Monthly Archives: July 2020

મારાં જીવનનો અવિસ્મરણીય પ્રસંગ

શીર્ષક : સહારો

મારાં લગ્ન પહેલાંની વાત છે. મારાં બાપુજીના અવસાન પછી રિવાજ પ્રમાણે મારાં બા (મમ્મી) રાજકોટ એમનાં ભાઈને ત્યાં જઈ નહોતાં શક્યાં. એટલે મેં આશ્વાસન આપ્યું હતું કે બને એટલું જલ્દી નોકરીમાંથી રજા લઈને હું એમને સૌરાષ્ટ્ર લઈ જઈશ. ૧૯૮૧ ડિસેમ્બરની આ વાત છે.  હું જીવનમાં પહેલીવાર જ સૌરાષ્ટ્ર ગઈ હતી. બધાં સગા..મામા, માસી..બધાંને પહેલીવાર જ મળતી હતી. મેં જો કે ઘરેથી જ બા ને બોલી કરી હતી કે તમને કુટુંબ જાત્રા અને ધર્મ જાત્રા બન્ને કરાવીશ પણ કોઈને ત્યાં રોકાવાની જીદ ન કરતાં. આપણે ધર્મશાળા કે ગેસ્ટ હાઉસમાં રહીશું. મુંબઈમાં મોટી થઈ હતી..ખબર નહિ ફાવે કે ન ફાવે..પાછું સગાને ત્યાં ઉતર્યા હોઈએ એટલે કોઈવાર પ્રવાસનો સમય અસ્તવ્યસ્ત પણ થઈ જાય. સમયની કટોકટી હોય ને સામે બધાનાં આગ્રહ..! એ બધો ગૂંચવાડો ન થાય એ ખાસ જોવાનું હતું મારે. માંડ રજા મળી હતી ને ફરવાનું..ઘણાં કુટુંબીજનોને મળવાનું બધું જ સાચવવાનું. 

પહેલાં એક દિવસ રાજકોટ મામાને ત્યાં રહી ને ત્યાંથી વીરપુર..ત્યાંથી જેતપુર માસીને ત્યાં..ત્યાંથી ગોંડલ..બા મોંઘીબા કન્યાશાળામાં જ્યાં ભણ્યાં હતાં એ સ્કૂલ જોઈ..બાનું મુખડું જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું..એમનું જન્મસ્થળ જોયું..કાકા બાપાના ભાઈઓ મળ્યાં. ત્યાંથી જૂનાગઢ..ત્યાયે એમનાં સગા..દરેક ગામે અમે જ્યાં જ્યાં ગયાં ત્યાં દરેક ગામે એમનાં પિયરનું કોઈ ને કોઈ તો મળે જ. બધે એસ.ટી. બસમાં જ ફરતાં.

હવે ખરો જીવનનો અવિસ્મરણીય દિવસ આવ્યો. અમે ગિરનાર ચઢવાનું નક્કી કર્યું. તળેટીની ધર્મશાળામાં ઉતર્યા હતાં. બાની ઉંમર ત્યારે ૬૦ સાહિઠની. હું ૨૬ છવ્વીસની. ધર્મશાળાવાળાએ તો અમને ના કહી. ‘આ ઋતુમાં ઉપર એકલાં ન જવાય. કોઈ પુરુષ માણસ સાથે નથી.’ પણ અમે તો નક્કી જ કર્યું હતું. સવારે ૬ વાગે ઉપર જવા નીકળ્યાં. તળેટીની દુકાનો હજુ ખુલી ન હતી..એકાદ બે ખુલ્લી હતી એ લોકોએ અમને ખૂબ રોકયાં. ઉપર ૩ દિવસ પહેલાં જોરદાર પવન ફૂંકાયો હતો ને કોઈ બહેન હવામાં ખેંચાઈ ખાઈમાં પડી ગયાં. એમ કહી રોકવાનો પ્રયત્ન કર્યો પણ અમારે તો જવું જ હતું. એટલે ઉપર પવન બહુ ફૂંકાય તો પગથિયે બેસી જવું, ખાઈ બાજુ ન ચાલતાં દિવાલ બાજુ જ ચાલવું, અમુક જગ્યાએ તો ખુલ્લું જ હોય ત્યાં પવન વધારે લાગે તો કપડાં સંકોરી બેસી જવું. મેં તો પેન્ટ પહેર્યું હતું પણ બાનો સાડલો હોય એટલે એમાં હવા ભરાઈ જવાની બીક રહે. ડોલીવાળાને નક્કી કરી બાને માંડ સમજાવી એમાં બેસાડ્યા. હું આગળ આગળ ચડતી ગઈ. હજારેક પગથિયાં ચડ્યાં હોઇશું ને મેં પાછળ વળી જોયું તો બા જાતે ચડીને આવતાં હતાં. પૂછ્યું તો કહે, “મને કોઈ ઉંચકીને ચાલે એ નથી ગમતું. તને મેં ના જ પાડી હતી. એ લોકોને પૈસા આપીને છુટ્ટા કર્યા.” એટલાં પગથિયાં પણ વચ્ચે વચ્ચે પોતે જ ચડતાં. ઘડીક ડોલીમાં બેસતાં. મેં વિચાર્યું, ‘હવે જે થાય એ ખરું. બા ઉપર અટકશે તો કોઈ ડોલીવાળાને પકડવો પડશે.’ ૧૦,૦૦૦ દસ હજાર પગથિયાં ચડવાનાં ને એટલાં ઉતરવાના. મેં અશોકવન બાજુ જવાનો રસ્તો માંડી વળ્યો..૨૦૦૦ બે હજાર પગથિયાં બચ્યાં. તો યે ૮૦૦૦ આઠ હજાર તો ખરા જ..!

૪૫૦૦ સાડા ચાર હજાર પગથિયે જૈનોનાં દેરા આવે. ખૂબ સુંદર કોતરણી. આટલે ઉપર આરસ લાવી આટલું સુંદર કામ જોઈ આંખો ઠરી. ત્યાં બધું જોવામાં દોઢેક કલાક નીકળી ગયો. ત્યાંથી ઉપર શ્રી અંબા માં ની ટૂંક ૬૦૦૦ છ હજાર પગથિયે આવે. ત્યાં પહોંચ્યાં. માતાજીનાં શાંતિથી દર્શન કર્યા. ત્યાં પણ ખાસ ભીડ ન હતી. આખે રસ્તે ખાસ કોઈ મળતું ન હતું. કોઈ કોઈ વચ્ચે મળી જાય. મંદિરના પુજારીએ અમને આગળ જવાની ના પાડી. કેમ કે પ્રવાસીઓ જ ખાસ ન હતાં. એમાં અહીંથી આગળ કોઈ જતું ન હતું. અમે થોડીવાર ત્યાં આરામ કરી આગળ વધ્યા. એટલે ગોરખનાથની ટૂંક આવી. ત્યાં ચલમધારી બે ત્રણ સાધુઓ હતાં બાકી કોઈ જ નહીં. 

હવે પછીનો રસ્તો આમે વિકટ આવે છે. સીધો ડુંગર ઉતરવાનો. ને પછી સામે એવો જ સીધો ડુંગર ચઢવાનો…ઢાળ ઓછો આવે. અંદાજીત દોઢેક હજાર પગથિયાં ઉતરવાના ને સામે ચડવાનાં થાય ત્યારે શ્રી દત્તાત્રેય ભગવાનની ટૂંક પર પહોંચાય. ત્યાં આમ તો ફક્ત એમનાં પાદુકા ને મોટો ઘંટ જ છે. પણ ગિરનાર ચઢિએ ને છેક ન જઇએ એ કેમ ગમે? 

અમે બન્ને થોડાં મુંજાયા. ત્યાં જ પગથિયે બેસી ગયાં. સામે જ શ્રી દત્તાત્રેયની ટૂંક ને એનો ઘંટ દેખાય. મનમાં બન્ને પ્રાર્થના કરતાં બેઠાં હતાં ત્યાં ૪ ચાર ભૈયાજી જેવા દેખાતા માણસો આવ્યા. અમને કહે, “સામને જાના હૈ તો ચલો, હમ ભી જા રહે હૈ.” અમે ના પાડી. લઠ્ઠા જેવા લાગતા હતા એ બધા. ક્યાંક રસ્તામાં આડુંઅવળું થઈ જાય તો..! ગાંડપણ તો ન જ કરાય ને..! ત્યાં જ બેઠાં બેઠાં દત્તાત્રેય ભગવનની પ્રાર્થના ચાલુ રાખી. ને હું તો બબડતી હોઉં એમ બોલતી જ હતી કે, “બસ ને અમને અહીં થી જ પાછાં કાઢવા છે? જાત્રા પુરી થવા નથી દેવી?”  ને ત્યાં તો જાણે વાવાજોડાની જેમ કૂદતી પહેલાં બે છોકરીઓ દેખાણી. ત્યાંના ગામડાનાં પરિવેશમાં ને પછી પાછળ પચીસેક જણનું કુટુંબ હોય એમ સહુ આવતાં દેખાયાં. ભગવાને જાણે અમારી પ્રાર્થના સાંભળી. એ લોકોએ કહ્યું, ‘હામેની ટૂકે જાવું છે ને..! હેંડો તમ તમારે. અમે પણ ત્યાં જ જઈએ છીએ. અમે તો પગથિયાં ઉતરવા લાગ્યાં. ત્યાં પગથિયાં સાંકળા પણ ખરાં. સાચવીને ઉતરવું પડે. કુટુંબનાં મોભી કહે, ‘છોડી, તું તારે અમારી છોડીયું સાથે આગળ જવું હોય તો જા. અમે છીએ માડી હારે.’

જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના કણબી પટેલ હતાં એ બધાં. કણબી આમે આખા બોલા. બધાં સાથે વાતો કરતાં કરતાં અમે ક્યાં ઉતરી ગયાં ને ક્યાં સામેની ટૂંકે ચડી ગયાં એનો ખ્યાલ પણ ન રહ્યો. ત્યાં જઈ ભગવાન આગળ દિલથી પ્રાર્થના કરી કે, “આજે તમે જ અમારાં માટે આ સહુને મોકલ્યાં.”

વાત વાતમાં મેં એ લોકોને કહ્યું કે, ‘બા માટે ડોલી કરી હતી પણ બા એ એમને રવાના કરી દીધા. હવે ઉતરવું જ બહુ ભારે પડશે.’ તો કહે, ‘ચિંતા ન કર. અમે છીએ ને સાથે.’ એ સહુ નાના મોટા થઈને પચીસેક માણસોનું કુટુંબ હતું. આઠ દસ વરસનાં બાળકોથી લઈને પચાસેક વરસનાં સુધીનું. એ લોકોની તો ઝડપ પણ ખૂબ હોય ઉતરવાની. મારે તો બા ને લીધે ધીરે ધીરે ઉતરવું પડે. એમ કરતાં કરતાં અડધે તો પહોંચ્યાં ત્યાં સુધીમાં એમનાં ઘણાંખરાં ખૂબ આગળ જતાં રહ્યાં હતાં. પછી એમણે અંદરોઅંદર વાતો કરી કંઇક નક્કી કર્યું એટલે આધેડ વયનાં પતિ પત્ની અમારી સાથે રહ્યાં. ને બીજા બધાં આગળ નીકળી ગયાં. મેં એમને કહ્યું પણ ખરું કે, ‘તમે કોઈ નીચે જઈ ડોલીવાળાને મોકલો. તમારે રોકાવાની જરૂર નથી.’ એમણે કહ્યું હવે સાંજ પડવા આવી. કોઈ ડોલીવાળો ન મળે. ચિંતા ન કરો. અમે છેક સુધી સાથે રહીશું.’

બા ના પગ ગરબા ગાતાં હતાં. પણ કણબી પટેલ દંપતી આખા બોલા ને મજાક્યા પણ એટલા જ હતાં. કંઈ ને કંઈ એવી વાતો કરી બા ને હસાવે. મેં પેન્ટ અને ઉપર જર્સી સાથે કોટ પહેર્યો હતો એટલે બા ને કહે, ‘ચનત્યા ના કરો તમારો છોરો ભેગો છે. તમને કંઈ થઈ જશે તો દામોદરમાં ડૂબકી મરાવી એની પાસે ક્રિયા કરમ કરાઈ લેહુ.’ ને ખડખડાટ હશે. છેલ્લા હજારેક પગથિયાં રહ્યાં ને બાની હાલત તો ડગ માંડવાની પણ નહોતી રહી. પણ એ કણબી પટેલ દંપતી અને હું થઈને બાને કાંડેથી ઝાલી જાણે ઝુલાવતાં હોઈએ એમ પગથિયાં ઉતરિયે. એ લોકોને બસ પકડવાની હતી…એ જમાનામાં તો ગામડાંની બસો પણ બહુ ઓછી હોય. તો યે અમારે ખાતર જ બધાંને મોકલીને એ બન્ને સાથે રહયા હતાં.

આ એક ભગવાનની કૃપા જ કહેવાય ને..! જાણે માનવ સ્વરૂપે અમને મદદ કરવા આવ્યાં. છેક સાત વાગે અમે નીચે ઉતર્યા. તેઓ બન્ને અમારી ધર્મશાળા સુધી બાને બાવડે ઝાલી મૂકી ગયાં. મેં કહ્યું એમને, ‘મેંદરડાની બસ જતી રહી હોય તો અહીં ધર્મશાળામાં હું વ્યવસ્થા કરાવી દઉં. સવારે જજો.’ પણ કહે અમને કંઈ ને કંઈ સાધન મળી જશે ચિંતા ન કરો.’

ગોરખનાથની ટૂંક થી જતાં ને છેક તળેટીએ આવતાં સુધી એમની બધાંની સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. મને એમની બોલીમાં લખતાં નથી ફાવતું પણ હજુ ઘણીવાર એ બધાં સંવાદો ને તકલીફને હવામાં ઉડાડી દેવાની રીત ખૂબ યાદ આવે. 

રાત્રે બાને પગે આયોડેક્ષ અને એક મલમ બાજુની ઓરડીવાળાએ આપ્યો એ ખૂબ ઘસ ઘસ કર્યો..

એ રાત્રે એક જબરદસ્ત પરિવર્તન બા માં મેં જોયું કે જે બા મોટાભાઈ માટે બીજી જ્ઞાતિની છોકરીઓના માંગા આવે તો સ્પષ્ટ ના પાડી દેતાં એ બાએ મને કહ્યું, “લતા, તે કોઈને પસંદ કર્યો હોય તો કહેજે. બીજી જ્ઞાતિનો હશે તો પણ તારાં લગ્ન કરાવી આપીશ.” કેમ કે મારાં માટે માંગા ખૂબ આવતાં પણ હું જોવાની પણ ના પાડતી. એટલે એમને એમ કે કદાચ મારે કોઈ સાથે પ્રેમ હોય પણ હું ઘરમાં કહેતી ન હોઉં. મેં કહ્યું, “મારે એવું કંઈ નથી. જ્યારે એવો કોઈ પ્રશ્ન આવશે ત્યારે કહીશ.”

ખાસ તો બા થી અમે બધાં જ ડરતાં. બા બહુ કડક સ્વભાવનાં હતાં. પણ પછી પાછલી ઉંમરે એમનો સ્વભાવ ખૂબ બદલાયો હતો.

સવારે પણ ફરી એમ જ કર્યું. પગે ખૂબ મલમ ઘસ્યો..એ પછી બા ફરી ધીરે ધીરે સાંજે ચાલતાં થયાં. એક આખો દિવસ આરામ કરી બીજે દિવસે દામોદર કુંડ..ખાપરા કોડિયાની ગુફાઓ..ને બાકી જૂનાગઢ ફર્યા ને એમનાં સગાને મળ્યાં. ત્યાંથી સોમનાથ ગયાં. સોમનાથથી દ્વારકા..ત્યાં પણ એમની મસીયાયી બહેન રહે. એમને પણ મળ્યાં.

સગા મામા અને સગા માસીને ત્યાં રાત રોકાયાં. બાકી બધાંનાં ઘરે મળવા જતાં. ખૂબ આગ્રહ કરે પણ બહુ તો જમીએ. નહિ તો નાસ્તો કરી અમારે મુકામે જ રહીએ.

મેં પ્રવાસ તો એ પછી ઘણાં કર્યા છે. એક બે આવા અવિસ્મરણીય છે. ફરી ગિરનાર પણ ચડી છું, પણ આ પ્રવાસની તોલે કોઈ પ્રવાસ ન આવે. આર્થિક સંકડામણમાં …ગોઠવણ કરી કરી ફરવું…ને ગિરનારનો અવિસ્મરણીય સાથ સંગાથ..!

…લતા સોની કાનુગા

કાવ્યનો આસ્વાદ

શીર્ષક: મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ. 

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,

રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,

સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,

રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ.’

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,

ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.”

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’

કહી એમ માથે લઈ ભાત ચાલી.

મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,

ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ

થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !

વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,

રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :

‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,

ઝાંખા સર્વે ઝાડવાં, દારુણ જાણ એ દુ:ખ.

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?

મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,

મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’

ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,

‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,

તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

……………………………..

હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે મને આ કાવ્ય ભણવામાં હતું. આખું કાવ્ય મોઢે હતું. અત્યારે પણ આ લઘુ ખંડ કાવ્યનાં ત્રણે ભાગની અમુક પંક્તિઓ મોઢે છે. ત્રણ વરસ પહેલાં મેં એ પંક્તિઓ ફેસબુકમાં મૂકી વિનંતી કરી હતી કે કોઈ પાસે આ કાવ્ય હોય તો મને આપે. એ વખતે એક ભાઈએ આખું કાવ્ય મને મોકલ્યું જે મેં સાચવી રાખ્યું.

આ લઘુ કહી શકાય એવા ખંડ કાવ્યનાં પહેલાં ખંડમાં ખેડૂતની જીવનશૈલી દોહરા સ્વરૂપે વર્ણવી છે. ખેડૂત ગામમાં રહે છે પણ એનું ખેતર….ગામથી દૂર… સીમમાં છે. આખો પ્રદેશ ડુંગળાળ છે પણ જમીન ફળદ્રુપ છે એટલે શેરડી સારી પાકી છે, પણ ભૂંડ ને બીજા પ્રાણીઓ નુકશાન પહોંચાડે છે એથી ખેડૂત રાત દી જોયા વગર ખેતરની ફરતે વાડ બનાવવામાં તલ્લીન છે. એને જમવા આવવાનું પણ ભાન નથી રહેતું…આ બાજુ પટલાણીને મોટી દીકરી પછી આઠ વર્ષે દીકરો આવ્યો છે એટલે ખેતરે ભાત દેવા કેમ જાવું? એ સવાલ છે. 

કાવ્યનાં બીજા ભાગમાં જે ભુજંગી રાગમાં લખાયો છે..મા અને દીકરી વચ્ચેનો સંવાદ ખૂબ સુંદર રીતે આલેખાયો છે. મા ઘરનાં…ઢોર સાચવવાનાં કામમાં હોય તો મોટી બહેન નાના ભાઈનું ધ્યાન રાખતી હોય છે. મા દીકરીને સમજાવે છે કે ‘તારાં બાપુ ખેતરે કામમાં ખાવાનું પણ ભૂલી ગયા લાગે છે. જો તું જઇને ભાતું આપી આવે તો….!’ દીકરી પણ ટહુકા કરતી તરત તૈયાર થઈ કહે છે…’ભલે બા, હું ભાતું દઈ આવીશ…મને એ બહાને ખેતરે શેરડી ખાવા મળશે. મેં ટૂંકો મારગ જોયો છે એટલે આ ગઈ ને આ આવી.’

ત્રીજો અને અંતિમ ભાગ દોહારા સ્વરૂપે લખાયો છે…એની શરૂઆત તો ખૂબ નયનરમ્ય થાય છે. આઠ વર્ષની દીકરી…ને એનું નામ પણ કેવું મીઠું!…મીઠી…દોડતી કૂદતી આસપાસની ટેકરીઓ વટાવતી એની ધૂનમાં જતી હોય છે. ને અહીં જ કવિએ ખૂબ સુંદર રીતે કરુણ રસ ઉમેરી કાવ્ય-વાર્તાને અલગ મોડ આપ્યો છે. મીઠી સમજે એ પહેલાં જ ડુંગરની બખોલમાંથી વાઘ આવી મીઠીનો શિકાર કરી નાખે છે. એની ચીસોથી વેરાન જગ્યા…ઝાડવા પણ પક્ષીઓની ચિચિયારીઓથી ગાજી ઉઠે છે..

સાંજે પટેલ ઘરે પાછો ફરે છે ત્યારે છેક પટેલ પટલાણીને ખ્યાલ આવે છે કે મીઠી તો ખેતરે પહોંચી જ નહોતી…બન્ને બેબાકળા બની મીઠીને શોધવા નીકળે છે. 

‘મીઠી! મીઠી! પાડતાં બૂમ ઘણી માબાપ,

ઉત્તર એનો ના મળે એથી કરે વિલાપ.

વાંચનારનું પણ મન વલોવાઈ જાય એવું કરુણ શબ્દચિત્ર કવિએ ખડું કર્યું છે. એમાં ને એમાં રાત પડી જાય છે..મીઠી નથી મળતી પણ એની ઓઢણી..એ જે ઠામમાં ભાતું લઈ ગઈ હતી એ ઠામ..બધું મળે છે…રડતાં કકળતાં માબાપ ઘરે પાછાં આવે છે.

વખત જતાં શેરડીનો પાક પણ વેંચાય છે…ને જાણે કોક કોક ને મીઠી ભાત લઈને જતી હોય એવી દેખા દે છે..એટલું કહી કવિ તો વિરમે છે, પણ આખા કાવ્યુંનું શબ્દચિત્ર એટલું આબેહૂબ ઉભું કર્યું છે કે વાંચતા વાંચતા આખું વર્ણન આપણી નજર સમક્ષ ખડું થયાં વગર ન રહે. અને એથી જ મને એટલી નાની ઉંમરથી આ કાવ્ય દિલને સ્પર્શી ગયું હતું એ પણ બધાં દ્રશ્યો ચિત્રપટની પટ્ટીની જેમ.

લતા સોની કાનુગા