વિશ્વકોશમાં યુ ટ્યુબ પર આપવાનું વક્તવ્ય.

વિશ્વકોશમાં યુ ટ્યુબ પર આપવાનું વક્તવ્ય :

આમ તો મારું જીવન સતત ચડાવ ઉતાર વાળું રહ્યું છે. અત્યારે હું જે કઈ પણ છું એ મને અનુભવે ઘડી છે. નાનપણ આર્થિક સંકટોથી ભરેલું હતું. ઘરમાં લાઇટ પણ ન હતી, પણ વાંચનનો ગાંડો શોખ. ચીમની, ફાનસ કે ચાંદનીનાં પ્રકાશમાં પણ વાંચવાનું ન છોડું. ઘરમાં બધાં જ વાંચનનાં શોખીન. બહોળું વાંચન જીવન ઘડતર માટે બહુ કામ આવ્યું. 

નાનપણથી જ અમારે ત્યાં ઘરમાં પૈસાનો વહેવાર હું ને મારા મોટાભાઈ સંભાળતાં. મારાં બા એટલે કે મમ્મી શિક્ષિકા હતાં. ઉપરાંત ટ્યુશન પણ કરતાં. તથા બાપુજીની જે થોડી આવક આવતી એ બધી જ બા અમને ઘર ચલાવવા આપી દેતાં. એથી કરકસરથી કેમ રહેવાય એ શીખવા મળ્યું. મારાં જીવન ઘડતરમાં મારાં બા ઉપરાંત અમારાં ઘર માલિક બા જે ખૂબ જ સેવાભાવી હતાં એમનો ફાળો મુખ્ય રહ્યો છે. 

એ વર્ષોમાં સ્કૂલના પાઠ્યપુસ્તકમાં એક કાવ્ય આવતું  – ‘એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી’, તેના ઉપરથી મેં પેરોડી બનાવ્યું, જેમાં મોટાભાઈ વાલ્મીક્ભાઈએ પણ મદદ કરેલી ‘એક જ દે ઘડો પાણી સરકારી નળ, એક જ દે ઘડો પાણી.’ એક રીતે કહીએ તો એ મારી પહેલી મૌલિક કૃતિ. પહેલીવાર વર્ષ ૧૯૬૭-’૬૮માં ‘વેલ’ના નામે ‘મુંબઈ સમાચાર’માં છપાઈ. તેનાથી પ્રોત્સાહન મળ્યું અને ત્યાર બાદ નિબંધ, લેખ, નાની નાની વાર્તાઓ એવું લખતી. જોકે, તેનું પ્રમાણ સાવ ઓછું, કોઇક જ વાર.

એસ.એસ.સી. કરી કમાતા કમાતા આગળનું ભણી. એક વર્ષ રેગ્યુલર કર્યું ત્યારે એન.સી.સી. લીધું હતું જે બીજા વર્ષે એક્સ્ટર્નલ વિદ્યાર્થીની તરીખે ભણવાનું ચાલુ રાખ્યું તો ન મળે પણ મેં મારાં ફસ્ટ ઈયરના રિપોર્ટ ઉપર ફાઇટ કરી એથી ચાલુ રાખી શકી ને 3 વર્ષનો કોષ પૂરો કર્યો. ઉપરાંત નાસિક ભોંસલા મિલીટરી સ્કૂલમાં મિલીટરી કોર્ષ પણ કર્યો. જેણે જીવનમાં શિસ્તના પાઠ શીખવ્યા.

પૈસા બચાવીને પુસ્તકો ખરીદતી. તે સમયે હપ્તેથી અને ડિસ્કાઉન્ટ પર પુસ્તકો મળતાં. ઓળખીતા દુકાનદારો ઘણીવાર મારો શોખ જોઈ મને વાંચવા માટે એમ ને એમ પણ પુસ્તકો આપતાં, જે હું વાંચીને એમને પરત કરતી. 

મારી બા તો ઘણીવાર કહે કે, ‘આટલાં પુસ્તકો ખરીદે છે તો પરણીને આણામાં કપડાં લઈ જઈશ કે પુસ્તકો?’ ત્યારે હું પણ હસીને કહેતી, ‘બા, હું પુસ્તકો તો લઈ જ જઈશ.’

.લગ્ન બાદ જીવનમાં પરિવર્તન આવ્યું. વ્યવસાયે ડૉકટર પતિની નોકરી આદિવાસી વિસ્તારમાં, મુંબઈ જેવા શહેરમાં મોટી થયેલી મારે, હવે આદિવાસી વિસ્તારમાં રહેવાનું આવ્યું. ત્યાં પણ આડોશ પાડોશમાં શક્ય તેટલી સામાજિક જાગૃતિ લાવવાનાં મારા પ્રયત્નો સફળ થયા, તેનો મને આજે પણ આનંદ છે. વચ્ચે આર્થિક જરૂરત ઉભી થઇ તો ઉપાર્જન કરવા ઘરથી બહાર નીકળી. એ માટે 40 વર્ષે 2 વિહિલર ચલાવતાં પણ શીખી.

અહીં હું એક સાવ નાના માણસની  ઉચ્ચ ભાવનાની વાત કરી સાદર કદર સાથે વંદન કરવા માગું છું.

૨૦૦૭ મે મહિનામાં હું મારા મિસ્ટર અને મારી દીકરી સોમનાથ જવા સ્લીપર લકઝરીમાં રાત્રે નીકળ્યાં. ત્યાં  તો મધ્યરાત્રિમાં એ બસ એક ખેતરમાં રોડથી પચીસ ફૂટ નીચે પલ્ટી ખાઇને આડી પડી ગઈ. એ સમયે અન્ય મુસાફરો સાથે હું અને મારા મિસ્ટર બસમાંથી નીકળી શકીએ એમ હતા પણ મારી દીકરી માટે એ શક્ય ન હતું એ ખૂબ જ કફોડી હાલતમાં સીટ નીચે દબાયેલી હતી. આવી સ્થિતિમાં ક્યાં માબાપ દીકરીને મૂકી પોતાનું વિચારે? 

એકાદ કલાક વીતી ગયા બાદ હાઇવે પરથી પસાર થતી એક લકઝરી બસ ઉભી રહી ને એના દ્રાઈવર અને કન્ડક્ટર મદદે આવ્યા. એમને ચાર પાંચ જણને ભેગા કરી અંધારામાં જ લાકડીઓ ગોતી બસની અંદર આવ્યા ને અમને આશ્વાસન આપી બહાર આવવા કહ્યું. 

લાકડીઓથી સીટ ઉંચી કરી કન્ડક્ટર છોકરાએ દીકરીને નીચેથી ધીરે રહીને ઊંચકી અને ક્ષણમાં એને સ્થિતિનો અંદાજ આવી ગયો. બસમાંથી હળવેકથી બહાર લાવી સીધી જ એમની લક્ષઝરી બસ તરફ ઉતાવળે ચાલ્યા ને અમને કહ્યું અમારી સાથે ચાલો, પચીસ કિલોમીટર દૂર જ રાજકોટ છે ત્યાં સિવિલમાં લઈ જઇએ.

આ બધી ધાંધલમાં મારું પર્સ બસમાં રહી ગયું. અમારી પાસે કુલ નવસો રૂપિયા જ હતા. અમારી વાતો સાંભળી દ્રાઈવર અને કન્ડક્ટરે પોતાના રૂપિયા પણ અમને આપી દેવાની તૈયારી બતાવી, પણ અમે સાદર ઇન્કાર કર્યો. રાજકોટ સિવિલ આવી. ફટાફટ દીકરીને કન્ડક્ટર છોકરાએ જ ફૂલની જેમ ઊંચકી સ્ટ્રેચર પર સુવડાવી. એ બન્ને દેવદૂત દીકરીનો જીવ બચાવી એમની બસમાં રહેલા પ્રવાસીઓને સુખરૂપ પહોંચાડવા જતા રહ્યા.

દીકરીને મલ્ટીપલ ફેક્ચર હતા. પેલવીકની રિંગમાં ચારે બાજુથી પાંચ ફેક્ચર ને એક ડાબા પગનાં બોલમાં.. એને લીધે એની સાયેટિકા નવ સાવ ડેમેજ થઈ ગઈ હતી. એથી પગનું સેન્સેશન સાવ જતું રહ્યું. ખૂબ લાંબી ટ્રીટમેન્ટ બાદ નોર્મલ ચાલતી થઈ. 

મૂળ તો અજાણ્યાં દેવદુતે આવી જે મદદ કરી એનું ઋણ ક્યાંયેય ભુલાય એમ નથી. એ વખતે અમારી મનોસ્થિતિ એવી હતી કે અમને ત્રણમાંથી કોઈને ખ્યાલ નથી કે કઈ બસના દ્રાઈવર કન્ડકટર હતા. એ બન્ને તો નિસ્વાર્થ ભાવે મદદ કરી દેવદૂતની જેમ જતા રહ્યા. દિલથી સલામ અને આશિષ વરસાવતી રહું છું. લાંબી ટ્રીટમેન્ટ ચાલી પણ મને એકવાર પણ નકારાત્મક વિચાર નથી આવ્યો કે દીકરી કાયમ માટે અપંગ રહેશે તો. હું એક જ વાત કહેતી, ‘બધું સારું થઈ જશે.’ જીવનમાં કોઈપણ મુશ્કેલી આવી હોય હકારાત્મક વલણ જ અપનાવ્યું છે. આર્થિક કે શારીરિક.. ને એથી દર વખતે રસ્તો મળી જ જાય છે

આમ જ વર્ષો પસાર થતાં ગયાં. બાળકો મોટાં થઈ ગયાં અને હું ‘બા’ થઈ ગઈ. દીકરો, વહુ અને દીકરીની મીઠી જિદ કે, ‘બા, હવે રસોડામાંથી રીટાયર્ડ થાઓ.’ અને મેં તેમના શબ્દો પોંખી લીધા ….મારી સાહિત્યસર્જન યાત્રાની આ પૂર્વભૂમિકા. 

આ ૫૯ વર્ષનાં બા હાથમાં મોબાઇલ લઈને ફેસબુકના માધ્યમથી નવાં નવાં મિત્રોનાં સંપર્કમાં આવ્યાં. અલબત્ત, મારા પરિવારને અજાણ્યા લોકો સાથેની મિત્રતાની વાત ઓછી ગમતી, મને ખાસ કશું ચિંતા જેવું લાગ્યું નહીં એથી પરિવારને પણ મનાવી લીધો.

મને મારી અભિવ્યક્તિ લખીને કરવી ગમતી. અમુક વાતો જે કોઇને ન કહીં શકીએ એ કાગળ પર ઉતારી આપણાં મનનો ભાર ઉતારવા પણ લખવું ગમતું. 
એવા ભાવનું એક હાઇકુ

‘થીંજેલા હૈયાં
અહંકારથી ભર્યા,
વ્યર્થ તાપણું.’

આ વર્ચ્યુઅલ દુનિયાને લીધે પોતાનાં મનનાં ભાવોને લખી આનંદ માણતી રહું છું. ભલે શરૂઆત નિજાનંદ માટે લખવાની કરી પણ દંભ નહિ કરું. હવે એ દ્વારા મારાં વિચારો.. મારું લખાણ બીજા પણ વાંચે અને અભિપ્રાય આપે એ પણ ગમે છે. હા, નિસ્વાર્થ ભાવે અમુક મિત્રો ભૂલ બતાવે છે ત્યારે દિલથી આનંદ થાય છે કે ‘કોઈ મારું લખાણ પૂરું વાંચે છે ત્યારે જ મારી ભૂલ પણ બતાવે છે.’ હું એ સુધારવાનો સતત પ્રયત્ન કરતી રહું છું.
મારાં ભર્યા ને તોયે એકલવાયા જીવનમાં મને લખતાં રહી પોતાની જાતને ડુબાડી રાખવી ગમે.

જિંદગી તો આવી ને એ ચાલી…
કર સાર્થક માણી એને.

શરૂમાં ફેસબુકના ગદ્ય માટેનું ‘શબ્દાઅવકાશ’ અને પદ્ય માટેનું ‘તોફાની તાંડવ’ ગ્રુપમાં જોડાઈ. ત્યાં મેં ગદ્ય અને પદ્ય લખવાની પા પા પગલી ભરી. ‘તોફાની તાંડવે મને મંચ પર બોલતી કરી તો શબ્દાવકાશ દ્વારા ૨ સહિયારી લઘુનવલ અમે લખી. એમાંની એક ‘સ્વયંસિદ્ધા’ હમણાં જ પુસ્તક રૂપે બહાર પડી. બીજી ઇપુસ્તક રૂપે એમેઝોન પર વાંચવા મળે છે. એ પછી વોટ્સએપ આવ્યું ને ‘વેલવિશર વિમેન્સ કલબ’ ‘સર્જન માઇક્રોફિક્શન’ ગ્રુપમાં જોડાઈ ને ગમતાંનો ગુલાલ કરવાં લાગી. ‘વેલવિશર’ ગ્રુપ દ્વારા મારી ૧ સહિયારી લઘુનવલ ‘મનસ્વી’ પુસ્તક રૂપે બહાર પડી. તો ‘સર્જન માઇક્રોફિક્શન’ ના ૨ પુસ્તકોમાં મારી પણ ૧ ૧ વાર્તા છે. 29 નવેમ્બર ‘૨૦ માં મારી સ્વતંત્ર બુક ‘સફર આંગળીનાં ટેરવે’ સાહિત્ય રસિક જનો સમક્ષ મૂકી એનો અનહદ આનંદ છે.

ત્યાં એક દિવસ ‘વિશ્વકોશ’ માં શ્રીમતી ધીરૂબહેન પટેલ દ્વારા ચાલતું ‘વિશ્વા સખી ગ્રુપ’ વિશે ખબર પડી ને એમાં જોડાઈ. ત્યાં ધીરૂબહેનનાં માર્ગદર્શન હેઠળ સાહિત્યિક ઘણી પ્રવૃતિઓ ચાલે છે. એ ગ્રુપને ૩ વરસ પુરા થતાં હતાં એટલે એક સુંદર કાર્યક્રમનું આયોજન શ્રીમતી ધીરૂબહેન અને શ્રીમતી શ્રદ્ધાબહેને મળીને કર્યું. સહુ બહેનો ભાગ લઈ શકે એ રીતનું આયોજન હતું. નૃત્ય.. પઠન..વગેરે. અમારી પાસે નાટકો મંગાવ્યા. એમાં મારું નાટક પસંદ થયું એનો વિશેષ આનંદ. નાટક ૨૫ મિનિટનું હતું પણ ૧૫ મિનિટનું કરવાથી માંડી ભજવવામાં હું કોઈ ભાગ ન લઈ શકી. એ ગાળામાં જ મને ત્રીજીવારનું બ્રેસ્ટ કેન્સર ડિટેકટ થયું હતું એટલે ટ્રીટમેન્ટ ચાલતી ને એની સાઇડ ઇફેક્ટને લીધે અશક્તિ. પણ આ ગ્રુપ સાથે સતત જોડાયેલી રહી છું. એક વર્ષથી કોરોનાકાળને લીધે ઓનલાઈન પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે. વાર્તાઓ.. લેખો.. નિબંધો.. કઈ ને કઈ ચાલતું રહે. એમાં જ અમારી  ૨ સહિયારી લઘુનવલ પણ લખાઈ જે હજુ મઠારવી બાકી છે. 

આગળ કહ્યું એમ મારે લગભગ સવા બે વર્ષથી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ છે. આમ તો કેન્સરે ત્રીજીવાર દેખા દીધી છે. જો કે હું હકારાત્મક વિચારસરણી વાળી પહેલેથી રહી છું. 
2008 માં પહેલીવાર ઓપરેશન કરી કૅમોની ટ્રીટરમેન્ટ ચાલુ થઈ, ને પહેલા કૅમોએ જ એનો પરચો બતાવી દીધો અને મારા વાળને મારે વિદાય આપવી પડી પણ  હું કાંઈ ગાંજી જાઉં એવી ન હતી. પહેલેથી જ મસ્ત મજાની વિગ કરાવી રાખી હતી.

એ સમયનો એક પ્રસંગ કહું. 
હું ને મારી દીકરી સી.સી.ડી. ગયા હતા. દીકરીએ મને ધીરે અવાજે કહ્યું,
‘મમ્મી તારી વિગ સહેજ ખસી ગઈ છે.’

હું ત્યાં બધા સામે જ એને સરખી કરવા ગઈ તો એણે મને રોકી.

એક તો પહેલાં કહે વિગ ખસી ગઈ છે ને પાછી ઠીક કરવા પણ ન દે. બોલો એવું ચાલતું હશે?

મને તો એક વાર વિચાર પણ આવી ગયો કે વિગ જ કાઢી નાખું, પણ દીકરી ભેગી હતી. એની પ્રેસ્ટિજનો તો વિચાર કરવો પડે ને યાર…કોઈને થશે આ આધેડ સ્ત્રીનું ચસકી ગયું લાગે છે… પછી તો બંને ગાડીમાં બેસીને ખૂબ હસ્યા. આજે પણ યાદ કરીએ ત્યારે ખુલ્લા મને હસી પડાય છે.

આમ જ દવા ને હાસ્ય બંને જીવનના ભાગ બની ગયા હતા.

જીવનની સફર એટલે,

‘સવાર થાય ને દુઃખને રાતના ધાબળામાં ઢબૂડી દામચિયે મૂકી આવે કહેવા સુંદર સવાર! એજ જીવનની વાસ્તવિકતા છે.’

આ હાળુ કેન્સર ચીંટકુ તો ખરું હોં. એક વાર જેનું શરીર ગમી ગયું એનાં શરીરમાં ફરી ફરી પેસારો કરવાનું ન છોડે.

એ તો ભલું થજો મારા ખૂબ ભરાવદાર  લાલ મ્હોં ને આંખનું કે એ જોઈને કોઈ કોઈને બીક લાગવા મંડી. બાપડા ખોટા ખોટા મારાથી બીવે એટલે થયું ડૉકટરને બતાવીએ. એટલે પહેલા હ્રદયનાં ડૉક્ટરને બતાવ્યું. ત્યાં ઈકો કાડીયોગ્રામ કાઢ્યો. એમાં એક જ વાતની ખબર પડી કે વાલની દિવાલ મારી જેમ જાડી થઈ રહી છે. હા, એમાં ડોકટરને કંઈક હ્રદયની નજીક લટકતું લાગ્યું. એટલે એ શું લટકે છે એ જોવા ડૉકટરે MRI અને ફુલ બોડી સીટી સ્કેન કરાવ્યું.
પણ મારા સદનસીબે દિવાળીની રજાઓ આડી આવી ને ટેસ્ટ કરવાનો કાર્યક્રમ લંબાયો. મને હાશ! થઈ. માંડ કુટુંબ સાથે પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, એમાં ફાચર પડત. કારણ કે એ પ્રવાસના ચાર દિવસ પહેલાં જ આ ચીટકુએ દેખા દીધી છે એનો અંદાજ આવ્યો હતો.

(હવે તમે જ કહો! આવો મસ્ત પ્રવાસ ગોઠવ્યો હોય ને એની ટાંયટાંય ફીસ થાય એ થોડું ચાલે? )

ફરીને આવ્યા પછી ટેસ્ટ  કરાવ્યા.

પહેલી વખતનાં કેન્સરની સારવાર સ્વરૂપે કૅમો લેવા મારા ગળાની નીચેના ભાગમાં પોટ મુકવામાં આવ્યો હતો. એની નીચે એક નળી હોય જે ધમનીની અંદર જોડેલી હોય, એટલે દવા એ નળી વાટે સીધી આડીઅવળી ડાફોળીયા માર્યા વગર લોહીમાં ભળે. એ નળી સાથેનો પોટ પાંચેક વર્ષ સુધી એમ જ શરીરમાં રાખી શકાય. જેથી ફરી વાર કૅમો આપવાની જરૂર પડે તો સરળતા રહે. 
રીપોર્ટ પ્રમાણે તો મારા શરીરમાં જે પોટ સાથે નળી ધમની સાથે જોડી હતી એ ધમનીમાંથી છુટ્ટી પડી ને લટકતી હતી. ખરેખર તો આવા સંજોગોમાં ધમનીમાંથી એ જગાએથી લોહી વહેવા માંડે ને શરીરમાં પ્રશરે…મેડિકલ ભાષામાં ઈંટરનલ બ્લિડીંગ કહેવાય. જો એવું વધારે વખત સુધી રહે તો માણસ મરી જાય.

પણ આ બંદા એમ કંઈ મરે નહિ હોં! કેટલાંય દિવસ પહેલાં નળી છુટ્ટી પડી ગઈ હોવા છતાં હું તો જલસા કરતી હતી.

પહેલાં તો પોટને શરીરમાંથી છુંટું કરવા નાનું ઓપરેશન કરવામાં આવ્યું.

અઠવાડિયામાં જ કુટુંબમાં 2 લગ્ન હતા. ડિસેમ્બરની ઠંડી ને એમાં માવઠું નડયું. મને શરદીને લીધે ઓપરેશનમાં લીધેલ ટાંકા સખણા ન રહ્યા. ભાણીના લગ્નના આગલા દિવસે જ એ તૂટ્યા.  બે વેઢા જેટલો ભાગ ખુલી ગયો..! પણ બંદા કંઈ એમ હાર ન માને! ખુલ્લા ભાગ ઉપર દવા લગાડી ડ્રેસિંગ કરીને તૈયાર થઈ  ગઈ. જો ઘરનાંને ખબર પડે તો અમદાવાદ ભેગા થવું પડે. ને રંગમાં ભંગ પડે…ખાલી ખોટા બધાની દોડધામ વધી જાય. વળી મારી પ્રસંગ માણવાની મજા બગડે ને! પ્રસંગ પત્યાં પછી ઘરનાંને જણાવ્યું એટલે મારતે ઘોડે (એટલે કે કારને ભગાડી અમદાવાદ હોં, ) અમદાવાદ.

બીજે દિવસે ફરી ટાંકાની પળોજણ. ઉપરાંત ટેસ્ટનાં રીપોર્ટ પ્રમાણે કુલ પાંચ ગાંઠ હતી. આ વખતે ઓપરેશન થઈ શકે એમ ન હતું. આખરે હૃદય અને ફેફસાનો સવાલ હતો! એટલે ઓરલ  દવા કામ કરી જાય તો કેન્સરને હાર આપી શકાય. બાકી ચાર થી છ મહિનાની વાત હતી…

એ ચાર છ મહિનાની મુદતને પણ દવા સાથે ઘોળીને પી ગઈ. પુરા 7 વરસ દવા ચાલી.

ત્યાં તો આ ફરી ડોકાયું ત્રીજીવાર! સાત વરસે… ભગવાનને પણ જાણે ખબર પડી ગઈ છે કે આ બુનનું શરીર અને મન ખમી શકે એમ છે એટલે ઘડી ઘડી મોકલી દયે છે! એટલું યે એ નથી સમજતો કે હું તો ઠીક પણ મારાં ઘરનાનો પણ વિચાર નથી કરતો…જો કે અમે બધાં સજ્જ થઈ ગયાં છીએ લડવા એની સાથે ને સામે…

જો કે સાચું કહું … મને ડાઉટ હતો જ છતાં મેં તો વિચાર્યું કે લડયાં વગર હથિયાર હેઠાં મૂકી દઉં… હવે જેટલું જીવું મજેથી જીવું…એ માટે ખરેખર સજ્જ જ છું…ખબર પડી તો યે વિચલિત નહોતી થઈ… પણ ઘરનાં કોઈ માન્યા નહિ. કેન્સર સામે લડવા માટે… બધાં સજ્જ હતા. ને ટ્રીટમેન્ટ શરૂ થઈ…હાય ડોઝના ઇંજેક્શન અને  ગોળી…જેની સાઈડ ઇફેક્ટ બહુ થાય છે ને એ રીતે મને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે કેન્સર…પણ એને ઘોળીને પી જવાનો ઉપાય છે મારી પાસે….આ ફેસબુક..વોટ્સએપ… નાં સાહિત્યના ગ્રુપમાં એક્ટિવ રહું…છું..આમ તો 4 5 ગ્રુપમાં જ એક્ટિવ છું…એ ય ને મોજથી લખો ને વાંચો…મિત્રોમાં આનંદ વહેંચો…

દીકરા અને વહુને બસ હું ખુશ રહું એજ મહત્વનું. મારા ભાઈ ભાભી.. બેન બનેવી ને એમના બાળકોને બોલાવી દહેરાદુન ગંગા કિનારે ફરવા લઈ ગયા. થોડા વખત પછી બદ્રીકેદારની જાત્રા પણ અમને જરાય મુશ્કેલી ન પડે એમ કરાવી.

ઘરમાં ૧૧ વરસની પૌત્રી ને ૨ વરસનો પૌત્ર. ૫ વરસનો દોહિત્ર.. લાગણીનાં એવાં તાણાવાણાથી ગૂંથાયેલા છીએ કે સમય ક્યાં સરી જાય છે ખબર નથી પડતી.
બચ્ચાઓ પણ જાણે સમજે છે બાને શારીરિક રીતે મસ્તી કરી હેરાન ન કરાય.. તોફાન બા સાથે કરાય પણ દૂર રહીને..

આંખમાં પણ ઝળઝળિયાં થયા કરે.. વાંચવા લઉં તો ઘડીમાં ડબલ દેખાય તો ઘડીમાં ઝાખું… તો યે હું તો ચાલુ રાખું લખવાનું… મારે લખવા સાથે કામ.. વાંચનારાને જે અર્થ કાઢવો હોય એ કાઢે. મને ગૂંથવા પણ જોઇએ.. ગૂંથતાં દોરી ડબલ દેખાય તો બન્ને સોયામાં લઈ લઉં હોં.. ક્યાંક જે જવા દઉં એ જ સાચી હોય તો!

અત્યારે કેન્સર બન્ને બ્રેસ્ટ ઉપરાંત લીવરમાં પણ ફેલાયું છે ને હેવી કૅમોની ટ્રીટમેન્ટ ચાલુ છે.. સાઈડ ઇફેક્ટ ખૂબ હેરાન કરવા આવે છે પણ આ બંદા એની સામે લડતી રહે છે.

જીવનને જો સરળતાથી જીવવું હોય તો હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. બધા એમ કહેશે કે કોઈ મોટી શારીરિક કે કૌટુંબિક તકલીફ આવે ત્યારે આ બધી વાતો સુફિયાણી લાગે. પણ નાં સાવ એવું નથી હોતું. 
આપણે આવેલ તકલીફ કરતા  એના વિચારોથી વધારે તકલીફ ઉભી કરીએ છીએ. ખરી રીતે બધી તકલીફોના મૂળમાં વિચારોનો અભિગમ ખુબ કામ કરી જાય છે. 
જો વિચારો હકારાત્મક હશે તો આવેલ તકલીફમાંથી નીકળવાનો રસ્તો સરળ બનશે. ને જો નકારાત્મક વિચારોનું ઘોડાપુર ચાલશે તો એમાંથી ડૂબતા તમને કોઈ નહિ બચાવી શકે.
આ અનુભવે કહું છું ખાલી સુફીયાણી વાતો નથી કરતી.
જો આપણે એમ વિચારીએ કે મારી સાથે જ કેમ આમ થાય છે? તો એમાંથી જલ્દી બહાર નહિ નીકળાય. પણ જો એમ વિચારીએ કે મારામાં સહનશક્તિ વધારે ઉપરવાળાએ આપી છે એટલે એની પરિક્ષા લેવા માગે છે તો દરેક મુસીબતોમાંથી કોઈ ને ખ્યાલ આવે એ પહેલા પાર ઉતરશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s