 1 P.T. શિક્ષક ફરજિયાત સરકારી… શિક્ષણ વિભાગમાંથી નિમણૂંક થતી.
અમારી શાળા ગુજરાતી મીડિયમની હતી. વસઈમાં ત્યારે એક જ ગુજરાતી મીડિયમની શાળા હતી. 25% વસ્તી જ ગુજરાતીઓની.
1 શાળાના P.T. શિક્ષક ને 1 સરકારી.
સરકારી શિક્ષક મરાઠી હતા. એમનું નામ સિંદે. P.T. ના પિરિયડમાં ખાસ કંઈ કરાવે નહી. પાછા દારુ પીતા. અને વાત વાત માં ગાળો બોલે. અમને ખુબ ગુસ્સો આવે પણ કંઈ કરી ન શકીએ.
હું ત્યારે 10 માં ધોરણમાં હતી. એક વાર P.T.ના પિરિયડમાં અમે ગ્રાઉન્ડમાં બધા લાઈનમાં ઉભા હતા. એટલામાં એમનાં કોઈ ઓળખીતા આવ્યાં એટલે તેઓ એની સાથે ગપાટા મારતા ઉભા રહયા. એટલે સ્વાભાવિક રીતે અમે બધા પણ વાતો કરવા લાગ્યા.
45 છોકરા છોકરીઓ ભેગા વાતો કરે તો કેટલો બધો ગણગણાટ થાય..! છેક પિરિયડ પુરો થવા આવ્યો ત્યારે સિંદેસરના ઓળખીતા ગયા. બસ આવી બન્યુ. ખુબ ગુસ્સે ભરાયા ને એમાંથી ગાળ બોલ્યા. બસ મારું મગજ છટકયું જ હતું ને પાછા બોલ્યા,
‘તમારા માબાપ આવું શિખવે છે.?’ અલબત્ત મરાઠીમાં.
મારો પિતો ગયો….મેં સામે જ કહયુ…
‘શું તમારા માબાપે તમને ગાળો શિખવી છે..?’
બસ થઈ રહ્યુ. ..કહે…
‘એટલું બધું અભિમાન હોય તો કાલથી પિરિયડ ન ભરતી….’
હું એ જ સેકંડે લાઈનમાંથી બહાર નીકળી ને મેં કહયુ. ..
‘કાલથી શું કામ અત્યારથી જ નહિ ભરુ.’
ત્યારથી પિરિયડ ભરવાનો બંધ કર્યો. એમના પિરિયડમાં કાં તો શાળાની ગેલેરીમાં ઉભી રહી નીચે ઉભા હોય એની સાથે વાતો કરું કાં તો બીજા કલાસમાં જઈને પિરિયડ ભરું. સ્કુલમાં આમે અમારું રાજ ચાલતુ ને બધા શિક્ષકો સાથે બનતું પણ સારું.
એમ કરતાં વર્ષ પુરું થવા આવ્યું. મને ગેલેરીમાં જુવે એટલે કહે ..
‘હું તો આનું નામ શાળાના પ્રમુખ પાસે મોકલીશ..’
હું ગેલેરીમાંથી જ બુમ પાડીને બોલી…
‘લતા તો શાળામાં ઘણી છે. પ્રમુખ સાહેબની પાસે જાવ ત્યારે હું જ તમારી સાથે આવીશ…’
એટલે થોડા દિવસ શાંતિથી ગયા. પછી કહે
‘શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીશ.’
મેં કહયુ. ..
‘કયારે જવુ છે?..હું આવીશ ઓળખ માટે.’
આમ સામ સામે લડયા કરતા. તેઓ ઘડી ઘડી ધમકી આપતા કે લતાને પરીક્ષામાં બેસવા નહિ દઉ. એટલામાં વાર્ષિક પરીક્ષા આવી. એટલે એમણે કલાસમાં બોલાવી.
કહે….’પરીક્ષા આપવી છે.?’
મેં કહી દીધુ ‘તમારે લેવી છે? તો લો’….
પરીક્ષા તો આપી. પણ આખી શાળામાં ચર્ચા ચાલી. કેમ કે આખી શાળામાં બધાને અમારી બબાલની ખબર હતી.
ખુદ પ્રિન્સિપાલને પણ ખબર હતી, પણ વચ્ચે નોતા પડતા.
બીજા જે P.T. શિક્ષક હતા તેમણે સિંદેસર ને કહયું પણ ખરું.
‘તમે તો લતાની પરીક્ષા નોતા લેવાના ને’. શું બોલે?..
‘ભલે પરીક્ષા લીધી પણ પાસ થાય તો ને.’
પરિણામ ને દિવસે મારી માર્કશીટ ક્લાસમાં ન મોકલી ને મોનિટર સાથે મને કહેવડાવ્યું કે ઓફિસમાં આવી ને માફીપત્ર પર સહી કરે પછી જ માર્કશીટ મલશે.
મેં મોનિટર સાથે જ કહેવડાવ્યું કે
‘મારી માર્કશીટ કલાસમાં ભધા સાથે જ મળવી જોઈએ.
વધારે માથાકૂટ કરશે તો એમની પાસે માફી પત્ર લખાવીશ…મને ગાળો આપી છે. માનસિક દબાણ કર્યુ છે. એવુ લખી ને.’
છેવટે પ્રિન્સિપાલે એમને કહ્યું
‘લતાનું પ્રમાણપત્ર એમ ન રોકી શકાય. જો નહિ આપો તો લતા ને એનો ભાઈ તમને છોડશે નહિ.’
કેમ કે જયારે આ બબાલની શરુઆત થઈ ત્યારે જ હું ને મારા ક્લાસના થોડા છોકરા છોકરીઓ મોનિટરને લઈને
શાળાનાં દરેક વર્ગમાં જઈને કહિ આવ્યાં હતા કે સિંદેસર હવેથી કોઈને પણ ગાળ બોલે તો અમને કહેજો. અમે પાઠ ભણાવશુ. એટલે આખી શાળાના વિદ્યાર્થીઓ ને શિક્ષકો પણ મારા પક્ષમાં હતા. બધા તમાશો જોતા હતા.
છેવટે ક્લાસમાં જ માકઁશિટ મળી.
11 માં ધોરણમા તો P.T. હતું નહિ પણ આખુ વર્ષ ધાક જમાવી રાખી. એ દિવસ પછી ગાળો બોલવાનું ભુલી ગયા હતા.
લતા સોની કાનુગા.