લઘુવાર્તાઓ

૧…

શીર્ષક : જુબાની

કોર્ટમાં પોતાની છેલ્લી જુબાની આપીને એ ખુરશીમાં ફસડાઈ પડી.

પોતાનાં એક માત્ર અંશને આમ આકરામાં આકરી સજાની અપીલ જજ સાહેબને કરીને.

આરોપીને ફાંસીની સજા જાહેર થઈ. પણ એનું મન તો અત્યારે ભુતકાળમાં સરી ગયું હતું.

પોતાનાં ઉછેરમાં ક્યાં કમી રહી ગઈ કે પોતાનો દીકરો જ આવો પાક્યોં?

હવે અત્યારે ચોકી પર જઈ ડ્યુટી બજાવવાનાં પણ હોંશ ન હતાં, એટલે સીધી ઘરે ગઈ.

આમે ઘરમાં હવે તે એકલી જ હતી. પતિ એક પ્રામાણિક પોલીસ અધિકારી હતા. આંતકવાદીને પકડવા જતા શહીદ થયા હતા. આ દીકરો પતિના ભાઈના કુકર્મનું પરિણામ હતું. એવા કપરા સંજોગોમાં એનાં લગ્ન થયાં. એ પછી એ પરિક્ષા આપી પોલીસ ખાતામાં જોડાઈ.

નજર સામે ઘડીક યુવાનીનાં ઉંમરે ઉભેલી પોતે દેખાય..ઘડીક બળાત્કાળનો ભોગ બનેલી નિદોઁષ બાલીકા જેવી વિરા દેખાય….એની કરમ કહાની સાંભળી એ વખતે જ એણે નક્કી કરી લીધુ હતું કે વિરાનાં ગુનેગારને સજા કરાવીને રહેશે. જે પોતાની સાથે થયુ. પણ એ વખતના સંજોગોએ લાચારીથી ચુપ રહેવું પડેલું એનો રંજ જીવન ભર રહ્યો. આજે વિરાને એવી જ હાલતમાં જોઈ રહ્દય રડી ઉઠ્યું.

પોતે એક પોલીસ અધિકારીનાં રુએ પોતાનાં પદનો સાચો ઉપયોગ કરવા માંગતી હતી. વિરાને સહાનુભૂતિ આપી એની પાસેથી બધી વિગત લઈ પોતાની ટીમને કામે લગાડી દીધી.

તપાસના અંતે આરોપી પકડાયો ત્યારે એનું તો જાણે કે રહ્દય સુન થઈ ગયું.

એક પ્રામાણિક ને કડક શ્વભાવનાં અધિકારી તરીકેની એની છાપ. એનો પડ્યો બોલ હાથ નીચેના કર્મચારીએ ઝીલવો જ પડે. એ કારણે જ ખબર હોવા છતાં કે આતો મેડમનો દીકરો છે, તો યે પકડીને લાવવો પડ્યો.

કેસ ચાલ્યો. આરોપી વતી એના મિત્રનાં પપ્પા કેસ લડવા તૈયાર થયા. ફક્ત એ માટે જ કે તેઓ જાણતાં હતાં આ એની માનું એક નું એક સંતાન છે.

આખરે આરોપીની વિરુદ્ધ સજ્જડ પુરાવા સાબિત કરવામાં એ સફળ થઈ.

ને દીકરા ને ખોવામાં પણ!

લતા સોની કાનુગા

—————————
૨…

શીર્ષક : વૈશાખી બપોર

‘આ એરકન્ડિશન રૂમમાં બેસીને ઉનાળાના તાપ વિશે લખવા તો બેઠી પણ કંઈ જામતું નથી. લેખ તો મોકલવાનો જ છે. ઈનામનો સવાલ છે યાર.’

મન સાથે બબડાટ કરતી ઉભી થઈ રૂમમાં જ આંટા મારવાં લાગી આન્યા.

અચાનક એનાં સાસુને “હમણાં આવું છું” કહીં બહાર જવા નીકળી. સાસુ કંઇક કહીં રોકવા મથી રહ્યા પણ સાંભળે એ બીજા.

બહાર તડકો કહે મારું કામ! ધોમ ધખતો તાપ! બે ઘડી તો આન્યા મૂંઝાઈ. પરસેવો રેલાવા મંડ્યો કપાળથી ઉતરી ને શરીર પર.
પણ મન મક્કમ કરીને કંઈ ધ્યેય વગર બસ ગરમી ને તાપનો અનુભવ કરવાં ચાલતી રહીં.

ત્યાં એની નજર ફુથપાથ પર પાથરણું પાથરી ને મહિલાઓની વસ્તુઓ વેંચતી સ્ત્રી ઉપર ગઈ. વૈશાખના ધોમ તડકામાં ભર બપોરે કોઈ ઘરાક તો ક્યાંથી આવે? તોયે કેમ બેસતી હશે એ વિચારે આન્યા એને જોતી રહીં. ત્યાં મ્યુનિસિપાલટીની ગાડી આવી ને ડંડાવાળી કરી. પેલી બિચારી કરગરવા લાગી તો એનો માલ ગાડીમાં નાખવા લાગ્યા.

આન્યાથી ન રહેવાયું. એ ત્યાં પહોંચી ને વચ્ચે પડી ને પોતાની વગનું જોર લગાવી મ્યુનિસિપાલટીવાળાને ભગાડ્યા, ને એ વેંચનારી સ્ત્રી પાસેથી ન જોઈતી વસ્તુઓ પણ લીધી.

ઘરે આવીને જ્યાં બધી વસ્તુઓ રૂમમાં મૂકી, પહેલાં તો સાસુજી તાંડુક્યા. પણ પછી આન્યા પાસેથી બધી હકીકત જાણી વહુના માથે હાથ મૂકી બોલ્યાં,

“આજે લાગ્યું મારી વહુ એકલી ભણેલી જ નથી પણ ગણેલી પણ છે.”

આન્યાને પણ આજ પહેલીવાર પોતાની જાત પર સંતોષ થયો.

‘ચાલ જીવડાં હવે તો ઉનાળા પર લેખ લખી જ નાખું.’

ને લેપટોપ લઈ ને બેસી ગઈ. પણ એની નજર સામે તો એ ફુટપાથ પાથરણાં પર ભર ગરમીમાં પણ પોતાનું પેટીયુ રળવા વલખા મારતી સ્ત્રી જ દેખાયા કરતી હતી. એણે બીજા વિચારોને પડતા મુકી એ મજબૂર સ્ત્રીની સ્થિતિનો ચિતાર આબેહુબ શબ્દમાં ઉતાર્યો.

હવે જ આન્યાને આત્મસંતોષ થયો પોતાના લેખ માટે.

લતા સોની કાનુગા

(આ જ વાર્તા શબ્દો વધારીને મોટી કરી વેલવિશર ગ્રુપના ટાસ્ક માટે)

…………….

શીર્ષક : વૈશાખી બપોર
શબ્દો : ૫૧૯

‘આ એરકન્ડિશન રૂમમાં બેસીને ઉનાળાના તાપ વિશે લખવા તો બેઠી પણ કંઈ જામતું નથી. લેખ તો મોકલવાનો જ છે. ઈનામનો સવાલ છે યાર.’

મન સાથે બબડાટ કરતી ઉભી થઈ રૂમમાં જ આંટા મારવાં લાગી આન્યા.

અચાનક એનાં સાસુને “હમણાં આવું છું” કહીં બહાર જવા નીકળી. સાસુ કંઇક કહીં રોકવા મથી રહ્યા પણ સાંભળે એ બીજા. સાસુજી ને આટલાં ધોમ ધખતાં તાપમાં આન્યા આમ જ નીકળી ગઈ એટલે જીવ પણ બળતો હતો ને વહુની વર્તણુક છોકરમત જેવી લાગી એટલે રોકવા જતાં હતાં.

‘આ આજકાલનું જનરેશન! સાંભળે તો ને.’ મનમાં જ બબડતાં ડ્રોઈંગ રૂમનાં સોફા પર જઇને બેઠાં.

બહાર તડકો કહે મારું કામ! ધોમ ધખતો તાપ! બે ઘડી તો આન્યા મૂંઝાઈ. પરસેવો રેલાવા મંડ્યો કપાળથી ઉતરીને શરીર પર.
પણ મન મક્કમ કરીને કંઈ ધ્યેય વગર બસ ગરમી ને તાપનો અનુભવ કરવાં ચાલતી રહીં.

ત્યાં એની નજર ફુથપાથ પર પાથરણું પાથરીને મહિલાઓની વસ્તુઓ વેંચતી સ્ત્રી ઉપર ગઈ. વૈશાખના ધોમ તડકામાં ભર બપોરે કોઈ ઘરાક તો ક્યાંથી આવે? તોયે કેમ બેસતી હશે એ વિચારે આન્યા એને જોતી રહીં. ત્યાં મ્યુનિસિપાલટીની ગાડી આવી ને ડંડાવાળી કરી. પેલી બિચારી કરગરવા લાગી તો એનો માલ ગાડીમાં નાખવા લાગ્યા.
આન્યાથી ન રહેવાયું. એ ત્યાં પહોંચી ને વચ્ચે પડી ને પોતાની વગનું જોર લગાડી મ્યુનિસિપાલટીવાળાને ભગાડ્યા,
પછી એ સ્ત્રી સાથે આડીઅવળી વાતો કરી એની સ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કરવાં લાગી. ને બોલી,

“અલી આટલાં તાપમાં અહીં બેઠી રહે છે એનાં કરતાં બપોરે ઘરે જતી હો તો?”

પાથરણાવાળી બોલી,

“બહેન, અમારે તો બધુંય અહીંયા જ. ઘર હતું એ વિજયના બાપે ફૂંકી માર્યું.”

પાથરણાવાળીને શુદ્ધ ગુજરાતીમાં વાત કરતી સાંભળીને આશ્ચય થયું..ને ઉત્સુકતા પણ વધી એની સાથે વાત કરવાની. પોતે તડકામાં હેરાન થાય છે એ પણ આન્યા ભૂલી ગઈ ને વાતે વળગી,

“ફૂંકી માર્યું એટલે? મને વિગતે કહે.”

“બહેન, મારાં કરમ ફૂટલા કે મેં માબાપની વિરુદ્ધ જઇને મગન સાથે ભાગીને લગ્ન કર્યા. હું સારા ઘરની છું પણ પ્રેમે આંધળી કરી. શરૂમાં તો બધું ઠીક ચાલ્યું પણ મગન દારૂ ને જુગારની લતે ચડ્યો ને બધું ફનાફાતિયા કરી નાખ્યું ને અત્યારે જેલમાં સડે છે. એક દીકરો છે એ મ્યુનિસિપલ સ્કૂલમાં ચોથામાં ભણે છે. એને ખાતર જીવું છું.”

આંખમાં ઝળઝળિયાં સાથે એ બોલી.

“તારું નામ? તું ક્યાં રહે છે?” આન્યા એ પૂછ્યું.

“વિજયા, દુકાનવાળો ભલો છે જે મને ઉધારમાં આ બધો માલ વેંચવા પણ આપે છે ને એનાં ઓટલે રાતે મા દીકરો પડ્યાં રહીએ.”

વિજયા સાથેની વાતો પરથી એની દયનિય સ્થિતિનો આન્યાને ખ્યાલ આવ્યો. એનું મન ગડમથલમાં હતું. કંઇક નિશ્ચય સાથે એ વેંચનારી સ્ત્રી પાસેથી ન જોઈતી વસ્તુઓ પણ લીધી.

ઘરે આવીને જ્યાં બધી વસ્તુઓ રૂમમાં મૂકી, પહેલાં તો સાસુજી તાંડુક્યા. પણ પછી આન્યા પાસેથી બધી હકીકત જાણી વહુનાં માથે હાથ મૂકી બોલ્યા,

“આજે લાગ્યું મારી વહુ એકલી ભણેલી જ નથી પણ ગણેલી પણ છે.”

આન્યાને પણ આજ પહેલીવાર પોતાની જાત પર સંતોષ થયો.

‘ચાલ જીવડાં હવે તો ઉનાળા પર લેખ લખી જ નાખું.’

ને લેપટોપ લઈ ને બેસી ગઈ. પણ એની નજર સામે તો એ ફુટપાથ પાથરણાં પર ભર ગરમીમાં પણ પોતાનું પેટીયુ રળવા વલખા મારતી સ્ત્રી જ દેખાયા કરતી હતી. એણે બીજા વિચારોને પડતાં મુકી એ મજબૂર સ્ત્રીની સ્થિતિનો ચિતાર આબેહુબ શબ્દમાં ઉતાર્યો.

હવે જ આન્યાને આત્મસંતોષ થયો પોતાના લેખ માટે. ને એ સ્ત્રીને કંઇક મદદરૂપ થવાનો પ્લાન તૈયાર કર્યો, ખાતરી સાથે કે એનાં ઘરનાં એ વાતમાં જરૂર એનો સાથ આપશે.

લતા સોની કાનુગા
…………….
3
શીર્ષક : અચાનક

વરસ્યો મેહ
મન થનગને જો
મોરલો જાણે.

અચાનક મેઘરાજાની સવારી આવી.
વરસાદની ૠતુ શરૂ થવાને હજુ પંદર દિવસની વાર હતી. ને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. મારું મન હાથ ન રહ્યું. આમે ઘરમાં એકલી જ હતી. આંગણામાં આવી વરસાદની મજા લેવામાં મશગુલ થઈ ગઈ.

ને અચાનક પગ લપસ્યો.

ભાનમાં આવી ત્યારે ખબર ન પડી કે હું ક્યાં છું.

આંખ ખોલીને જોવા ગઈ પણ કંઈ જ દેખાતું ન હતું. સ્પર્શથી ખબર પડી કે મમ્મી મારો હાથ પકડીને બેઠી છે.

“મમ્મી હું ક્યાં છું? મને કેમ કંઈ દેખાતું નથી?”
કહી રોવા માંડી.

“લિરા બેટા, શાંત થા. આપણે હોસ્પિટલમાં છીએ. બધું સારું થઈ જશે.”

મમ્મીએ આશ્વાસન આપ્યું. પણ મન વિચારોનાં ચકડોળે ચડ્યું.

‘હું કાયમ માટે અંધ થઈ ગઈ કે શું? હવે હું કેવી રીતે જીવીશ? જાણે ઉપહાસ ભર્યા શબ્દો કાને અથડાવા લાગ્યા, ‘બહુ ચગી, તી ને…થઈ આંધળી.’
કાને જોરથી હાથ ડાબી દીધા, ને મોં માંથી ચીસ નીકળી ગઈ,
‘ના ના આમ હું. અપાહીજ થઈ ને નહિ જીવું. બ્રેઈન લિપિ શીખીને હિંમતથી આગળ વધીશ.’

મમ્મી મારી લવારી સાંભળીને ઘભરાઈ ગઈ. ડૉક્ટરને તરત બોલાવ્યા. ડૉક્ટરે તપાસીને આશ્વાસન આપતા કહ્યું,

“કંઈ નથી થયું. એ તો અચાનક માથામાં વાગ્યું એટલે આંખમાં સેજ અસર થઈ છે. એકાદ દિવસમાં જ નોર્મલ થઈ જશે ને તું જોતી થઈ જઈશ.”

એ દિવસે મમ્મી મારી પાસે જ રહી ને જાત જાતની વાતો કરાવતી મારું મન બીજે વાળવાના પ્રયાસ કરતી રહી.

મોડી રાત સુધી હું ને મમ્મી વાતો કરતાં રહ્યાં. મને માથામાં વાગ્યું હતું એનાં દુઃખાવાને લીધે ઊંઘ પણ નહોતી આવતી. મને તો વાગ્યું હતું ને હું કણસતી હતી. પણ એ તો મારા દુખે દુઃખી હતી. એમ નેમ મારો હાથ પકડી મને સતત હૂંફ આપતી બેઠી રહી હતી. મોડી રાત્રે મને ઊંઘ આવી.

સવારના સુંદર કિરણો બારીમાંથી ડોકાઈ ને જાણે મને ઉઠાડવા પ્રયત્ન કરતા હોય એવો અહેસાસ થયો ને હું ઝબકી ને જાગી ને જોયું તો..

લતા સોની કાનુગા
……………

તોફાની તાંડવ દૈનિકના સૌજન્યથી
શીર્ષક : દીકરી બે ઘરનો દીવો

જ્યાં રીમા ઘરમાં પ્રવેશી, જોયું તો પપ્પાને બારીએ બેસેલા જોયા. કંઇક પોતાનામાં ખોવાયેલા. સીધી જ તે પપ્પા પાસે જઇને બેઠી.

“ઓહો પપ્પા હું આવી તો યે તમને ખબર જ ન પડી. ક્યાં ખોવાઈ ગયા?”

શુયશભાઈ, રીમાના પપ્પા મંદ અવાજે બોલ્યા,
“ક્યાંય નહિ ”
ને બારી પાસેથી ઉઠીને બેસીનમાં હાથ ધોતા ધોતા બોલ્યા,
“રીમા ભુખ લાગી હશે ચાલ જમી લઇએ.”
આ એ બંનેનો રોજનો ક્રમ હતો. રીમા જોબ પરથી આવે એટલે બંને સાથે જમવા બેસે.

સવારની રસોઈ રીના બનાવે. સાંજે એને આવતા મોડું થાય એટલે શુયશભાઈ બનાવે. તેઓ પણ સારા રસોઇયા. એટલે એમને કંટાળો ન આવે.

પણ હમણાંનું રીમાને ધ્યાનમાં આવ્યું કે પપ્પા ખોવાએલા જેવા રહે છે. આજે તો તેણે નિશ્ચય કયોઁ કે પપ્પાના મનની વાત જાણી ને જ રહેશે.

જમતા જમતા બોલી,
“પપ્પા હું જોબ કરું છું એ તમને નથી ગમતું?”
“ના બેટા, એવું કેમ તને લાગ્યું?”
“તો શું! હમણાંના તમે ખોવાયેલા રહો છો”.
“અરે બેટા એ તો એમ જ. તારા લગ્ન વિશે વિચારુ છું. તું તો ફરર કરતી ઉડી જઇશ ને તારો નવો માળો ગુંથવામાં મશગુલ થઈ જઇશ.”

રીમા ‘હમમ’ એટલું જ બોલી.
એની સગાઈ થઈ ગઈ હતી. ને જ્યારથી સગાઈ થઈ હતી ત્યારથી જ શુયશભાઈ ખોવાયેલા રહેતા હતા. પોતે એકલા પડી જશે એનુ દુઃખ અંદરથી કોરી ખાતુ હતુ.

રીમાને આમ તો એ વાત નો અહેસાસ હતો જ. એટલે જ સગાઈ થઈ કે તરત એના ભાવી પતિ રશ્મિન સાથે મસલત કરી રોજ પપ્પા ને સમજાવવાનો પ્રયત્ન કરતી. લગ્ન પછી એના પપ્પા એની સાથે રહેવા આવે. પણ એ વાતથી શુયશભાઈ સહમત ન હતા.

છેવટે રીમાને વિચાર આવ્યો પપ્પાના બીજા લગ્નનો. એણે રશ્મિનને વાત કરી. એણે એ વાત ખુબ ગમી. એ રીતે શુયશભાઈને પાછલી ઉંમરે કંપની મળી રહે.

પણ પપ્પા ને કેમ કહેવુ એ મુંજવણમાં હતી. એ વિચારોમાં જ એને ઉંઘ ન આવી. કંટાળી ને એ ઘરનું લેપટોપ લઈને બેઠી. આમતેમ ટાઇમપાસ કરતી હતી ને પપ્પાનું એકાઉન્ટ સહજ ભાવે ખોલ્યું. પપ્પા ને લેપટોપ કે મોબાઈલમાં નવી અપડેટ એ જ શિખવતી. આમે બાપ દીકરી વચ્ચે સહજ સબંધ હતાં.

ને રીમાને મળી ગયો ઉપાય.

સવારે ઉઠીને ઘરનું કામ જડપથી પતાવી પપ્પા સાથે ખુલ્લા દિલથી ચચાઁ કરી. શુયશભાઈના ગળે વાત ઉતરી પણ કુટુંબ ને સમાજ શું કહેશે એની ચિંતામાં ખોખારીને હા ન પાડી શક્યા. રીમાએ કહ્યું, “એ બધું મારા પર છોડો.”

સાંજે રશ્મિન ને એના પરિવાર ને મળી. આમે રીમાને વિશ્વાસ હતો એમ જ થયું. એ લોકો પણ નવી વિચારસરણી ધરાવતા હતાં.

ઘરે આવી પપ્પા સાથે જમતા જમતા બધી વાત કરી સિમાજી…. કે જેઓ શુયશભાઈના કોલેજ કાળના મિત્ર હતાં. પણ કોલેજ જીવન પુરુ થતાં બધા પોતપોતાની રીતે શેટ થઈ ગયા. જે વર્ષો પછી ફેસબુકને કારણે ભેગા થયા. અને એકમેકની મિત્રતા વધારી હતી. સમદુઃખીયા ખરા ને! પણ મર્યાદામાં રહીને. સિમાજી નિઃસંતાન પણ ખરા એટલે વધારે એકલતા સ્વાભાવિક રીતે જ અનુભવતા હોય.

પપ્પા પાસેથી ફોન નંબર ને એડ્રેસ લઈ પોતે જ એકલી સિમાજીના ઘરે ગઈ.

બેલ વાગ્યો ને સિમાજીએ દરવાજો ખોલી જોયું. રીમાને ખોળખી ગયાં. ફેસબુકમાં ફોટા જોયા હોવાને કારણે એટલે તરત પણ સંકોચ સહ આવકાર આપ્યો.

રિમાની બોલવાની છટા અને માયાળુ સ્વભાવે પ્રથમ મુલાકાતમાં જ એણે સિમાજીનું દિલ જીતી લીધું.

આખરે દીકરીએ પિતાના લગ્ન કરાવ્યા. ને મા વિહોણી દીકરીને મા મળી.

….. લતા સોની કાનુગા…
………………………
૫…

શીર્ષક : ગાગરમાં સાગર

“આ ગાગર ભરી ને શું લાવી પિયરથી?
હવે તારે પિયરમાં દૂધાળા તો રહ્યા નથી.”

આનંદીએ કંઈ બોલ્યા વગર ધીરેથી ગાગરનું મોં ખોલ્યુ ને અંદર ચિલ્લરનો નજારો જોઈ હસમુખની તો આંખો ચાર થઈ ગઈ.

“તમને થતુ તું ને મારા પિયરિયા વાર તહેવારે એક કવર આપીને કામ પતાવે છે. તો લો તમારા જન્મદિનની ભેટ આપી!

લતા સોની કાનુગા ….8.11.16
——————–
૬…
શીર્ષક : છુટકારો…..હીનતાની પરાકાષ્ઠા

“પ્લીઝ આજે રહેવા દો ને. ખુબ દુઃખે છે.”
“કંઈ નહિ થાય. આવ પાસે.”

‘કાશ મેં રૂચીની વાત માની હોત, તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત.’

રોહિત મનમાં જ બોલ્યો. પથારીમાં પડ્યા પડ્યા રોહિત વિચારે ચડ્યો. પણ આ કાશ ને સમજવામાં ખુબ મોડો પડ્યો.

રૂચિની શું ઈચ્છા છે? એના ગમા અણગમાનો કોઈ દિવસ વિચાર જ ન કર્યો.

આમ તો બંનેનું દેખીતી રીતે જીવન સારું ચાલતું હતું. લોકોની નજરે તો સુખી યુગલ ગણાતું. રૂચી સરલ સીધી સ્ત્રી હતી. મળતાવડી પણ ખરી. બધાં સાથે સહજ રીતે ભળી જાય. પરણીને સાસરે આવી તે દિવસથી જ જાણે પોતાનું જ ઘર હોય એમ બધાં સાથે ભળી ગઈ. કામમાં પણ પાવરધી.

પણ પતિ પત્નીનું અંગત જીવન ડામાડોળ. રોહિત કામાતુર વ્યક્તિ હતો. એને ઈચ્છા થાય ત્યારે રૂચી તૈયાર જોઇએ. ના પાડે એ ન ચાલે.

એમાં ને એમાં રૂચી અંદરથી ખલાસ થતી ગઈ.

ઘરમાં બધુ કામ કરે તો પણ યંત્રવત. એનાં સાસુ સમજુ હતાં. સાસુ વહુ ને બનતું પણ સારું.

એક દિવસ અચાનક રૂચીની તબ્યત બગડી. એકદમ ગભરામણ થવા લાગી. પરસેવો વળવા લાગ્યો. નસીબજોગે રોહિત ઘરમાં ન હતો. પણ રૂચીની સાસુ ઘરમાં હતાં. તાત્કાલિક 108 ને બોલાવી હોસ્પિટલમાં લઈ ગયાં. ડોકટરે નિદાન કર્યુ હાટઁ એટેક છે. તાત્કાલિક સારવાર થઈ રૂચીની એટલે બી. પી. ને હૃદય કંટ્રોલમાં આવ્યાં. પણ તુરંત બાયપાસ કરવી પડશે એવું નિદાન થયું.

રૂચિ હજુ ચાલીસીએ જ પહોંચી હતી. ઘરના બધા ચિંતાતુર હતાં. બીજે દિવસે બાયપાસ કરાવવાનો નિર્ણય લેવાયો. રાત્રે રૂચિ પાસે હું જ રહીશ એમ કહી રોહિતે બધાને ઘરે મોકલી દિધા.

અડધી રાત થઈ ને રોહિતની વાસના જાગી. બસ પછી એ છોડે એમ ક્યાં હતો?

ને ન થવાનું થઈ ગયુ.

રુચિ તો છુટી… હેવાનના જીવનથી કાયમ માટે છુટકારો મળી ગયો.

લતા સોની કાનુગા
——————–
૭…

શીર્ષક : છુપી લાગણી

“સારા આમ વાતે વાતે તને શું વાંધો પડે છે મારી સાથે?”

“કંઈ નહીં” કહીને સારા પોતાના હાથની મુઠ્ઠીને સખત રીતે ભીડી રહીં.

સારાંશને અહેસાસ થયો કે સારા એનાથી કંઇક છુપાવી રહી છે પણ એ પોતાની વાતમાં જ મશગુલ હતો.

“ઓકે, ન કહેતી” કહીં ને પાછી વાત આગળ વધારી,

“તને ખબર છે આજે રીમા મળી હતી. એ મને નાના ભાઈની જેમ અનહદ ચાહે છે. ને સાચુ કહું તો મને પણ એની સાથે હોઉં તો જાણે ખુબ શાતા મળે છે.”

સારા મોઢુ ચડાવીને જ બેઠી રહી એથી સારાંશથી ન રહેવાયું ને ફરી સારાનો હાથ ખેંચી એના હાથમાં શું છે એ જોવાનો પ્રયત્ન કર્યો. ને સારા વિફરી ને જોરથી હાથની વસ્તુનો ઘા કરી સારાંશને ધક્કો મારતી ઉઠી ને દોડતી જતી રહી.

દૂર ફેકાંયેલ વસ્તુ સારાંશ જોતો જ રહ્યો.

લતા સોની કાનુગા
——————–
૮…

શીર્ષક : મોટું પર્સ

“અલી મીના અત્યારમાં ક્યાં ઉપડી?”

“જો ને હજુ રજાઓ બાકી છે તો ઉત્તરભારત ફરવાનું નક્કી કર્યુ ને મોદી સ્ટ્રોક આવ્યો. તમારાં ભાઈના પગારમાંથી થોડાં થોડાં કરીને બચાવ્યા હતાં. બધી નાની નોટો હતી તે બેંકમાંથી મોટી એક્સચેન્જ કરાવી લઇશું એવું વિચાર્યુ હતું ને બેંક જ બંધ. હવે પર્સ મોટું લેવું પડશે એટલે ખરીદવા.”

લતા સોની કાનુગા
8.11.16
—————-

૯…

શીર્ષક : સામેની બારી (તોફાની તાંડવ દૈનિકનાં સૌજન્યથી)

‘ઓહ..આ તો મારી સામેની બારીએ જેને જોવા હું રોજ તડપુ છું એ જ…’

કોમલ મનમાં બબડી ને, બુમ પાડવા ગઈ પણ નામ પણ નથી ખબર એવાં કામણગારા..પડછંદ વ્યક્તિત્વનાં સ્વામી એવાં એ અજાણી છતાં આંખોથી જાણીતી ને મનથી દિલ આપી ચુકેલી વ્યક્તિને બુમ ન પાડી શકી.

પણ કુદરતને કરવું ને એ વ્યક્તિનાં ખિસ્સામાંથી રૂમાલ કાઢવા જતાં કોઈ કાગળ પડ્યો ને કોમલે એ લઈ લીધો. એ દેવાને બહાને એને ત્યાં જવાશે એમ વિચારી.

ઘરે આવીને જોયું તો કોમલને જોઈતો જ ખજાનો મળી ગયો.

તરત ચિઠ્ઠી લખવા બેસી ગઈ.

સંવેદન,

નામ તો ખબર નથી પણ મારી સંવેદનાઓ જગાડનાર તુ, ખરું કહું તો હું પણ મેં જ્યારથી તને જોયો છે ત્યારથી તને મનોમન ચાહું છું. પણ સ્ત્રી સહજ લજ્જાને કારણે ભાવ વ્યક્ત કરી નહતી શકતી.

તારી ચિઠ્ઠી દ્વારા અહેસાસ થયો કે તુ મને કેટલું બધું ચાહે છે …પણ તુ મને તારા દિલની લાગણીઓના ઘોડાપુરમાં ક્યારેય ડુબાડી શકત કે એ તો નથી ખબર. પણ અહીં મારી હાલત પણ એ જ છે તને જ્યારથી મારા બેડરૂમની બારીની સામેની બાલ્કનીમાં ઉભેલો જોઉં છું, તારા પૌરુષી વ્યક્તિત્વ પર ઓળઘોળ છું. તારી કંઇક કહેવા આતુર આંખો… દુરથી પણ એ અનુભવું છું. ખબર છે મને તુ મને જ તારી લાગણીઓના ભાવો કહેવા આતુર છે. પણ હવે આશા બંધાઈ છે કે આપણે મળી શકીશું.

સંવેદના.

કોમલ પત્ર લઈ બીજે દિવસે એનાં ઘરે એ ન હોય ત્યારે નાખવાં ગઈ પણ આ શું એ ઘરની પાસે જ આટલા બધાં ગંભીર ચહેરાઓથી ભરેલા લોકોની ભીડ કેમ?

કોમલનું કોમળ હૃદય કંઇક આશંકાથી ધડકવા લાગ્યું. થોડી વાર તો એક બાજુ ઉભી રહી ગઈ. ‘શું કરું? કોને પૂછું?’ની અવઢવમાં. પછી મન મજબૂત કરી દરવાજા આગળ જ ઉભેલા એક ભાઈને પૂછ્યું,

“શું થયું? આટલા બધાં લોકો કેમ અહીં ભેગા થયાં છે?”

“વિરલભાઈને એક્સિડન્ટ થયો છે. મા દીકરો એકલાં રહે છે. માને ખબર પડી તો આઘાતથી સુન થઈ ગયાં છે. હવે એમને હોસ્પિટલ કેવી રીતે લઈ જવા એ જ સમજાતું નથી કોઈને.”

“ઓહ!”

સાંભળીને સખત આઘાતથી પ્રથમ તો કોમલ એટલું જ બોલી શકી. કેવી કેવી કલ્પનાઓ સાથે અહીં આવી હતી. એ તો એમ જ સમજતી હતી કે સંવેદન ઊર્ફે વિરલ એકલો રહે છે. ક્યારે ય કોઈ બીજાને એ સામેની બારીએ જોયાં ન હતાં.

પણ પોતાની જાતને મક્કમ કરી તે ઘરમાં ગઈ. બે ત્રણ મહિલાઓ એક સ્ત્રીની આસપાસ ઉભી હતી ને એમને આશ્વાસન આપી રહી હતી. કોમલ ધીરેથી એમની પાસે આવી ને એમનો હાથ પકડી, સ્પર્શથી હૂંફ આપવાનો પ્રયત્ન કરતી રહી. અંદર અંદરની ગુસપુસ વાતો પરથી અને એ બહેનનાં વર્તન પરથી ખ્યાલ આવ્યો કે એમને દેખાતું નથી. એ વધારે ઢીલી પડી ગઈ પણ તરત એક નિર્ધાર સાથે એમને સહારો આપતાં ઊભાં કર્યા ને એમને લઇને બીજા પાડોશીઓ સાથે હોસ્પિટલમાં ગઈ. રસ્તામાં વાતચીત પરથી વિરલના મમ્મીનું નામ કનકબહેન છે. કુટુંબમાં મા દીકરો બે જ જણ છે. ને દીકરો જોબ કરે છે એવું બધું થોડું જાણવા મળ્યું.

હોસ્પિટલમાં પહોંચ્યાં ને ખબર પડી કે વિરલ હવે આ દુનિયમાં નથી રહ્યો. એ આઘાતની મારી બેભાન થઈ ગઈ. બધાં ને એનાં આવાં વર્તનથી નવાઈ લાગી. કેમ કે બધાને ખ્યાલ હતો કે એ તો વિરલ કે કનકબહેનની કોઈ સગી થતી ન હતી તો આટલો બધો વધારે આઘાત લાગવાનું કારણ શું? તરત ડોક્ટરે આવી તપાસતા કહ્યુ,

“ચિંતા કરવા જેવું નથી. અચાનક આઘાતજનક સમાચાર સાંભળી કોઈ વાર આવું થાય. હમણાં ભાનમાં આવી જશે.”

આ બાજુ કનકબહેન પણ ખૂબ આઘાત પામ્યાં, પણ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વગર છૂટકો ન હતો. પાડોશીઓએ મળી હોસ્પિટલની ઔપચારિક વિધિ પતાવી એટલામાં કોમલ પણ ભાનમાં આવી. ભાનમાં આવ્યાં પછી બધું વાતાવરણ જોઈ પોતાની જાત માટે ક્ષોભ અનુભવવા લાગી.

વિરલની લાશને હોસ્પિટલમાંથી જ સ્મશાને લઈ જવી એવું સહુએ મળીને નક્કી કર્યું. કનકબહેને પણ સંમતિ આપી. કારણ ઘરે બીજું તો કોઈ સગામાં આવનાર ન હતું ને ઘરે અંધ કનકબહેન પોતે પણ એકલાં શું કરી શકે?

આ બધી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કોમલનું મન મનોમંથન કરતું હતું. એ દરમ્યાન એ સતત કનકબહેન સાથે જ રહી. બધી ક્રિયા કરી ઘરે આવતાં સુધીમાં એણે એક નિર્ધાર કરી લીધો હતો. તે પોતે પણ એકલી જ હતી. બધાં વિરલના ઘરે પહોંચ્યા કે તરત કોમલે પોતાનો પરિચય ટૂંકમાં બધાને આપ્યો અને કહ્યું કે,

“તમે બધાં ચિંતા ન કરશો. હું કનકબા સાથે રહીશ. જો એમનું મન માનશે તો હું એમને મારાં ઘરે, મારી સાથે રહેવાં લઈ જઇશ.”

બધાં આશ્વાસન આપતાં વિખેરાયાં.

ધીરે ધીરે કોમલ, કનકબહેન સાથે ભળી ગઈ. એમનું બધું જ ધ્યાન રાખતી. પોતાનો બુટિકનો બિઝનેસ હતો એ પણ સંભાળતી. બુટિક પર કારીગર અને બીજી એક હેલ્પર છોકરી પણ હતાં એથી એને બિઝનેસમાં તકલીફ પડે એમ ન હતી. કનકબહેન પણ કોમલની લાગણીભરી ભાવનાથી પ્રેરાઈ દીકરી સમાન ગણવા લાગ્યાં. ને આખરે તેઓ કોમલને ત્યાં એની સાથે રહેવાં સંમત થયાં. એમને કોમલની સમર્પિત ભાવના ખૂબ સ્પર્શી ગઈ થઈ. તેઓ ધીરે ધીરે પોતાનું દુઃખ ભૂલી કોમલના સુખ વિશે વિચારતા થયાં હતાં. ઘણી વાર કોમલને લગ્ન કરી પોતાનો સંસાર વસાવવા સમજાવતાં પણ કોમલ એકની બે ન થતી. તે મનથી વિરલને વરી ચુકી હતી અને વિરલના બાને પોતાનાં બા ગણી ને જ જીવતી.

એકવાર કનકબહેને એને પાસે બેસાડી લગ્ન માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો ને કહ્યું,

“આમ મુજ આંધળી પાછળ તારું જીવન બરબાદ ન કર.” તેઓ કંઈ આગળ બોલે એ પહેલાં કોમલે એમનાં મોં પર હાથ રાખી કહી દીધું,

“મીરાં ક્યાં કદી કૃષ્ણને મળી હતી?
છતાં એ કૃષ્ણમાં કેવી ભળી હતી? બસ એમ જ હું વિરલમય બની ગઈ છું. તમે પણ મારાં જીવનમાં વિરલ જેટલું જ સ્થાન ધરાવો છો. કેમ કે વિરલ તમારી કુખે જન્મેલો એટલે તમે પણ મારાં જ છો. એટલે કનકબા આજ પછી આ વિશે આપણે ચર્ચા નહિ કરીયે. હું અનાથ! મને તો મા મળી છે તમારાં રૂપમાં.”

કહીં એ કનકબાને વળગી પડી.

….લતા સોની કાનુગા

——————————

૧૦…

અનાથનો નાથ …વાર્તા….વેલવિશર ગ્રુપનો ટાસ્ક..ચિત્ર પરથી વાર્તા
____________

“પપ્પા, એને મમ્મી કે પપ્પા નહિ હોય?”

સવાર સવારમાં વાહીનને સ્કૂલે મૂકવાં જતાં રોજ એની ઉંમરનાં જ, હાથમાં રંગના અલગ અલગ ડબ્બા ને પીંછી લઈ જતાં છોકરાને કુતૂહલથી જોતાં અને એની સાથે જાણે વાત કરવાની ઉત્સુકતા સહ સ્કૂલે જવાનું મોડું થવાની ઉતાવળમાં ન બોલી શકતો એ મેં ઘણીવાર અનુભવ્યું હતું.

આજના એનાં પ્રશ્નએ મને પણ અંદરથી હલાવી નાખ્યો.

“ખબર નહિ બેટા, હોય પણ ખરાં. કોઈ મજબૂરીએ એને આ કામ કરવું પડતું હોય એવું પણ બને.”

દીકરાને સ્કૂલે મૂકીને આવતાં હું ભૂતકાળમાં સરી પડ્યો.

“એય, ધ્યાન નથી રાખતો. આ ચાનો પ્યાલો ફોડી નાખ્યો એનાં પૈસા કોણ તારો બાપ ભરશે?”

આંખમાં આંસુ આવી ગયા એના, પણ કંઈ બોલ્યા વગર કામે વળગ્યો. મરતાં બાપની દવા લેવાનાં પૈસાના ફાંફાએ એને ચાની કિટલીએ કામે લગાડ્યો હતો. એમાં આવું નુકસાન થાય તો એને મળતાં પૈસામાંથી એટલાં કપાઈ જતાં.

એ તો ભગાશેઠનું ભલું થજો કે એમની નજર એ છોકરા પર પડી. ને એનો હાથ જાલ્યો.

ઘર આવ્યું ને હું ફરી વર્તમાનમાં આવ્યો. મનથી નક્કી કર્યું, ‘મારો હાથ ભગાશેઠે જાલ્યો તો હું આજે આટલે પહોંચી શક્યો છું. મારા દીકરાને પણ ઉચ્ચ શિક્ષણ આપી શકું છું. હવે મારી ફરજ છે એ ઉપકારનો બદલો કોઈનું જીવન આબાદ કરી ને આપું.’

હું ને મારો વાહીન બે જ હતાં કુટુંબમાં. તરત પેલો છોકરો જ્યાં દીવાલ રંગવા જતો એનો મને ખ્યાલ હતો, ત્યાં ગયો. એની સાથેની વાતથી ખ્યાલ આવ્યો કે એ અનાથ હતો. એનું જીવન પણ મારા વાહીન જેવું જ ઉજ્વળ બને એ માટે એને પ્રેમથી સમજાવી મારી સાથે ઘરે લઈ આવ્યો. ખાતરી સાથે કે વાહીન પણ એનો સહજ સ્વીકાર કરશે.

લતા સોની કાનુગા

—————————————————

૧૧…

શીર્ષક : આભાસી દુનિયા….વેલવિશર ગ્રુપના ટાસ્ક માટેની વાર્તા

“આ શું? રોજ રોજનાં તારાં કકળાટથી હું તો થાક્યો.” કહીં વ્યોમેશે પડખું ફેરવ્યું.

“તો હું તો તમારા આ લફરાઓથી આખી જિંદગી થાકી એનું શું?” આજે દુર્ગા આ પાર કે પેલે પાર કરવાનાં મૂડમાં હતી.

“એટલે તું શું કહેવા માગે છે? તારે મારાથી છુટકારો જોઇએ છે?” વ્યોમેશે લાગલું જ પૂછ્યું.

“હા. આટલી ઉંમરે પણ તમે સુધરતા નથી. જોકે આ નિર્ણય મારે વરસો પહેલાં જ લેવો જોઇતો હતો.”

દુર્ગા હવે ખરેખરી એનાં પતિના પંચાવન વરસે ય અન્ય સ્ત્રીઓ સાથેના લફરાઓથી થાકી હતી. પોતે પગભર હતી. એને કોઈ પાસે હાથ લાંબો કરવો પડે એમ ન હતો.

“વ્યોમેશ બોલ્યો, “બોલી છે તો ફરી ન જતી. કાલ સવારે આપણે પહેલાં એ જ કામ કરશું. છૂટાછેડા થઈ જાય એટલે તું યે છુટ્ટી ને હું યે.”

દુર્ગા કંઈ બોલ્યા વગર પડખું ફેરવીને સૂતી. પણ એને એમ ક્યાં ઊંઘ આવે એમ હતી. કેટલીયે વાર સુધી પડખા ઘસતી પથારીમાં પડી રહી. ન રહેવાયું એટલે ગેલેરીમાં જઈ ખુરશી પર બેઠી આકાશમાં તારા જોવાં લાગી. અમાસ આવી રહી હતી એટલે કાળુધબ આકાશ હતું. પણ ચમકતાં તારાઓને લીધે જોકે સુંદર લાગતું હતું. રાત્રીએ જાણે કાળા રંગની સફેદ આભલા ભરતની સાડી ન ઓઢી હોય.

આટલાં કંકાસભર્યા જીવનમાં પણ દુર્ગાને સોહામણી રાત્રીની શોભા ગમી ગઈ. મનનો ભાર જાણે ઉતરી ગયો ને એ પાછી પથારીમાં જઈ ને સુઈ ગઈ.

સવારે પતિ પત્ની બન્નેએ આખરી નિર્ણય લઈ લીધો ને છૂટાછેડાની અરજી કરી દીધી.

લોકોમાં વાતો ચાલી. ‘પાછલી ઉંમરે આમ છૂટાછેડા લેવા બેઠા છે એ કંઈ બરાબર કહેવાય?’ ‘હવે આટલા વરસે પડ્યું પાનું નિભાવી લેવાનું હોય’ મોઢા એટલી વાતો.

પણ વ્યોમેશ ને દુર્ગા પોતાનાં નિર્ણયમાં મક્કમ હતાં. દુર્ગા કોઈ પણ હિસાબે વ્યોમેશથી છુટકારો ચાહતી હતી. એની પોતાની આગવી જીવનશૈલી હતી. જોબ કરતી હતી ને નવાં વિચારો પણ ધરાવતી હતી. એટલે સોશિયલ મીડિયાં દ્વારા મિત્રોના સંપર્કમાં પણ રહેતી. વ્યોમેશ થોડાં થોડાં વખતે નવી નવી મિત્રો બદલતો રહેતો એનો જ એને વાંધો હતો. સ્ત્રી મિત્ર હોય એનો પણ એને વાંધો ન હતો પણ વ્યોમેશ ઓફીસ કામના બહાને ગમેં તેને લઈને બહારગામ ફરવા જતો રહેતો. એવા બધા એના વર્તનથી વીરા કંટાળી હતી.

આખરે બન્ને છૂટા પડી ને પોતપોતાની રીતે જીવન જીવવા લાગ્યાં.

‘વાહ ખૂબ સુંદર’

ફેસબુક પર દુર્ગાએ મૂકેલાં અજાણી વ્યક્તિની કૉમેન્ટથી દુર્ગા વિચારમાં પડી. દુર્ગાએ ફેસબુક એકાઉન્ટ પોતાનાં અસલી નામે હતું એ બદલીને ફક્ત પોતાનાં ઉપનામ કે જે નામે એ કંઈ કંઈ લખીને પોસ્ટ કરતી રહેતી એ નામે કર્યું હતું.

વિજય નામ હતું એ વ્યક્તિનું. દુર્ગાએ વિજયના ટાઇમલાઇન પર જોયું તો મિચ્યુઅલ થોડાં મિત્રો હતાં પણ વિજયનો ફોટો જોઇને એને ખ્યાલ આવી ગયો એ વ્યક્તિ કોણ છે એનો.

બે દિવસમાં તો વિજયની ફ્રેન્ડ રિકવેસ્ટ પણ આવી જ. દુર્ગાને ખબર હતી કે વ્યોમેશને નથી ખબર કે એ ફેસબુકમાં લખે છે. એટલે એની સાચી ઓળખ તો વિજયને થવાનો સવાલ ન હતો. દુર્ગાએ તાલ જોવાં વિજયની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી લીધી. એટલે તરત વિજયનો મેસેન્જરમાં થેન્ક્સ કહેવાના બહાને મેસેજ આવ્યો.

પછી તો રોજ વિજય દુર્ગાની દરેક પોસ્ટ પર કોમેન્ટ કરે ને મેસેન્જરમાં પણ વાતો કરવાનો પ્રયત્ન કરે. દુર્ગા પણ જાણે મિત્ર બની ગઈ હોય એમ એની સાથે ચેટ કરે.

છેવટે વિજયે દુર્ગાને રૂબરૂ મળવાની ઓફર કરી. દુર્ગા આ મોકાની જ રાહમાં હતી. એણે એનો ફોટો અને વ્યોમેશ સાથેનો ફોટો મેસેન્જરમાં મુક્યો. એ જોઈ વિજય ઉર્ફે વ્યોમેશ છક થઈ ગયો. ને તરત પોતાનું ફેક આઈડી બંધ કર્યું.

દુર્ગા તો જાણતી જ હતી કે આમ જ થવાનું છે.

એણે ફેસબુક પર પોસ્ટ મૂકી.

‘આભાસી દુનિયા લાગે ભલે પોતીકી, છલથી ભરેલી.’

લતા સોની કાનુગા

————————————————-

૧૨…

શીર્ષક : યુધ્ધભૂમીમાં રમૂજ

સવારમાં સ્કૂલે જવાનું મોડું થતું હોય..મમ્મીને ઘરનું કામ ને અમને બન્ને બહેનોને તૈયાર કરી પોતે પણ શિક્ષિકા હોવાથી તૈયાર થઈ સ્કૂલે જવું હોય.

સવારમાં ઘર તો જાણે યુદ્ધભૂમિ પર જવા તૈયારી કરતાં કેપ્ટનનાં ઑર્ડરથી ગાજતું હોય ને ત્યાં હું ભેંકણો તાણું,
‘મારું માંથુ તો ઓળવાનું રહી ગયું.’

તરત બાપુજી ધીરેથી કહે,
“માંથુ ઘરે મુકી જા. ઓળી ને મોકલી દઇશ.”

…લતા સોની કાનુગા…
—————————–

૧૩…

શીર્ષક : સાલમુબારક

નુતન વરસ
આવે જાય
કરો
નવું તો થાય સાર્થક
…લતા…

“લીરા ઓ લીરા ક્યાં છે? અળધી રાત થઈ. હવે તો બસ કરો ફટાકડા ફોડવાનું.”

“એ આવી મમ્મી”

કહેતી તેર વર્ષની લીરા ખુશ થતી થતી ઘરમાં આવી.

“કેમ આટલી ખુશ છે આજ મારી લીરા. તને થાક નથી લાગ્યો કે?”

“મમ્મી સાચું કહુ! આ આપણાં આંગણામાં દિવાળીનાં આટલાં બધાં દિવા પ્રગટેલાં હતાં તો મને થયું સામે ઝુંપડીઓમાં રહે છે એમને ત્યાં કેટલું અંધારુ લાગે છે. તો લાવ ને ત્યાં મુકી આવું.”

“હેં!” કરતીક ને લીરાની મમ્મી ઘરની બહાર જોવા ગઈ.

જે દ્રશ્ય જોયું એનાથી એની આંખ ઠરી.

‘હાશ! ખરું નવું વરસ ઉજવ્યું.’

લતા સોની કાનુગા

—————————————————-

૧૪…

શીર્ષક : ‘ટીચર જાઉ?’

“મીતાબહેન, લ્યો અમે બંને ટેકો દઈને તમને ઉભા કરીએ.”

કહી રક્ષા આગળ વધી ને મીતાબહેન પડી ગયાં હતાં એમને ઉભા થવામાં મદદ કરવા ગઈ.

“અરે મારી બેન, હું એક પડી છું એજ બસ છે હોં” કહી ફસ કરતાં હસી પડ્યાં. એમને હસતાં જોઈ રક્ષા ને દક્ષા બંને બહેનો પણ હસી પડી. મીતાબહેનનો સ્વભાવ જ એવો કે જાત પર જ પહેલા હસે.

માંડ ભારે શરીરને ઉભુ કર્યુ ત્યારે ખ્યાલ આવી ગયો કે બાકી બધું તો ઠીક ટચલી લબડી પડી છે. એ બતાવી પાછાં હસતાં હસતાં બોલ્યાં,

“ટીચર જાઉં?”

લતા સોની કાનુગા

——————————————————-

૧૫…

શીર્ષક : સમજદારી

“કેમ બધાં આટલા ગંભીર થઈને બેઠા છો?”

પપ્પાએ ઓફિસથી આવતાવેંત ઘરમાં ન સમજાય એવી શાંતિ જોઈને પુછ્યુ.

બંનેએ અંદરોઅંદર ઈશારાથી વાત કરી લીધી.

“પપ્પા હું આવતા મહિને ઓસ્ટેલીયા ભણવા જઉ છું. દીદીના લગ્ન નક્કી થઈ ગયા છે. એટલે એ પણ થોડા દિવસની આ ઘરની મહેમાન, એટલે અમને તમારી ચિંતા થાય છે.”

“આ તો પંખીનો માળો. પાંખ આવે એટલે ઉડવા માંડે. એમાં ચિંતા શું કરવવાની?”

“પપ્પા એક વાત કહું?” સાક્ષી ધીરેથી બોલી.

“અરે બેટા તમે બંને તો મારા મિત્રો જેવા છો. આજે કંઈ કહેતા આટલા કેમ અચકાઓ છો?”

“અમે ઈચ્છીએ છીએ કે જીવનસાથી કે જે તમને સમજીને આ ઉમ્મરે એકબીજાનો સહારો બની શકે એવી વ્યક્તિને સ્વીકારી નવું જીવન જીવો. પંદર વર્ષથી ફક્ત અમારાં માટે જ જીવ્યા છો.”

“ઓહો! મારા બચ્ચાઓ આટલા બધાં મોટા ને સમજદાર થઈ ગયા છે ને.” કહી અમરીશભાઈની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા.

………….

આજે સાક્ષીનાં લગ્ન મમ્મી-પપ્પા બંનેના આશિર્વાદ ને કન્યાદાનથી રંગેચંગે સંપન્ન થયા.

લતા સોની કાનુગા

—————————————–

૧૬…

શીર્ષક : અવહેલના

“આજે તો પૂરી કરવી જ પડશે વાર્તા. પ્લીઝ સમજો ને.”

“જોઈ ન હોય મોટી વાર્તા લખનારી!”

કહીં વિકાસે એની પત્ની આશાનાં લખેલા કાગળો ઝુટવ્યા ને ગેસ પર ચા બનતી હતી ત્યાં તપેલી નીચે સળગાવી નાખ્યા.

આશાને જે સાપ્તાહિક અંકમાં એની વાર્તા આવતી હતી એનો છેલ્લો હપ્તો આપવો જ પડે એમ હતો.

આંખમાં આંસુ સાથે ઘરકામમાં વળગી.

ત્યાં જ અંકના કાર્યાલયમાંથી ફોન આવ્યો,

“આશાબહેન માફ કરજો આ અંકમાં એક અગત્યની ઘટના ઉપર લેખ મુકવો પડે એમ છે એટલે તમારો હપ્તો આવતાં અંકમાં લેશુ.”

“હાશ! મારી લાજ રહી.” એમ મનમાં બબડતી બાકીનું કામ પુરુ કર્યુ.

…………..

“આશાબેન” કરતો કુરિયરવાળો આવ્યો, એ લઈને ખોલી જોયુ ને એના આનંદની અવધિનો પાર ન રહ્યો.

આશાને એની અંકમાં આવતી પહેલી જ લઘુનવલ જે હજુ તો પુસ્તક રૂપે છપાય એ પહેલા જ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તરફથી આ વર્ષની શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો.

લતા સોની કાનુગા

———————————–

૧૭…

શીર્ષક : મહોરા પાછળનું મહોરું

“અરે, કેટલી ધક્કામુક્કી કરી રહ્યા છે બધા? અંદર કોણ છે?”

“મમ્મી એ તો ટેડીબેરને મળવાની ને એની સાથે હાથ મીલાવવાની પડાપડી થઈ રહી છે.”

કહીં વામા ચીંન્ટુને લઈને અંદર ઘુસી. જેમ તેમ કરી ટેડીબેર બનેલી વ્યક્તિ પાસે પહોંચી. ત્યાં જાણે બંને બચ્ચાઓ માટે ચમત્કાર થયો હોય એમ ટેડીબેરે એ બંનેને સામેથી બોલાવી હાથ મીલાવી ફોટા પડાવ્યા ને નાના ચીંન્ટુને તેડીને એના પોંચા પોંચા પગ પર બેસાડ્યો પણ ખરો.

થોડી વાર મોલમાં વામા ને ચીંન્ટુને લઈ ને ફરી મીરા મોલમાંથી નીકળવા જતી હતી ને ટેડીબેરનું મહોરું હાથમાં લઈ ઉભેલ વ્યક્તિને જોઈને જડપથી બંને બાળકોને જાણે ઢસડતી ત્યાંથી દૂર લઈ ગઈ.

લતા સોની કાનુગા

————————————-

૧૮..

શીર્ષક : જોડીયા બહેનો

“કન્યા પધરાવો સાવધાન!” ગોર મહારાજની બુમ સંભળાઈ.

પણ કન્યાને માંડવે લાવવાને બદલે વરરાજાને અંદર બોલાવાનું તેડુ આવ્યુ.

અવની ને ધરા જોડીયા બહેનો. લગ્નના બે દિવસ પહેલા જ અચાનક અવનીની તબિયત બગડી. તાત્કાલીક બધા ટેસ્ટ કરાવ્યાં. નિદાન આવ્યુ, કિડની ફેલ!

વેવાઈને ત્યાં જાણ કરવી ન કરવીની ઉલઝનમાં જ દિવસ નીકળી ગયો. જાન મુંબઈથી અમદાવાદ આવવાની હતી.

ને એ સમય પણ સામે આવી ગયો. અવની આકાશથી છુપાવી લગ્ન કરવા તૈયાર ન હતી. તેણે ગમે તેમ કરી ધરાને સમજાવી.

આકાશને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યો.

ધરાએ આકાશને કહ્યું, “અવની ભલે એના બદલે મને તમારી સાથે પરણાવવા માગતી હોય પણ હું તો એ જ કહીશ કે મારી એક કીડની એને આપીશ, પણ કુમાર તમે જ અવની સાથે પરણો. પછી તમારી મરજી.”

આકાશ પણ દિલથી અવની ને જ ચાહતો હતો. બહાર કોઈને કંઈ જાણ કર્યા વગર નિર્ણય કરી લીધો.

લતા સોની કાનુગા

———————————-

૧૯…

અજાણ્યો પંજો

દરવાજો અચાનક ખખડયો. ને અમે ઝબકી ને જાગી ગયા. એ જોઈ બા ત્યારે કાંઈ બોલ્યા વગર અંદર સુઈ ગયા.

અમે ચારે ભાઈ બહેન ને બાપુજી રૂમમાં સુતા હતા. બાને ગરમી લાગતી હતી એટલે બહાર ચોગાન હતું એમાં પથારી પાથરી ને સુતા. બા નો એ રોજ નો ક્રમ. હવેલીમાં મોટા મોટા ત્રણ ચોગાન હતાં. અમે શાળાની રજાના દિવસોમાં ત્યાં જતાં. બાપુજીની મહેતાજી તરીખેની ત્યાં નોકરી હતી. બાની નોકરી અને અમારા ભણતર ને કારણે અમે બા સાથે મુંબઈ રહેતાં.

સવારે બા, બાપુજીને રાતની વાત કરતાં હતાં એ મેં સાંભળી લીધી.

કુતૂહલવશ રાતે ગુપચુપથી હું એકલી બા જ્યાં સુતા હતાં એ જગ્યાએ જઈને સુઈ ગઈ. અડધી રાતે જાણે મારાં પગ કોઈ ખેંચતુ હોય એવું લાગ્યું. ઝબકીને જાગી તો હું પથારીથી ત્રણ ફૂટ દૂર નીચે હતી. મને એમ કે હું આળોટતી આળોટતી ત્યાં પહોંચી હોઈશ. પાછી પથારીમાં જઈને સૂતી. ખબર નહિ ક્યારે ફરી એ જ અનુભવ ને ગળામાં નખનાં નિશાન!

ભગવાનનું નામ લેતાં લેતાં આવીને રૂમ આગળ બેસી રહી. ક્યાંક અંદર જાઉં ને બા કે બાપુજી જાગી જાય ને ખીજાય તો?

સવાર પડી ને એવું સુંદર વાતાવરણ ત્યાં જ લાગે!

હવેલીના ગર્ભ મંદિરની બહાર જ લીમડાનું ઝાડ હતું ને ચોગાન સુધી ફેલાયેલું હતું.

આજ સુધી ખબર નથી પડી કેમ થતું ને શું હતું ત્યાં?

લતા સોની કાનુગા

———————————-

૨૦…

શીર્ષક : તડપ

“કાશ! થોડી ક્ષણો પહેલા આવ્યા હોત તો. જ્યાં એમણે મારા મુખ પરથી ચાદર ઊંચી કરી ને, ‘કહેવાતાં જગની દ્રષ્ટિએ નિર્જીવ’ મને અહેસાસ થઈ ગયો કે આખી જિંદગી જોઈ હતી જેની રાહ એ જ આખરી વિદાય આપવા આવ્યા છે. પણ નફરતની દુનિયા આપી ગયા હતા જે, આજ કેમ એમની આંખોમાં ન દેખાઈ એ? ને એને બદલે આંસુ!

‘હવે આંસુ વહાવવાનો શો અર્થ?’ હું બોલી. હું જોરથી બરાડી. પણ કોઈને કંઈ અસર જ નથી થતી ને. મને બધું સંભળાય, દેખાય છે પણ કોઈ મારી વાત સાંભળતું કેમ નથી?

‘આ અંદર અંદર ગુસપુસ શું થાય છે? હમમમ, મને જલ્દી લઈ જવાની ઉતાવળ.

હા, હવે તો બસ જલ્દી અહીંથી જઉં. પણ એક સંતોષ સાથે છે મારી…એમની આંખોનો અફસોસ જે એમને એમ જ તડપાવતો રહેશે.

લતા સોની કાનુગા

————————————–

૨૧…

‘ગુડ મોર્નિંગ’

“હાઈ કેમ છો?”
“સોરી હું તમને ઓળખતી નથી”
“એટલે જ ઓળખાણ કરવા માગું છું.”
“આપણા વિચારો એક છે. શોખ એક છે.”
“અરે મેમ કોઈ વાર તો જવાબ અપાય હો”… આમ રોજ મેસેજ આવે. ભાષા શિષ્ઠ. સારા સારા મેસેજ મોકલે કોઈ દિવસ અભદ્ર ભાષા ન વાપરે. સળંગ મેસેન્જરમાં આવતી કોમેન્ટથી કંટાળી એકવાર ઓખાએ આશયના ટાઇમ લાઇનમાં જઈ એની પ્રોફાઇલ તપાસી. કંઈ અયોગ્ય ન લાગ્યું ને પાછું એની રૂચી જેવી જ રૂચી વાળો લાગ્યો આશય. શરુમાં તો બસ એના મેસેજ વાંચતી ને ખુશ થતી. કોઈ દિવસ મેસેજ ન આવે તો એને ન ગમતું. આમાં ને આમાં ઓખા આશય સાથે ક્યારે ચેટ કરવા લાગી એનો તો એને ખ્યાલ જ ન રહ્યો. ‘ગુડ મોર્નિંગ’ થી સરું થઇ ‘ગુડ નાઈટ’ ની વચ્ચે ક્યારે ‘હાઈ હની’ ‘આઈ લવ યુ’ એ પહોંચી ગયાં એની ખબર ન રહી. ચેટ કરતાં કરતાં બંને એટલા આગળ વધી ગયાં કે પ્રેમનો એકરાર..હજુ તો બંને એકબીજાને રૂબરૂ મળ્યાં પણ ન હતાં. આખરે આશયે મળવા માટેનું ઈંજન આપ્યું. જે ઓખાએ સહજ ખચકાટ સાથે સ્વીકાર્યું. કોફીશોપમા બંને પહેલીવાર મળ્યાં. પ્રથમ વાર પ્રત્યક્ષ મળ્યાની ખુશીમાં કેટલી વાર સુધી તો બંને કંઈ બોલવાનું પણ ભૂલી ગયાં. જ્યારે ઓખાને ખ્યાલ આવ્યો ત્યારે શરમાઈ ગઈ.

એ પહેલી મુલાકાતમાં ખાસ વાત ન થઈ. પણ ધીરે ધીરે મુલાકાતો વધવા લાગી. હવે ઓખા એવા મોડ પર ઉભી હતી હતી કે એના મનમાં આશય સાથે લગ્ન કરવા શિવાય બીજું સૂઝતું જ ન હતું. આશય લગ્નથી દુર રહેવા માગતો હતો. તે પરણેલો હતો.. વહુને ગામડે રાખતો.. પોતે જલસા કરે ને એની વહુ નીલમને શહેરમાં બોલાવતો પણ નહિ. અત્યાર સુધી ઘણી છોકરીઓને ફેરવી હતી, ઓખા એ વાતથી અજાણ હતી. પણ ઓખા એમ કંઈ એને છોડે તેમ ન હતી.

બંનેની કાયમ મળવાની જગાએ બેઉ મળ્યાં. પણ આજે ઓખાએ નિર્ણય કર્યો, આશય પાસે લગ્નની હા કરાવી ને જ રહેશે. કહો ને ઓખા આશયના પ્રેમમાં એવી પાગલ હતી કે બીજું કંઈ વિચારી નહોતી શકતી કે વિચારવા નહોતી માગતી. ઓખાને કોઈ હૂફની જરૂર હતી ને એ તેને આશય પાસેથી મળતી હતી. હવે તેને દુનિયામાં આશય સિવાય બધું વ્યર્થ લાગતું હતું. એની અત્યાર સુધી જે ઇચ્છાઓ અધુરી રહી હતી.. એને પૂર્ણ કરવા એ કંઈ પણ રીતે તૈયાર હતી. ઓખાએ આશયને ચોક્ખા શબ્દોમા કહી દીધું,

“તું લગ્નની હા નહિ પાડે તો હવે આપણે નહિ મળીએ.” કહી જતી રહી.

કોણ જાણે કેમ આશય પણ આ વખતે બીજી છોકરીઓની જેમ છોડી દેવા નહોતો માગતો.. બે દિવસ તો એમનેમ વીત્યા. પણ પછી એનાથી પણ ન રહેવાયું. એણે ફોન કરી ને ઓખાને લગ્નની હા પાડી દીધી. પણ સાદાઈથી મંદિરમાં કરવા એમ કહ્યું. આશય પોતાના લગ્ન જગ જાહેર કરવા નહોતો માગતો.. પરણેલો હતો ને! ઓખાએ એની મમ્મીને વાત કરી.

“મમ્મી હું આશય નામના છોકરા સાથે લગ્ન કરવા માગું છુ.” ને ટૂંકમાં એના વિષે વાત કરી.

મમ્મીએ ચોક્ખી ના પાડી. “એમ અજાણ્યા સાથે લગ્ન ન કરાય. થોડો સમાજનો તો વિચાર કર.”

ના પાડવા પાછળ એમનો પોતાનો પણ સ્વાર્થ હતો. ઓખા પરણીને જતી રહે તો પોતાનું કોણ? પણ ઓખા તો નક્કી કરી ને જ બેઠી હતી. મા થી ઉપરવટ થઈ ને તૈયાર થઈ હતી. ઓખાએ એની ફ્રેન્ડ આશાને મદદમાં લેવાનું નક્કી કર્યું. એણે એની ફ્રેન્ડ આશા ને વાત કરી,

“આશા પ્લીઝ મને આશય સાથે પ્રેમ થયો છે તું મદદ કરીશ? એની સાથે પરણવામાં?”

“જો ઓખા, તું મારી ફ્રેન્ડ છે તો મારે મદદ તો કરવી જોઈએ પણ એમ નહિ પહેલાં હું એના વિષે બધું જાણું પછી જ મદદ કરું.”

એમ કહી આશાએ એના સુત્રો કામે લગાડ્યા…ગમે ત્યાંથી લિંક મેળવી આશય વિષે વિગતો એકઠી કરી. એને શક હતો એવું જ જાણવા મળ્યું. આશય પરણેલો હતો. ગામડામાં એની પત્નીને રાખી પોતે શહેરમાં જલસા કરતો….આમાં જ એણે પહેલા પણ છોકરીઓને ફસાવી હતી પોતાની મીઠી મીઠી જાળમાં. આશાએ બધી વિગતે ઓખાને વાત કરી એને આશયને ભૂલી જવા સમજાવી. પણ ઓખાના મગજમાં તો લગ્નનું ભૂત સવાર હતું….આમે તે લગ્ન માટેની ઉંમર વટાવી ચુકી હતી. જોકે એમાં વાંક એનો ન હતો.. ઘરની જવાબદારીનો ભાર એના માથે હતો.. પિતા વગરની જીંદગીમાં મા અને બીજા બે નાના ભાઈ બહેન. હજુ તો ગ્રેજ્યુએટ થઈ ત્યાં જ પિતાનું છત્ર ન રહ્યું. મમ્મી પણ એનાં બહુ ભણેલ ન હતાં. એટલે વધારે જવાબદારી તો એના માથે જ હતી ઘરમાં આર્થિક ઉપાર્જન માટેની. જોબ તો જોકે એને મળી ગઈ ને કામ કામ ને શીખવે એમ આગળ વધતી ગઈ. નાના ભાઈ બહેનને ભણાવ્યાં. પગભર કર્યા. બહેન પરણવા જેટલી થઈ એટલે મુરતિયો શોધી એને પરણાવી. મા ને એના માટે ચિંતા નોતી એવું ન હતું. પણ સ્વાર્થી મન વિચારતું ‘જો ઓખા પરણી જશે તો અમારું કોણ ધ્યાન રાખશે?’..ઊંડે ઊંડે એવું પણ ખરું કે ‘મારું કોણ?’ એટલે એને પરણાવાની વાત જ ન કરે. ને ઓખા પણ કુટુંબ માટે વધારે લાગણીશીલ. એટલે પોતાનો વિચાર કરે જ નહિ.
ભાઈ પ્રેમલ ભણીને કામે વળગ્યો એટલે જાતે જ છોકરી શોધી પરણી ગયો. શરૂમાં તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે પીન્કી, પ્રેમલની પત્નીએ પોત પ્રકાશવા માંડ્યું. રોજ કંઈ ને કંઈ કંકાસ હોય. પીન્કીને ઘરમાં ઓખાનું રાજ ચાલે તે સહન ન થાય. ઓખા પ્રેમાળ પણ પ્રેમલ દરેક વાતમાં ઓખાને મહત્વ આપે તે પીન્કીથી સહન ન થાય.

ધીરે ધીરે યુક્તિથી પીન્કી પ્રેમલને ઓખાના પ્રભાવથી દુર થાય એવા પ્રયત્નો કરવા લાગી. પ્રેમલની સામે ઓખા સાથે સારું રાખે. પણ જેવો પ્રેમલ ઘરમાં ન હોય કે પીન્કીનું પંચીગ ઓખા પર શરુ થાય.

“આટલા મોટા થયાં પણ જરાય ભાન નથી. પતિ પત્નીની વચ્ચે ન અવાય.”
“પરણી જાવ તો અમે પણ છૂટીએ તમારાથી.”

આવાં બધાં મેણા મારે. ઓખા ધીરે ધીરે માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગી ને ચીડિયન થવા લાગી. એમાં ધીરે ધીરે નણંદ ભાભીના ઝગડા મોટું સ્વરૂપ લેવા લાગ્યાં. છેવટે પ્રેમલ પત્નીને લઈ મા ને એની બહેન ઓખાથી છુટો થઈ અલગ રહેવા લાગ્યો. ઓખાને તો જવાબદારી એમ જ રહીં. એની મમ્મીની પણ ઉંમર થવા લાગી હતી એટલે એમને મૂકીને પોતે ઠરી ઠામ થવા વિચાર કરી જ ન શકી. જીવનનું ગાડું એમ ચાલે જતું હતું.

પોતાને થોડો આર્ટનો શોખ. ચિત્રો દોરે. કોઈ વાર ફેસબુક પર મુકે કોઈ કોઈ વખાણે એટલે વધારે ઉત્સાહથી નવું ચિત્ર બનાવી ફેસબુક પર મુકે.

એમાં જ આશય સાથે ઓળખ થઈ. ને લગ્ન કરવા સુધી વાત આગળ વધી. આશાએ સમજાવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ ઓખા એક ની બે ન થઈ. આશાની વાત માનવા તૈયાર ન થઈ. ને આખરે આશય સાથે પરણીને જ રહી. આશય ને ઓખા શહેરમાં જ રહેતાં એટલે શરુમાં તો આશયના ઘરના કે એની પત્ની નીલમ ને ખબર ન પડી. પણ કોઈ આશયના ગામડાના ફ્રેન્ડે આશયને ઓખા સાથે વારંવાર જોયો. એણે ગામડે જઈ નીલમને એ વાતથી વાકેફ કરી. નીલમ તો આશયને જણાવ્યા વગર આશયના ઘરે આવી.

ઓખા એને જોઈ ને સ્તબ્દ્ધ! આશય એ વખતે ઘરમાં ન હતો. નીલમ ને ઓખા વચ્ચે પહેલાં તો ખુબ વાકયુદ્ધ થયું….નીલમ એમ ગાંજી જાય એવી ન હતી….ક્યારે વાંક યુદ્ધે હાથ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું એનો અહેસાસ જ ન રહ્યો બંનેમાંથી કોઈને. એમાં નીલમનો જોરદાર ધક્કો ઓખાને લાગ્યો ને ઓખાનું માથું દીવાલ સાથે અથડાયું. એ જ ક્ષણે તે બેભાન થઈ ગઈ. નીલમ આ જોઈ ગભરાઈ ગઈ. ને તરત ત્યાંથી જતી રહી. આ બાજુ આશય ઘરે આવ્યો ને ઓખાનીની આ દશા જોઈ ગભરાયો.. તે તો ત્યાંથી ઓખાને એની હાલત પર છોડી ભાગી ગયો. જ્યારે ઘરમાંથી વિચિત્ર વાસ આવવા લાગી ત્યારે પાડોશીએ પોલીસમાં કમ્પ્લેન કરી. પોલીસે આવી જોયું ત્યારે ઓખાની લાશ પડી હતી. પોલીસ કેશ થયો….પ્રથમ દ્રષ્ટીએ આશયને શકમંદ તરીકે પકડવામાં આવ્યો.

લોકોમાં જાત જાતની વાતો થવા લાગી. એ વાતોના ફણગા ફૂટ્યા ને જેમને નહોતી ખબર એ બધાને પણ ખબર પડી કે ઓખા પરણેલા પુરુષને પરણી હતી. ને એ પણ આગલીને છૂટાછેડા આપ્યા વગર. બસ લોકોને તો દોષનો ટોપલો ઓખા પર નાખવાનો મોકો મળી ગયો. પોલીસ પણ એની રીતે તપાસ કરતી હતી. આશય તો પોતે નિર્દોષ છે નું રટણ કર્યા કરતો હતો…આશયે વકીલ રોકી જામીન તો મેળવી લીધા….લોકોમાં અલગ અલગ વાતો થતી એમાં પોલીસને ખબર પડી કે આશયને આગલી પત્ની પણ છે. એટલે તપાસ આદરી. છેવટે પોલીસને નીલમનો પત્તો લાગ્યો.
પહેલા તો નીલમ નામુક્કરર રહી. પણ પોલીસના અતિ દબાણમાં ભાંગી પડી ને કબુલ કર્યું કે બંને વચ્ચે જપાજપીમાં ઓખાનું માથું દીવાલ સાથે ભટકાયું. પણ એને ખબર ન હતી કે ઓખા મૃત્યુ પામી છે…કોર્ટમાં કેશ ચાલ્યો….વાદી પ્રતિવાદીની જુબાનીઓ લેવાઈ. ઓખા તરફથી લડવા કોઈ તૈયાર ન થયું. ભાઈ કહે,

“દોષી તો એ કહેવાય. એના લીધે અમારે સમાજમાં નીચા જોણું થયું.” બહેન તો ફોરેન જતી રહી હતી.જે કુટુંબ માટે ઓખાએ સમર્પણ કર્યું એ કુટુંબ જ એને દોષી ઠેરવવા તૈયાર થયું. કોર્ટમાં પણ એ પરણેલા પુરુષને પરણી એ માટે દોષિત ઠરી…ને નીલમનો ગુનો સાબિત થયો પણ પોતાના લગ્ન જીવનને બચાવાના પ્રયત્નમાં એનાથી આવું પગલું ભરાઈ ગયું,. એમ એના વકીલની દલીલો ને પુરાવાના અભાવે નીલમને ૩ વર્ષની જેલની સજા થઈ. ને આશયને શકમંદનો લાભ મળ્યો. પણ એણે ઓખા સાથે ગેરકાયદે લગ્ન કર્યાં એટલે એને પણ સજા થઈ. ઓખા કાયદાની રૂહે દોષિત કહેવાય. પણ એના પ્રેમ કરવાના ને ખોટી રીતે લગ્ન કરવાનાની સજા એને આટલી મોટી મળશે એનો તો અહેસાસ એને ક્યાંથી ઓય. કુટુંબ ને સમાજમાં પણ એ જ ચર્ચા રહી કે એ જ દોષી છે…બરાબર છે એ પરણેલા પુરુષ સાથે પૂરું જાણ્યા વગર પરણી. પણ શું કુટુંબની ફરજ નહોતી કે એને હૂંફ આપવી…એના જીવનનો પણ વિચાર કરવો …! બસ પોતાનો સ્વાર્થ જોયો….
દોષિત કોણ ને સજા ભોગવી કોણે…???
…..લતા સોની કાનુગા. ‘વેલ’

૬.૩.૨૦૧૫

———————————————

૨૨…

જાત સાથે મંથન

‘એકાદ બે સારી વાર્તા લખી એટલે પોતાને લેખિકા સમજી બેઠી લતા તું તો.’ પોતાનાં ઉપર જ કટાક્ષ કરતી જાત સાથે બબડતી ફરી ફરી બધું જ પોતાનું લખેલું વાંચીને સુધારવાનો સંકલ્પ કર્યો.

ને બેસી ગઈ મન ને અને લખાણને સુધારવા.

પણ કુવામાં હોય તો હવાડામાં આવે ને! ફેસબુકીયા વાહ વાહથી ફુલાયેલ લતાનો ફુગ્ગો ફુટી જ ગયો જ્યારે મોટે ઉપાડે સ્પર્ધામાં વાર્તા મોકલી ને રદબાતલ થઈ.

પણ લાગવગનો લાભ લેવામાં ક્યાં વાંધો છે હેં!

વાર્તા રાષ્ટ્રીય દરજ્જે હાસ્ય વાર્તા સ્પર્ધામાં અવ્વલ આવી ને સામયિકના સંપાદકોની કોલમિસ્ટ તરીકે એને લેવા લાઈન લાગી. એમાં જેમણે પહેલા રદ કરી હતી એ નિર્ણાયકો પણ ખરા હોં!

હવે છબરડા ક્વિન લતા કોલમિસ્ટ બને તો શું થાય?!?

‘નવી નોટ આવી ને રાજકારણી એક એક ‘નોટ’ સાબિત થવા લાગ્યા.’

જ્યાં સરકારી જ સમાચારોની બોલબાલા આવતી હોય એમાં લતાની આવી પંચ લાઈન આવી.

તો સાહિત્ય રસિક લોકોના પ્રિય સામયિકમાં આવું મોકલ્યુ,

‘આ તે સાહિત્યનું સામયિક છે કે ચોપાનીરુ?’

જય હો લાગવગીયા પુરસ્કારોની!!!

લતા સોની કાનુગા

————————————————

૨૩…

શીર્ષક : નાથ અનાથ

“મમા ભાગ લેવા દે ને પ્લીઝ.”

“તને ખબર છે જ, તારા પપ્પાને નાટક ચેટક નથી પસંદ.”

મમાને ગળે વળગી લાડમાં વામા બોલી,
“પપ્પાને પટાવવા એ તો તારા ડાબા હાથનું કામ છે. પ્લીઝ!”

કંઇક વિચારી વીણાબેન બોલ્યાં,

“જોઉં તારા પપ્પા હા પાડે તો.”

વામાને ખાતરી હતી જ, ને એનો મમ્મી પ્રત્યેનો વિશ્વાસ સાર્થક થયો.
……….

“વીણા, તે જ વામાને માથે ચડાવી છે. છોકરીને સમયનું ભાન પણ છે કે કેટલાં વાગ્યા?”

વીણાબેન કંઈ કહેવા ગયાં ત્યાં બેલ વાગી. એમનાં મનમાં હાશ થઈ. દરવાજો ખોલી ઇશારાથી જ વામાને સમજાવી દીધું કે પપ્પા ગુસ્સામાં છે.

વામા પણ એની મમ્મી જેવી જ મીઠડી. લાગલી જ પપ્પાને ગળે વળગી બોલી,

“ પપ્પા, ખબર છે? આજે અમારા પ્રિન્સિપાલે શું કહ્યું?”

ને પપ્પા કંઈ બોલે એ પહેલાં જ બોલી,

“પપ્પા અમારા પ્રિન્સિપાલે કહ્યું છે કે તમને અમારા મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આપશે. તો તો તમે અમારું નાટક જોશો ને.”

વિરાટભાઈ એ સાંભળી થોડા નરમ થયા.
………………

વિરાટભાઈ સોફા પર નિરાંતે બેસતાં બોલ્યાં,
“વામા, જોરદાર એક્ટિંગ કરી હો બેટા. પણ તારી સાથે જે છોકરો હતો એ કોણ હતો?”

“એનું નામ વીર. મારા ક્લાસમાં જ ભણે છે. ખૂબ હોંશિયાર છે.”

“હશે, પણ હવે ભણવા સિવાય બીજું બધું ભૂલી જવાનું.”

“જી પપ્પા.” કહેતી વામા સુવા જતી રહી. પણ આજે એને ઊંઘ ક્યાં આવે એમ હતી. એનાં દિલોદિમાગમાં તો વીર સાથે નાટકની પ્રેક્ટિસ દરમ્યાન ગાળેલી પળોએ કબ્જો લીધો હતો.

વામા અને વીરની દોસ્તી ગાઢ બનતી ચાલી. વામા, વીરનાં પ્રેમમાં ડૂબવા લાગી પણ વીર ઠરેલ ને પોતાની પરિસ્થિતિથી વાકેફ સમજુ છોકરો હતો. એને પોતે અનાથાશ્રમમાં મોટો થયો છે. હવે એક ઓરડી ભાડે રાખી રહે છે. પોતાનાં ખર્ચ પૂરતું કમાતા કમાતા ભણે છે એ બધું જ છુપાવ્યા વગર વામાને કહ્યું હતું. આ બધું સાંભળી કદાચ વામા પોતાની હેસિયત જાણી સમજીને આગળ ન વધે એટલે. એ જાણતો હતો વામા અને પોતાની વચ્ચેની આર્થિક અને સામાજિક અસમાનતા. એટલે પોતે મનથી એક હદ નક્કી કરી લીધી હતી.
………….
વામા ગ્રેજ્યુએશનમાં અવ્વલ આવી એટલે મમ્મી પપ્પાને મનાવી એમ.બી.એ. શરૂ કર્યું. વીરને ડિસ્ટીંક્શન મળ્યા એટલે સ્કોલરશિપ મળી એમ.બી.એ. કરવા. બન્ને સાથે એમ.બી.એ. થયા. વીરને પ્લેસમેન્ટમાં સારી કંપનીમાં જોબ મળી.

વામાના ઘરે હવે એને પરણાવવા ઉતાવળા થયા, પણ વામા કોઈ છોકરા જોવા તૈયાર જ નહોતી. એટલે ઘરમાં વાતાવરણ થોડું તંગ રહેવા લાગ્યું. છેલ્લે જે છોકરાવાળા જોવા આવ્યાં હતાં એ આર્થિક રીતે ખૂબ સધ્ધર હતાં. છોકરો પણ સારી પોસ્ટ પર જોબ કરતો હતો. એટલે વિરાટભાઈ આ વાત પાછી ઠેલવા નહોતા માંગતા. એમણે વીણાબેનને સ્પષ્ટ કહીં દીધું કે વામાને લગ્ન માટે રાજી કરે.

વીણાબેને વામાને પાસે બેસાડી વ્હાલથી પૂછ્યું. ને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે વામાએ પોતે વીર સાથે પરણવા માંગે છે કહ્યું ને ઘરમાં જાણે દાવાનળ ફાટ્યો. વિરાટભાઈનું આખરી ફરમાન છૂટ્યું, કાં તો અમે કહીએ ત્યાં લગ્ન, નહીં તો કાયમ માટે અમને અને ઘરને ભૂલી જા.’

વામાએ પ્રેમને ખાતર ઘર છોડ્યું ને વીર સાથે તરત લગ્ન કરી લીધા.
………………………..

“પપ્પા તમે ન ઉઠો. પાણી જોઈએ છે ને હું આપું છું.”
ત્રણ દિવસે વિરાટભાઈ ભાનમાં આવ્યા ત્યારે એમને અહેસાસ થયો કે પોતે હોસ્પિટલમાં છે. એમણે સૂચક નજરે વીણાબેન સામે જોયું.
“ તમને પેરેલિસિસનો એટેક આવ્યો ને હોસ્પિટલમાં તરત દાખલ કર્યા ત્યારના દીકરી જમાઈ તમારી ખડે પગે સેવા કરે છે.”

વિરાટભાઈ કંઈ બોલી ન શક્યા પણ જમાઈ સામે ગમા અણગમાના મીશ્ર ભાવ સાથે જોતા રહ્યા. શરીર તો કામ કરતું ન હતું પણ હાવભાવથી પણ કંઈ કહી ન શકવાની દયનીયતા એમના ચહેરા પર જણાઈ આવી.

લતા સોની કાનુગા

——————————–

૨૪…

ઉત્સવ

“જો તો ખરી મીના, આ વિરાબેનના કુટુંબીઓ ને જરાય દુઃખે નહિ લાગતું હોય?

આમ એમની સ્મશાનયાત્રા ધામધૂમથી કાઢી છે તે!”

સોસાયટીના સહુથી પંચતીયા કહેવાતા મંગુબેને એમની પડોશમાં રહેતાં મીનાબેનને વિરાબેનની અંતિમયાત્રા જોઈને કહ્યું.

“મંગુબેન તમે નહિ સમજો. આજની આ નવી વિચારસરણી વાળાની વાતો.”

કહિ વિરાબેનની સ્મશાનયાત્રામાં જોડાવા જતાં રહ્યાં.

મીનાબેન વિરાબેનને ખૂબ સારી રીતે ઓળખતાં હતાં. એમની નવી વિચારસરણી વાળી જીવનશૈલીને ખૂબ આદરભાવથી જોતાં.

વિરાબેન જીવન અને મૃત્યુને એક જ ભાવથી જોતાં ને માનતા પણ ખરા. એમનાં પતિનું મૃત્યુ થયું ત્યારે ઘરમાં શોકનું વાતાવરણ ફેલાયું ને થોડા સમયમાં જ સહુ સહજ જીવન જીવતાં થઈ ગયા.

એમણે પણ પોતાનાં દુઃખને અંદર જ ધરબી દીધું. ને આધ્યાત્મિક બાબતો પર વળી ગયાં.

બસ ધીરે ધીરે ઘરમાં બાળકોને પણ એવું જ વાતાવરણ આપી મોટા કર્યા.

આજે એક આધ્યાત્મિક લેખિકા તરીકેનું એમનું મોટું નામ કહેવાતું.

એમણે વિલમાં બસ એજ લખ્યું હતું,

‘બધા ધર્મનો સાર છે, હકારાત્મક વલણ અપનાવો. તો મૃત્યુને નકારાત્મક કેમ માનવામાં આવે છે? મૃત્યુ એટલે શરીરનું એક ખોળિયામાંથી બીજામાં પ્રવેશવું જ ને.

જન્મ આનંદ

માણ સદા સર્વદા

ખુશીઓ સંગ

એમ જ માણ જીવ

ઉત્સવ મોત સંગ’

મા નો પડ્યો બોલ સ્વીકારવો એ વિરાબેનનાં બાળકો ને મન એક ધ્યેય હતું.

લતા સોની કાનુગા

—————————–
૨૫…

શીર્ષક : હાથના કર્યા. ….

આખું વરસ રસ્તાનાં છોકરાઓ પાસે ભીખ મંગાવી જલસા કરતો મનન અચાનક પોતાના એક ના એક દીકરાને ગાડીવાળા પાસે ભીખ માગતો ને જ્યારે ગાડીવાળાએ ભીખમાં આપેલ પૈસા લઈ જુગારના અડ્ડામાં જતો જોયો એને આંચકો લાગ્યો.

અંદર ને અંદર પસ્તાવો કરવા લાગ્યો. એણે ત્યારથી જ એ કામ તો બંધ કર્યુ. પણ તો યે એને ચેન ન પડતું. ત્યાં ક્રિસમસ આવી ને એને થયું બાળકોને ખુશ કરવા કંઈક કરું.

મહોરું ચડાવી બાળકો ને આનંદ આપવાનો પ્રયત્ન કરવા લાગ્યો….

જ્યાં મહોરું કાઢી ગાડીમાં બેસવા ગયો,

સામેનું દ્રશ્ય જોઈ રડી પડ્યો.

લતા સોની કાનુગા

———————————–

૨૬

શીર્ષક : ગૃહત્યાગ

જરુરી કામ સર મીરાંએ મુંબઈ જવુ પડે એમ હતું. રિઝર્વેશન ન મળ્યું એટલે ટિકિટ લઇને લોકલ ડબ્બામાં ચડી. સદનસીબે બેસવાની જગ્યા મળી ખરી.

નડિયાદથી આઠ દસ વર્ષની છોકરી નાની થેલી સાથે ચડી. એનાં ચહેરા પર દુઃખમિશ્રિત ગભરાટના ભાવો સાથે મીરાંની સીટ પાસે ઉભી રહી.

ત્યાં ટીટી ટિકિટ ચેક કરવા આવ્યા. એને જોઈને છોકરી રડી પડી. મીરાંને ખ્યાલ આવી ગયો કે એની પાસે ટિકિટ નથી. એની નજર સમક્ષ બાળપણ તરવરી ઉઠ્યુ ને એ બાળક બની ગઈ, જાણે અત્યારે એ જ ટિકિટ વગરની હોય.

કંઈ પુછ્યા વગર દંડ ભરીને મીરાંએ એની ટિકિટ લીધી ને પોતાની પાસે બોલાવી સહજ વહાલથી હાથ ફેરવ્યો.
મુંબઈ પ્રવાસમાં ધીરે ધીરે વિશ્વાસમાં લઈ એ છોકરીનું નામ જાણી લીધું. આજ્ઞા નામ હતું એનું. સાવકી મા થી ત્રાસીને ઘર છોડ્યું હતું. આજ્ઞાને એની સાવકી મા, ઘરનાં તો બધાં કામ કરાવતી પણ જો જરાક કામ બગડે કે મોડું કરે તો ડામ દેતી. એનાં પપ્પાને એ કહી ન શકતી. કેમ કે એમની સામે તો એ ખૂબ સારી હોય એવો જ ડોળ કરતી. મીરાંએ ઘણી સમજાવી પણ એ પાછી ઘરે જવા તૈયાર ન હતી. મીરાંને એ પણ ડર હતો કે જો પરાણે એનાં ઘરે એને મૂકી આવીશ ને કંઇક અજુગતું બને તો? આવા બધાં વિચારને અંતે આજ્ઞાને પોતાની સાથે મુંબઈ લઈ ગઈ.

ત્યાં એક મિટિંગમાં જવાનું હતું એથી એ મુંઝાતી હતી કે આજ્ઞાને ક્યાં રાખું? પણ આજ્ઞા આમે કેમે પાછી જવા નહોતી માગતી અને એને એટલો તો અહેસાસ થઈ ગયો કે ‘હું મીરાં આંટીનું કહ્યું માનીશ તો જ એમની સાથે રહી શકીશ.’

મીરાંએ એને પ્રેમથી સમજાવીને કહ્યું, “હું બહાર મિટિંગમાં ત્રણ ચાર કલાક માટે જાઉં તો તું હોટેલનાં આ રૂમમાં એકલી રહીશ? અહીં કોઈ તને હેરાન નહિ કરે. પણ તારે રૂમની બહાર કુતૂહલતા ખાતર પણ નહીં નીકળવાનું. રૂમમાં જ રહેવાનું. તારી ખાવાપીવાની ગોઠવણ કરીને જાઉં છું.”

આજ્ઞાએ તરત હા પાડી ને બોલી, “આંટી તમે કહેશો એમ જ કરીશ. ક્યાંય બહાર નહિ જાઉં.”

મીરાં બને એટલું જલ્દી કામ પતાવીને રસ્તામાં જ આવતી શોપમાંથી આજ્ઞા માટે જરૂરી કપડાં વગેરે ખરીદી હોટેલ પર આવી ગઈ. એ રાત્રે જ મીરાં આજ્ઞાને લઇને અમદાવાદની રાતની ટ્રેન પકડી સવાર થતાં તો અમદાવાદ એનાં ઘરે આવી.

ઘરે કોઈ પૂછનાર તો હતું નહીં કે આ કોને લઇને આવી છે? એ જ વાત કોઈ વાર દિલના ખૂણે ધરબી રાખેલી લાગણી ‘કાશ કોઈ મારું હોત!’ ફૂંફાડા મારીને બહાર આવવાનો પ્રયત્ન કરતી. પણ એણે કરંડિયામાં પુરી જડબેસલાક ઢાંકણું બંધ કરી દીધું હતું.

પણ આજે એ અંદરથી જોર કરીને બહાર આવી ભુતકાળની ભુતાવળો ને ઓકતી ફૂંફાડા મારતી રહી. એની નજર સામે ફિલ્મની પટ્ટીની જેમ દ્રશ્યો ફરવા લાગ્યાં.

“કેમ તને ના પાડી છે ને ત્યાં નહિ જવાનું? ભણવાનાં ઠેકાણાં નથી ને સ્કૂલમાંથી બારોબાર કોઇને કીધાં વગર જ્યારે ને ત્યારે ઉપડી જાય છે ત્યાં. શું ડાટયું છે ત્યાં? તમારાં બધાનું હું પૂરું કરું છું કે તેઓ?”

હું બીતા બીતા બોલી, “પણ મમ્મી કોઈવાર તો મન થાયને. મેં ફોન કર્યો હતો, તો ખબર પડી કે પપ્પાને તાવ આવે છે. એટલે ગઈ હતી.”

ને મારાં થેલાનો ઘા થયો ને ઘરની બહાર પડ્યો. ‘બસ બહુ થયું હવે આ થેલો કે હું, આ ઘરની અંદર નહિ જઇએ.’ એમ મનમાં ગાંઠ મારી મીરાંએ ઘર છોડ્યું એ છોડ્યું.

એને ક્યારે ય ખબર નહોતી પડતી કે એવું તે શું થયું કે મમ્મી પપ્પા એકબીજાને આટલી હદ સુધી નફરત કેમ કરતાં. ત્રણ ભાઈબહેનમાં પોતે વચલી. મોટાભાઈ તો મમ્મીને કીધાં વગર પપ્પાને મળી આવતાં. બહેન નાની.

મીરાં ઘડીક આજ્ઞા સામે જુવે ને પાછી એની અંદર પોતાની જાતને જુવે. ‘ના ના આજ્ઞાની દશા મારાં જેવી નહિ થવા દઉં.’ મનમાં જ બબડતી પોતે ફ્રેશ થઈ ને આજ્ઞાને પણ મુંબઈથી એનાં માટે લાવેલ કપડાં આપી તૈયાર થવા કહ્યું.

બન્ને સાથે ચા નાસ્તો કરી તૈયાર થયા. બે ત્રણ જગ્યાએ ફોન કરી આજ્ઞાના ભવિષ્યનો પ્લાન વિચારવા લાગી. બપોર થઈ ને વિચારોના વમળમાં ફસાયેલ મીરાંએ ઘરે રાંધ્યા વિના બહારથી જ જમવાનું મંગાવી લીધું. જમીને આડા પડ્યાં. આજ્ઞા તો જાણે વરસોની થાકેલી માંડ હાશકારો મળ્યો હોય એમ ઊંઘી ગઈ. પણ મીરાંને ઊંઘ ક્યાં આવે એમ હતી!

ફરી એ વિચારે ચડી…

ઘરેથી નીકળી ધૂનમાં ને ધૂનમાં સ્ટેશન પર આવીને જે મળી એ ટ્રેનમાં બેસી ગઈ. જ્યારે ટિકિટ ચેકર આવ્યો ત્યારે ગભરાટની મારી રોઈ પડી. એ જોઈ એક મારવાડી દેખાતાં છોકરાએ સહાનુભૂતિ બતાવી. પોતે મદ્રાસ સ્ટેશને ઉતરવાનો હતો ત્યાં સુધીની એની પણ ટિકિટ લીધી. બીજા પણ એક સન્નારી હતાં તેમણે એને પોતાનાં ડબ્બામાંથી ખાવાનું આપી ખવડાવ્યું. બન્ને એ ખૂબ સમજાવી નામ…ક્યાંથી આવે છે? કેમ ઘરમાંથી ભાગી વગેરે પૂછ્યું. પણ તેર વરસની પોતે એટલું તો સમજતી થઈ હતી કે જો સાચું કહીશ તો ફરી ઘરે જવું પડશે. એટલે પોતાનું નામથી માંડી બધું જ ખોટું કહ્યું. મદ્રાસ આવતાં પેલા મારવાડી છોકરાએ રેલવે સ્ટેશનના વિશ્રામગૃહમાં બેસાડી કહ્યું, ‘અહીં જ બેસજે હુ કંઇક તારાં માટેની ગોઠવણ કરી આવું. ને થોડું ખાવાનું સ્ટેશન પરથી લઈ આપી ગયો.

પોતે એકલી અટૂલી બાંકડે બેઠી રહી. ત્યાં બે ત્રણ મવાલી જેવાં આવી છેડતી કરવા ગયા ને પોતે બુમાબુમ કરી મૂકી. ભલું થજો રેલવે પોલિસનું…એક પોલિસ આવ્યો ને દંડો ફટકાર્યો ને બધા રફુચક્કર. મને એકલી જોઈ બધું પૂછી છોકરીઓના આશ્રમ ગૃહમાં મૂકી. એનાં ટ્રસ્ટી મંડળમાં એક ગુજરાતી હતાં. બધી તમિળ તેલુગુ છોકરીઓ વચ્ચે એક જ ગુજરાતી છોકરી જોઈ નવાઈ લાગી.

ને શરૂ થયો મીરાંના જીવનમાં એક નવો અધ્યાય. ઘરકામ…એ કરતાં કરતાં ઘરમાં જ આવેલ મહેમાનની શારીરીક કનડગત. આશ્રયદાતાને ન બોલી શકવાની દયનિય સ્થિતિ…ને ત્યાંથી ભાગી એમ અથડાતાં કુટાતાં આજની એનજીઓ ચલાવતી એક સન્માનનીય નારી સુધીની સફર. કે જેમાં ઘણાં એવાં પણ પાત્રો એનાં જીવનમાં આવ્યા કે એ પ્રાર્થના કરતી રહી કે આ વ્યક્તિ એનાં જીવનમાં ફરી ન આવે.

બીજે દિવસે આજ્ઞાને લઇને એ એક એવી સંસ્થામાં ગઈ કે જયાં એનું ભણતર કોઈ જાતના પેપર વગર શરૂ કરી શકે. જેવી એ બધી ગોઠવણ કરી બહાર નીકળી ને સામે એક જણ આવી ને ઉભો એનો રસ્તો રોકતો. ને આજ્ઞા પર નજર ગઈ ને એનો હાથ પકડ્યો ને મીરાં વિફરી. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ એમાં એ ગુંડાના હાથનું ચાકું મીરાંને મારવા જતાં મીરાંએ એનો હાથ મરડ્યો ને ચાકુ સીધું એ ગુંડાના પડખામાં. ત્યાં તો લોકો ભેગા થઈ ગયાં પણ મીરાંએ જ પેલાને ચાકુ માર્યું સમજી મીરાં પર તૂટી પડ્યા. એટલું માર્યું કે છેલ્લા શ્વાસના ડચકા ખાતી હતી પણ એ વખતે પણ એની નજર તો આજ્ઞા જ્યાં એકલી ઉભી હતી ત્યાં જ સ્થિર હતી.

…….લતા સોની કાનુગા

——————————————————

અદીઠ દીવાલો……. વેલવિશર ગ્રુપના ટાસ્ક માટેની વાર્તા

—————–

માહીને ખુશ જોઈ મારા દિલને રાહત થઈ. “હાશ, માહી કેવી ખુશખુશાલ છે! અત્યાર સુધી મૂરઝાયેલી કળી જેવી લાગતી હતી. માયાના આવવાથી નવું સિંચન થયું જાણે.” મનમાં જ હું બબડ્યો.

“માયા આંટી ક્યાં છો? જુવો હું શું લાવી?”

“અરે બેટા આવું હં”

“અરે જલ્દી આવો ને. નહીં તો હું તમારી કિટ્ટા કરીશ”

“મને શ્વાસ તો ખાવા દે દીકરી!” કહેતા માયાઆંટી હાથ લૂછતાં લૂછતાં બહાર આવ્યાં.
“લો આ જુઓ, મોગરાની કળીઓ આંટી, તમારા માટે મેં આપણાં બગીચામાંથી ચૂંટી. તમને આની સુગંધ બહુ ગમે છે ને”

“હા બેટા, પણ આ કળીઓને તોડાય નહી. છોડ પર જ ખીલવા દેવાય. તો એ હસતાં હસતાં બાગને મહેંકતો રાખે, તારી જેમ જ સ્તો..”

માયા પ્રકૃતિ પ્રેમી ને સાહિત્ય રસિક પણ હતી. માહી સાથે પ્રકૃતિના જતનની વાતો કરતી. માહીને વાંચનનો ખૂબ શોખ એટલે એ બુક્સ વાંચવા લાવે. માયા પણ મોકો મળે ત્યારે એમાંથી વાંચતી રહે. બન્ને એકબીજા સાથે ઘણી વાર સાહિત્યિક ચર્ચા પણ કરતાં. હું એ બધું જોઈ…સાંભળી અંદરથી ખુશ થતો.

મેં બધાંના વિરોધ વચ્ચે માયાને કેરટેકર તરીકે ઘરમાં રાખી હતી. પત્ની વગરના ઘરમાં કોઈ સ્ત્રીને રાખવી એ લોકો માટે ચર્ચા ને ટીકાનો મોકો આપવા બરાબર હતું. બા ઘરમાં હતાં પણ એમની ઉંમર અને નાદુરસ્ત તબિયતને કારણે માહીને સાચવી શકે એમ ન હતાં. મારે નોકરીની મજબુરી. મોટી પોસ્ટને કારણે કામનું ભારણ પણ બહુ રહેતું. એમાં ટીન એજર, મા વિહોણી માહી મુરઝાતી જતી હતી. પણ માયાએ મને શાંતિ ને માહીને ખુશીથી ભરી દીધી હતી.
……………..
હું સોફામાં આંખ મીચીને ભૂતકાળને વાગોળતો હતો. જોતજોતામાં ટીનએજર માહી પરણીને સાસરે પણ જતી રહી. જે ઘર આજ સાંજ સુધી ભર્યુ ભર્યુ લાગતુ હતું એ જ અત્યારે ખાલીપાથી ખાવા દોડતુ હતું. બા પહેલાં જ સ્વધામ ગયા.
હવે…?
માયા મારા જીવનમાં એવી વણાઈ હતી કે …! મને હવે એનાં વગર જીવવું કેમ ફાવશે? હું કોઈ પણ રીતે માયાને રોકવા માગતો હતો. પણ આટલા વરસોએ એક છત નીચે રહેતાં હોવાં છતાં એક અંતર મનથી દોરી રાખ્યું હતું એ કેમ કરીને દૂર કરવું એ જ સમજાતું ન હતું. મનને મનાવતો હતો કે માયાને પણ મારી જેમ આ ઘરની..મારી એવી માયા હોય કે જવાનું નામ ન લે. પણ…

કાશ! આ પણ અમારી વચ્ચે ન આવે.
ત્યાં કંઈક અવાજ આવ્યો ને મારી તંદ્રા તૂટી.

માયા ડ્રોઈંગ રૂમમાં આવી ને બોલી, “મારું કામ પૂરું થયું. મારે હવે જવું જોઈએ.”

મેં રોકવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “ભલે તું બા અને માહી માટે આવી હતી પણ શું આટલા વરસે તને એમ નથી લાગતું કે મને પણ તારી આદત પડી ગઈ છે! શું મારા માટે તું રોકાઈ ન શકે?”

માયા ક્ષણેક મૌન રહી, પછી કહે, “ભલે આપણે એક ઘરમાં રહીએ છીએ પણ આપણે એક મકાનની બે અલગ અલગ દીવાલો છીએ. જે કદી મળી ન શકે. જો એ ભેગી થવા જાય તો ક્યાંક આ સબંધોનું ઉભું થયેલું મકાન કડકભૂસ્સ થતાં વાર ન લાગે. તમને નથી લાગતું કે એને એમ જ ઉભી રાખવી વધારે હિતાવહ છે.?”

મારાથી ન રહેવાયું. મેં એ ઘણી વાગ ગણગણતી પન્ના નાયકની પંક્તિઓ એને જ.. પણ મારી રીતે સંભળાવી,

આપણે ભલે છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો
સંયુક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધનાં દોરાથી!

શું આપણે પણ કોઈ ઋણાનુબંધે જ તો અહીં નહિ જોડાયા હોઇએ? તું તારી જાતને અંદરથી પૂછ. ક્યાંક એવું ન બને કે એક બુકના બે પૃષ્ઠો છુટ્ટા થાયને પાના વેરવિખેર થઈ જાય!”

એ સાંભળીને ક્ષણ બે ક્ષણ આંખો બંધ કરી ઉભી રહી ને એકદમ અંદર જતી રહી.

લતા સોની કાનુગા

________________________

રસ્તા અલગ-અલગ…. વેલવિશર ગ્રુપનાં ટાસ્કની વાર્તા.. મધુરીમા નાં સૌજન્યથી

———————–

રિયા કંઇક ગુસ્સામાં ને વધુ તો અકળામનમાં ઘડીક પોતાની બેગ ભરતી હતી, ઘડીક રૂમમાં આંટા મારતી હતી. તેની આંખ સામે જાણે નાનપણથી અત્યાર સુધીનાં જીવનની યાદો ફિલ્મની પટ્ટીની જેમ પસાર થતી હતી.

ઘરમાં પોતે બે બહેનો ને પપ્પા. મમ્મીનું વ્હાલ તો એના નસીબમાં ન હતું. એની અને બહેન વચ્ચે તેર વરસનો ઉંમરનો તફાવત. પપ્પાએ જ દીકરીઓને મા ને બાપ બન્નેનો પ્રેમ આપી મોટી કરી હતી. મોટીબેન જિયા ભણવામાં હોંશિયાર. એમ તો પોતે પણ કાયમ સારા માર્ક લાવતી પણ મોટીબેનની બરાબરીમાં એ પાછળ. એમાં યે જિયા દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવાની શોખીન. રિયાને પણ ગમતું પણ એ ઘરમાં પપ્પાને મદદ કરવામાં વધારે માનતી. પપ્પા જોબ કરે ને ઘર સાથે દીકરીઓની પણ દરેક જાતની ઈચ્છાઓ પૂરી કરવામાં પોતે પોતાનું તો ધ્યાન જ ન રાખતા.

એક વખત પપ્પાને સખત તાવ આવ્યો હતો. ઉતરવાનું નામ જ લેતો ન હતો. અગિયાર વરસની રિયાથી ન રહેવાયું. એ સ્કૂલમાં રજા પાડીને ઘરે રહી પપ્પાને પોતા મૂકતી જાય ને જેવું સૂજે એવું ઘરમાં કામ કરવા લાગી. પણ જિયાને નો એ કોઈ સંસ્થા સાથે જોડાઈ હતી જે સ્ત્રીઓના અધિકાર માટે લડતી એનાં કાર્યક્રમમાં જવું વધારે અગત્યનું લાગ્યું, એટલે ત્યાં ગઈ. પપ્પાએ પણ એને ખૂબ મોઢે ચડાવી હતી. જો કે રિયા સમજતી થઈ ત્યારથી જ એણે અનુભવ્યું હતું કે જિયાને ઘર ને કુટુંબમાં બધાં વધારે જ લાડ કરતાં. કેમ કે કુટુંબમાં ઘણાં વરસો સુધી એકની એક દીકરી હતી. કાકાઓ અને ફોઈને ત્યાં દીકરાઓ જ હતા. એમાં પોતે આવી ત્યારે જ મમ્મી દુનિયા છોડીને ગઈ. એટલે એ રીતે પણ બધાંની નજરે અળખામણી…બિચારી..વધારે રહી. હા પપ્પાને મન બન્ને દીકરી સરખી હતી. પણ તો યે જિયાની કોઈ ઈચ્છા… કોઈ વાત ટાળી ન શકતા. એ જે કરવાં માગે એ બધું જ કરવા દેતા. એમાં ને એમાં જિદ્દી..ઘમંડી પણ થતી ચાલી જિયા. એમાં બેંકમાં સારી પોસ્ટ પર જોબ પણ મળી ગઈ. એટલે પોતાની આર્થિક સધ્ધરતાનું અભિમાન પણ ભળ્યું. પપ્પા એને લગ્ન માટે ઘણી વાર કહેતા પણ એનાં મનમાં તો પોતાની સ્વતંત્રતા વધારે મહત્વની હતી.

રિયાનાં મનમાં ઘણી એવી વાતો ખટકતી કે એ કોઈને કહી પણ ન શકતી અને મનમાં ને મનમાં મૂંઝાતી. એનું કુમળું મન અજાણતાં જ જિયાથી એને દૂર કરતું ગયું. આમે બન્ને બહેનો વચ્ચે ઉંમરનું મોટું અંતર હતું. ને વિચારોમાં તો જમીન આસમાનનો તફાવત.

ધીરે ધીરે રિયાને અહેસાસ થવા લાગ્યો કે જિયા જે સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છે ત્યાં એની વાકછટાથી સહુ ખૂબ પ્રભાવિત છે. સંસ્થામાં એનું ખૂબ વર્ચસ્વ છે. એનાં ભાષણો યુવતીઓને પ્રોત્સાહન આપતાં. પણ એ જે બોલતી એનાથી વિપરીત એવું વર્તન ઘરમાં રહેતું.

રિયાનું ધ્યાન અધૂરી ભરેલી બેગ પર ગયું ને ફરી વર્તમાનમાં આવી. મન તો ડામાડોળ હતું…રૂમનાં ખૂણાની ટીપોય ઉપર ત્રણ ફોટા ફ્રેમમાં મઢેલા હતાં. એકમાં બન્ને બહેનો સાથે એનાં પપ્પા માથેરાન ફરવા ગયાં હતાં. એ જોઈ રિયાને ત્યાંનું દ્રશ્ય તાદશ્ય થયું…બન્ને બહેનોને ઘોડે સવારી કરવી હતી.. એથી બે ઘોડા ભાડે લઈ સનસેટ પોઇન્ટ જવા નીકળ્યાં. જિયાએ તો ઘોડાને ભગાવી મુક્યો…રિયા પપ્પા સાથે વાતો કરતાં કરતાં ધીરે ધીરે ચલાવતી હતી. સુંદર મજાનું કુદરતી વાતાવરણ માણતાં માણતાં ને ઝરણાં.. પર્વતોની હાળમાળાનું સૌંદર્યપાન કરતાં આરામથી સનસેટ પોઇન્ટ પહોંચ્યા. જિયા તો ક્યારની ત્યાં પહોંચી કોઈની સાથે ગપાટા મારતી ઉભી હતી. જેવો સનસેટ થયો કે પપ્પા કે રિયા સાથે વાત કર્યા વગર જાણે બીજાને બતાવી દેવા માગતી હોય કે, ‘હું તો સારી ઘોડેસવાર છું.’ ઘોડાની લગામ ખેંચી ને મારી મુક્યો ઘોડો. એના પપ્પાનું ધ્યાન હતું જિયાના ઉદ્ધત વર્તન પણ. આમે ઘણાં વખતથી એમનું મન વિચલિત થઈ ગયું હતું જિયાના કારણે. આગલાં મહિને જ રિટાયર્ડ થયાં હતાં. એટલે જ દીકરીઓને ફરવા લઈને આવ્યા હતા. એમાંયે જિયાએ કેટલાયે તાયફા કર્યા હતાં ન આવવા. એને આ બન્ને સાથે ફરવા નહોતું જવું, પણ પોતે પોતાનાં મિત્રો સાથે જવું હતું. માંડ માંડ જાણે ઉપકાર કરતી હોય બન્ને પર એમ બબડી, ‘એક તો રજા મળતી ન હોય ને તમને લોકોને રખડવું હોય!’

ને અચાનક રિયાના પપ્પાનો પગ લપસ્યો ને તેઓ પડ્યા એવું જ હેમરેજ થઈ ગયું. માથાના પાછલાં ભાગમાં જોરદાર વાગ્યું હતું. તરત ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. રિયાએ જિયાને મોબાઇલ કરી જાણ કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો મોબાઇલ સ્વિચ ઓફ જ આવતો હતો. મોડી રાતે જિયા હોટેલ પર પહોંચી ત્યારે એને ખબર પડી પપ્પાના ઍક્સિડન્ટની. તરત પપ્પાને ફોન લગાવ્યો. થોડી વારે જિયાએ ફોન ઉપાડ્યો ને હકીકતથી વાકેફ કરી. પપ્પા તો હવે આ દુનિયામાં રહયા ન હતા, પણ જિયા દોષનો ટોપલો રિયા પર નાખી ઝઘડવા લાગી.

એ બધું યાદ આવતાં રિયાની આંખમાં આંસુ આવી ગયાં. આજે એ વાતને પણ પાંચ વરસ થવા આવ્યાં હતાં.

જિયા તો પરણી નહિ. બસ પોતાનાં કેરીયર અને સમાજ સેવાનાં કામમાં રચીપચી રહેતી. એને નાની બહેન રિયાનાં ભવિષ્યની પણ પડી ન હતી. એ પણ લગ્નની ઉંમરે પહોંચી હતી. એમ.બી.એ. થઈને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. ત્યાં જ એને રાહી નામના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો. બન્ને લગ્ન કરવાના કોલ એકબીજાને આપીને બેઠાં હતાં. પણ જિયાને એ યુવાન અનાથ હોવાથી પસંદ ન હતો એટલે નાની બહેનને ધમકાવ્યા કરતી. રાહી રિયાને દિલથી ચાહતો હતો. એને રિયાનાં પિયર તરફથી કંઈ જ જોઈતું ન હતું. છેવટે રિયા અને રાહીએ સિવિલ મેરેજ કરી લેવાનું નક્કી કર્યું.

પોતાનાં કપડાં ને પોતાની જરૂરિયાતની વસ્તુઓ કે જે એણે પોતે ખરીદેલી હોય એ જ બેગમાં ભરી. કોર્નર ટીપોય ઉપર રહેતાં ત્રણ ફોટાઓમાંથી બે ફોટા લઈને ધીરેથી એ પણ બેગમાં મૂક્યાં. પછી ભારે હૈયે પત્ર લખવા બેઠી.

જિયાદીદી,

‘હું રાહી વગર રહી શકું એમ નથી. આપણાં રસ્તા અહીંથી જુદા થાય છે. ઓહ! હું ભૂલી, આપણાં રસ્તા તો ક્યારેય એક ન હતાં. હું ટીનએજમાં આવી ત્યારથી મેં તને તારી કારકિર્દીમાં વ્યસ્ત જોઈ છે. હું એ જોઈ શકતી હતી કે તું રોજેરોજ એક પગથિયું ચડતી હતી. તારો પાવર, તારી પ્રતિષ્ઠા, તારું નામ, તારા પૈસા.. બધું જ વધતું જતું હતું. પણ સાથે સાથે આપણી વચ્ચેનું ડિસ્ટન્સ પણ વધતું ગયું. આજે હું મારાં તરફથી પણ છેડો ફાડી રહી છું. મને આ ઘર કે પપ્પાની કોઈ મિલકત નથી જોઇતી. આ સાથે બે કોરાં પેપર ઉપર સહી કરતી જાઉં છું. જેથી તને બધું તારાં નામ ઉપર કરતાં સરળતા રહે. એ સહી સિક્કાને બહાને પણ આપણે ફરી મળવાની જરૂર ન પડે. ભવિષ્યમાં મને કોઈ તકલીફ આવશે તો પણ તારે આંગણે નહિ આવું.

તું માને કે ન માને પણ તારી નાની બહેન રિયા.’

પત્ર લખીને કવરમાં મુકતા મુકતા તો કવર આંસુઓથી ખરડાઈ ગયું. રિયા ઝડપથી ઉભી થઈ બેગ હાથમાં લઈ એક સરસરી નજર ઘરમાં નાખતી ઘરની બહાર નીકળી ગઈ. ને તાળું મારી એમની કાયમી જગ્યાએ ચાવી મૂકી પાછળ જોયા વગર બહાર વાટ જોતા રાહીનો હાથ પકડી ચાલી નીકળી એક નવું જીવન જીવવા રાહી પરના વિશ્વાસે.

લતા સોની કાનુગા

_____________________________________

દીકરીની નજરે જોતી મા… વેલવિશર ગ્રુપનાં ટાસ્કની વાર્તા .. મમતા વાર્તા માસિકનાં સૌજન્યથી

————————–

“આશ્કા, બેટા આ રવિવારે તને જોવાં છોકરવાળા આવવાનું કહેતા હતાં. તો એમને હા કહું ને?”

“મમ્મી, તને કેટલી વાર કહ્યું કે હું લગ્ન કરવાં નથી માંગતી. આ બધાં જોવાના નાટક ન રાખ ને. ખાલી એ લોકો આવે ને મારે ના પાડવી પડે.”

“બેટા, તું બરાબર વિચારી લેજે. આખી જિંદગીનો સવાલ છે. બાકી તને ખબર છે કે અત્યાર સુધી દરેક વાતમાં તને સપોર્ટ કર્યો જ છે. આપણે બે તો છીએ એકબીજાના સપોર્ટર.”

જિજ્ઞાબેન એમ કહી એમની રૂમમાં જતાં રહ્યાં. આશ્કા કોમ્પ્યુટરમાં કંઇક કામ કરતી હતી એટલે વધારે ડિસ્ટર્બ કર્યા વગર.

પથારીમાં પડ્યાં પડ્યાં વિચારે ચડ્યાં… સાસરિયા ને પતિના ત્રાસથી કંટાળી દીકરીને લઇને પહેલાં પિયરમાં થોડાં દિવસ રહ્યાં. પણ ભાઈ-ભાભીના સહારે આખી જિંદગી નહિ કઢાય એ જાણતાં હતા. એટલે એક નાનો ફ્લેટ ભાડે લઈ દીકરી સાથે રહેવા લાગ્યાં. પોતે લોકોને ત્યાં રસોઈ બનાવવાના કામ ને સિલાઈકામ આવડતું હતું એથી વધારાના સમયમાં એ પણ કરી જીવનનિર્વાહ કાઢતા. ત્યારે આશ્કા નવમા ધોરણમાં હતી…ટીન એજ ઉંમર…એ આ બધાં વાતાવરણમાં મોટી થતી હતી એટલે એ રીતે ઘડાતી હતી. પોતે પણ નવી વિચારસરણીને અપનાવવાની વૃત્તિ વાળા. એટલે દીકરીને મુક્ત પણે ભણવા દીધી ને એની રીતે કેરિયર બનાવવા દીધું. જીવવિજ્ઞાનમાં એમ.એસ.સી. થઈ એક મોટા રિસર્ચ સેન્ટરમાં જોબે ચડી. હવે ધીરે ધીરે જીવન થાળે પડવા લાગ્યું. થોડી જિજ્ઞાબેનની બચત હતી ને બાકી આશ્કાએ બેન્ક લોન લઇને બે બેડરૂમનો એક ફ્લેટ ખરીદ્યો. એ વખતે જિજ્ઞાબેન તૈયાર ન હતા ઘર લેવા. એમણે તો દીકરીને પરણાવવા ધીરે ધીરે રકમ ભેગી કરી હતી, પણ આશ્કાએ મમ્મીને સમજાવીને પોતાનું ધાર્યું કર્યું.

મા દીકરી આમ તો એકબીજાના સહારે મજેથી જીવતાં હતાં, પણ એક મા તરીખે જિજ્ઞાબેન દીકરી પરણીને એનું જીવન શરૂ કરે એવું ઇચ્છતાં. આશ્કા પોતાની મમ્મીની ભાવના નહોતી સમજતી એવું ન હતું પણ એ પોતાની રીતે જ જીવવા માગતી હતી. એણે લગ્ન નહિ કરવાનું મનથી નક્કી કર્યું હતું.
………………………………………
ઓફિસથી આવતાંવેંત જિજ્ઞા મમ્મીને વળગીને બોલી,

“મમ્મી ચાલ આ વિક એન્ડમાં આપણે ક્યાંક ફરવા જઇએ. આમે મને બીજો શનિવાર છે એટલે રજા છે. આપણે ઘણાં વખતથી ક્યાંય ગયાં નથી.”

જિજ્ઞાબેન ખુશ થયાં. મનમાં વિચાર્યું, ‘એ બહાને આશ્કા સાથે ખુલ્લા મને વાત પણ થશે. આખો વખત કામમાં બીઝી હોય છે તો નવરી પણ નથી થતી વાતો કરવાં.’

જિજ્ઞાબેનને કુદરતી વાતાવરણ વધારે ગમતું. આશ્કા પણ મા જેવી જ સ્વભાવવાળી હતી. એને પણ કુદરતના ખોળે રમવું ગમતું, પણ પહેલાં ભણવા ને પછી જોબમાંથી નવરી જ ઓછી પડે. મા-દીકરી બન્નેએ નક્કી કર્યું નર્મદાના કિનારે કોઈ જગ્યાએ ફરવા જવાનું. ભરૂચ અને બરોડા વચ્ચે માનપર નાનું પણ નર્મદા કિનારે વસેલું ગામ. બન્ને ત્યાં ગયા.

વહેલી સવારે હજુ તો સૂરજ પણ ઉગ્યો ન હતો ને ઉઠીને આશ્કા નદીકિનારે જઈ બેઠી. જિજ્ઞાબેન પણ એની પાછળ ત્યાં આવ્યાં. એક પથ્થર પર નદીમાં પગ રહે એમ બન્ને બેઠાં. કેટલીયે વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહિ. બસ નદીનો ખળખળ વહેતો અવાજ ને પંખીઓનું ધીરે ધીરે આવવું…પાણીમાં રમવું, એ બધું માણતાં રહ્યા. ત્યાં પૂર્વ દિશામાં ધીરે ધીરે દિવાકરનું આગમન થયું. બન્ને ધીરેથી નદીમાં ઉતર્યા ને હાથમાં પાણી લઈ સૂરજ સામે ધરી અંજલિ કરી. પછી ખૂબ નાહ્યા. ફરી એમ જ ભીનાં કપડે જ પથ્થર પર જઈ બેઠાં.

જિજ્ઞાબેન મનમાં ક્યારની ઘોળાતી વાતને હોઠે લાવ્યા વગર ન રહી શક્યા. ધીરેથી બોલ્યાં,

“આશ્કાબેટા આમ ક્યાં સુધી કુંવારી બેસી રહીશ? તું સત્યાવીસ વરસની થઈ. તું તો સાયન્સ ભણી છે. જો સમયસર નહિ પરણે તો તારે ભવિષ્યમાં મા બનવું હશે તો વધતી ઉંમરે તકલીફ થશે, એનો તો વિચાર કર.”

મા દીકરી વચ્ચે પહેલેથી ખુલ્લા મને વાત થતી. જિજ્ઞાબેન આશ્કા સાથે ને આશ્કા પણ મમ્મી સાથે, બન્ને એકબીજા સાથે બધી જ વાતો નિઃસંકોચ શેર કરતાં.

“મમ્મી તું ચિંતા ન કર. હું પરણવા જ નથી માંગતી પણ મા નહિ બનું એવું નથી. એ માટે મારે લગ્ન કરી કોઇના બંધનમાં બધાંવાની જરૂર નથી.”

“તું શું કહેવા માગે છે મને સમજાતું નથી બેટા.” એક કાંકરી લઈ નદીમાં નાખતાં જિજ્ઞાબેન બોલ્યાં ને એ કાંકરીના પાણીમાં પડવાથી થતાં નાના વમળને જોતાં રહ્યાં.

આશ્કાના ધ્યાન બહાર ન હતું. અત્યારે એની મમ્મીના મનમાં ઉઠતાં વિચારોના વમળને એ અનુભવી શકતી હતી. ધીરેથી પોતાનો હાથ મમ્મીના હાથ ઉપર મૂકી બોલી,

“મમ્મી, આ નદી…કુદરત..સૂરજની સાક્ષીએ તને કહું છું કે હું કોઈ ખોટું કામ નહીં કરું. હવે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે બાળક પેદા કરવાં મારે પુરુષનું પડખું માણવાની ને પછી આખી જિંદગી એની જોહુકુમી ચલાવવાની…એના ઈશારે નાચવાની જરૂર નથી.” આશ્કા એક શ્વાસે બોલી ગઈ. એને જે નાનપણથી પોતાની મમ્મીની હાલત જોઈ હતી એ એ ભૂલી ન હતી. આગળ બોલી, “તું કેમ મને લઇને અલગ થઈ? એવું હું મારાં જીવનમાં નથી ઇચ્છતી.”

“તને કોણે કહ્યું કે બધાં પુરુષ એક સરખા હોય?” જિજ્ઞાબેન બોલ્યાં. તેઓ કંઈ આગળ કહેવા જાય એ પહેલાં જ આશ્કા બોલી,

“હું એમ ક્યાં કહું છું. પણ હું મારી રીતે મારું જીવન ઘડવા માગું છું, ને મને પુરી તારાં પર શ્રદ્ધા છે કે મને તું પૂરેપૂરો સાથ આપીશ.”

જિજ્ઞાબહેને આશ્કાનો હાથ જે ક્યારનો એમનાં હાથ પર હતો એ પોતાનાં બે હાથની વચ્ચે મજબૂતીથી પકડ્યો ને બોલ્યાં,

“બેટા ભલે હું બહુ ભણેલી નથી પણ નવાં વિચારોને અપનાવવામાં માનું છું. તારી નજરે નવી દુનિયા જોવી..અનુભવવી મને ગમે છે, કેમ કે તું જ મારું સર્વસ્વ છે. પણ મારાં મનમાં ઉદભવતાં પ્રશ્નોનું નિરાકરણ આવે તો હું તને…તારી વાતોને સંમતિ આપું ને!”

આશ્કા પણ મમ્મીની એકદમ લગોલગ આવી એમની આંખોમાં આંખ પરોવી બોલી,

“મમ્મી મારી સામે જો, તને લાગે છે આ તારી દીકરી તારી સંમતિ વગર કંઈ પગલું ભરે? તું જ મારાં ઘડતરનો પાયો છે. આપણે બન્ને જીવનભર સાથે જ રહીશું. જો તું મને સાથ આપે તો હું બાળકની મા પણ બની શકું.”

જિજ્ઞાબેન મુંજવણ ભરી નજરે આશ્કા સામે જોતાં રહ્યાં કંઈ બોલ્યાં વગર. એમને એમની દીકરી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, પણ એ શું કહેવા માગે છે એ સમજવા મથી રહ્યાં હતાં. મુક સંમતિથી એમણે ડોકું ધુણાવ્યું અને દીકરીના હાથને પંપાળતા રહ્યાં. આશ્કા એટલામાં જ બધું સમજી ગઈ. મમ્મીના સ્નેહ ભર્યા સ્પર્શને માણતી રહી. એને એનાં નિર્ણય માટે એની જ જરૂર હતી. ધીરેથી પણ મક્કમ અવાજે એ બોલી,

“હું એકવીસમી સદીની નારી છું. બાળક માટે મારે લગ્ન કરવાની જરૂર નથી. હવે વીર્યબેન્કમાંથી આપણને જોઇએ એવાં ઉચ્ચ કોટિના વીર્ય મળી રહે છે. હું વીર્યબેન્કમાં અપ્લાય કરીશ. જે દ્વારા થોડા મેડિકલ ટેસ્ટ કરી હું મા બની શકું. પણ એ માટે મને તારી હૂંફની જરૂર છે મમ્મી! તું આપીશ ને!”

જિજ્ઞાબેન કંઈ બોલ્યાં વગર આશ્કાની વાતને સમજવા મથી રહ્યાં. અને લાગલાં આશ્કાને પોતાની બાહોમાં સમાવી લીધી ને વ્હાલ વરસાવતાં રહ્યાં.

લતા સોની કાનુગા

_____________________________________

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s