Monthly Archives: March 2017

પરીક્ષાનો ખંડ 

પરીક્ષાનો ખંડ (આ લેખ કોલેજના પહેલા વર્ષે કોલેજ મેગેઝીનમાં 1973..74 માં છપાયો હતો) 

પ્રી.યુની. લતાબેન સોની

વ્યક્તિના બે પાસા છે બાહ્ય અથવા શારીરિક અને આંતરિક અથવા માનસીક. ઘણાને સુંદરતા વારસાગત છે, તો ઘણાને બુદ્ધિ. આ બંને નો સંયોગ એટલે જ ‘પડછંદ વ્યકિત્વ’ સામાન્ય માં સામાન્ય વ્યક્તિ પણ પોતાનામાં રહેલા બંને પ્રકારના ગુણોથી જ્ઞાત હોય છે અને જયારે સમય આવે ત્યારે પોતાની પૂરી પૂરી શક્તિ નો ઉપયોગ કરી તેનો પ્રદર્શન કરવા ચાહે છે અથવા એમ કહો કે લોકો ને તે પોતાના વ્યક્તિત્વનું ઉજળું પાસું બતાવા ચાહે છે.
      

જીવનમાં અમુક પ્રસંગો એવા છે જયારે એક કરતા બીજા પાસાનું વધુ મહત્વ હોય છે. દા.ત. લગ્ન – આ વખતે બાહ્ય શારીરિક સુંદરતાની કિંમત વધુ અંકાય છે તેથી વરરાજા બને તેટલા વધારે ઠાઠમાઠથી પોતે વધારે સુંદર દેખાવડા છે તે બતાવવા પ્રયન્ત કરે છે અને લોકો પણ તે જ જોવે છે . બીજો પ્રસંગ છે પરીક્ષા – અહી શારીરિક સૌન્દર્ય કરતા માનસીક પરિપક્વતા વધુ અગત્યની છે. બુદ્ધિશાળી વિદ્યાર્થી અહી બધાની નજરમાં આવે છે નહીકે તંદુરસ્ત અને દેખાવડો. આ બંને પ્રસંગો એ જુવાનો એટલા બધા તેમની જાત વિષે સજાગ હોય છે કે ઘણી વાર હાસ્યસ્પદ બને છે.
     

જેમ દેખાવડા વરને વધુ ઠઠારો કરવાની જરૂર નથી તેમ હોશિયાર વિદ્યાર્થી નેપણ વધુ પડતું પરીક્ષા ખંડમાં વાંચવું પડતું નથી. જો કે તેના બીજા કારણો પણ છે. એક કારણ એ છે કે તેઓ માનસિક રીતે શાંત હોય છે તેમને વિશ્વાસ હોય છે કે જેવું પ્રશ્નપત્ર આવે તેનો તેવો સારી રીતે જવાબ આપી શકશે  અને ખરું પૂછું તો આ આત્મશ્રદ્ધા જ તેમને જીતાડે છે.
      

આપણે હવે એવા પરીક્ષા ખંડની મુલાકાત લઈએ જ્યાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ પદાર્થ રસાયણનું પેપર આપવાના છે. છેલ્લો ઘંટ પડવાને હજી પાંચ મિનીટ ની વાર છે અને જુઓ કેટલો કોલાહલ છે….જુઓ આ એ વિદ્યાર્થીઓ જેમને આખું વર્ષ ચોપડી હાથમાં લેવી નહોતી ગમતી તેઓને અત્યારે તે મુકવી ગમતી નથી. શું કુદરતની લીલા છે ..?
દરેક જણ આજુબાજુની વસ્તુઓનું અસ્તિત્વ જાણે એમના માટે નથી તેમ હાથમાં ચોપડીઓ લઇ એકાગ્રતાથી વાંચી રહ્યા છે પણ કાશ ! રોજ ફક્ત એક જ કલાક આટલી એકાગ્રતાથી વાંચ્યું હોત તો આજે આમ વાંચવાનો વખત ના આવત. ચાલો,
જવાદો. હવે જરા બીજી તરફ નજર નાંખીએ જુઓ, પેલી બાજુ એ બે વિદ્યાર્થીનીઓ તેમની બહેનપણીને ધીરજ આપે છે .
બિચારી પરીક્ષાના ‘હાઉ’થી એટલી તો ગભરાઈ ગઈ છે કે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે
‘નર્વસ’ થઇ ગઈ છે.
 

ચાલો હવે ‘વોર્નિગ બેલ’ થયો બધાને નછુટકે અત્યારે પ્રિયમાં પ્રિય પુસ્તકમાંથી છુટા પડી પરીક્ષા ખંડમાં
દાખલ થાય છે અને ધીમે ધીમે ગણગણાટ, અવાજ બધું જ બંધ ! પ્રશ્નપત્રો મળ્યા પછી તો શાંતિ એવી થઇ ગઈ કે જાણે કોઈ ની હસ્તી જ નાં હોય. વચ્ચે કોઈની ઉધરસ કે સુપરવાઇઝર ના ચંપલ, બૂટ ના અવાજ સિવાય સાવ જ શાંતિ – જાણે સ્મશાન !
  

પેલા એક કલાક માં તો બધું ગણગણાટ કે બીજું સંભળાતું નથી પણ પછી નું દ્રશ્ય ધીમે-ધીમે સરકતા રંગ મંચ ની જેમ બદલાતું જાય છે. અહી પોતાનું પાણી બતાવવા આવેલા ઘણાંમાં પાણી ખલાસ થઇ જાય છે એટલે ‘ઓર્ડર’ કરીને તેઓ મંગાવે છે અને પ્યાસ બુજાવે છે. બીજા અમુક અમુક ઈશારા અને ગણગણાટથી પાડોશી ધર્મ બજાવવો શરુ કરે છે.બીજા ‘જેમ્સ બોન્ડના ચેલાઓ’ ચાલક માં ચાલાક સુપરવાઈઝર ની નજર છુપાવી લાવેલા કાગળમાંથી ‘કોપી’ કરે છે અથવા પોતાની લખેલી ‘સપ્લીમેન્ટરી’ પણ પાસ કરી શકે છે. જોકે બીજા એવા અર્જુન જેવા પણ છે , જેમને અર્જુન ની જેમ ફક્ત ‘આન્સર પેપર’ અને ‘પેન’ સિવાય કશુજ દેખાતું નથી.
    

હવે જરા પેલી બાજુ જુઓ, પહેલી લાઈનમાં વચલી બેંચ પર બેઠેલી લાલ બેલ બોટમ વાળી વિદ્યાર્થીની ને જોઈ !
તમે ! કેટલી ભોળી લાગે છે મ્હો પરથી ! કેવી આરામથી ગાલ પર હાથ રાખીને બેઠી છે. અત્યારે ત્રણ વચલી આંગળીઓ ગાલ ઉપર છે. હવે જુઓ ! હો કે ! એ ….એ….થઇ ગઈ ને પાંચે પાંચ ગાલ પર ! હવે હાથ લઇ લીધો અને ફરી મુક્યો !
પડી કશી ખબર ? સી.આઈ.ડી. ને ય આંટી નાખે તેવી ‘કોડવર્ડ’ પદ્ધતિ છે ને ? પેલા ખૂણામાં બેઠલા ભાઈ જોયા ? તેમની સાથે આ વિદ્યાર્થીની પેપરમાં ના ‘જોડકા જોડો ‘ પ્રશ્નની આપ-લે કરી રહી છે, આવું તમને આવડે ?
       

આવા તો ઘણા નમુના અહી છે, ફક્ત ગોતી કાઢવા માટે નજર જોઈએ. ઘણા તો સુપરવાઈઝર સામે ‘સ્માઈલ’ કરી પોતાનું કામ પતાવે છે, તો ઘણા તેની નજર ચૂકવીને સુપરવાઇઝર ને તેમના પ્રત્યે એક રહેમ નજર કહો કે તેમના પ્રત્યે બેખબર વિધાર્ય્થીઓ ને જાણે ઘણું બધું આપતી હોય તેવું લાગે છે. ઘણા બધા આત્માઓ વચ્ચે પરમાત્મા ફરતા હોય તેવું લાગે છે અને પરમાત્માની રહેમ નજર કૈક આત્માઓ ને મોક્ષ અપાવે છે.
   

આતો આજે બધું સમાન્ય છે, પણ આવું થાય તેના કારણો જાણવાની કોઈએ દરકાર કરી છે ? આવી રીતે ચોરી કરતા પકડાય તેને સજા કરવા સિવાય પરીક્ષકો એ કદી એમ વિચાર કર્યો છે કે શા માટે તેઓ ચોરી કરે છે ? આપણી  પરીક્ષા પદ્ધતિ જ એવી છે. જેમાં વિદ્યાર્થીઓ એ બધું ગોખીને આવવાનું હોય છે અને પરીક્ષા થાય છે, યાદ શક્તિ ની નહીકે બુદ્ધિની અને ચતુરાઈની. શું એ શક્ય નથી ગમે તેટલા બુદ્ધિશાળી વિદ્યાર્થીને આખા થોથાને થોથા ગોખી મારતા ના આવડે ? અને ઘણા ગોખી શકનારા સાવ પોપટ જેવા જ હોય છે છતાં પરીક્ષામાં પ્રથમ આવીને ઉભા રહે. બીજો પ્રશ્ન છે સમય નો, આપેલા ત્રણ કલાક માં વિદ્યાર્થી એ મગજ માંથી બધુજ ‘ઓકી’ નાખવાનું હોય છે અને ઘણાને ઝડપથી લખવાનીકે વિચારવાની ટેવ ન હોવાને કારણે આપેલ સમયમાં આવડતું હોવા છતાં લખવામાં તકલીફ થાય છે. આથી જ પરીક્ષાનો મુખ્ય હેતુ માર્યો જાય છે અને વિદ્યાર્થીની ઝડપ કે યાદ શક્તિનું  પ્રદર્શન થાય છે. આથી જ પરીક્ષા હોલ જેવા પવિત્ર સ્થળે  ઉપર દર્શાવેલા પ્રસંગો સાવ સામાન્ય બને છે. પેપરો પૈસા આપી ખરીદવા કે પૈસાના જોરે સર્ટીફીકેટ મેળવવા તે પણ સામાન્ય થઇ ગયું છે તેથી જ તો આવી પરીક્ષાઓમાં એને પાસ થવું અને પુરુષાર્થ કરતા પ્રારબ્ધની વાત કહેવામાં આવી છે.
ઘણા મહાન પુરુષો પણ આવી પરીક્ષા પદ્ધતિમાં નાપાસ થઇ શકે છે.
 

અંતે જો મહાન શાયર મિર્ઝા ગાલિબે પણ પરીક્ષા આપી હોત તો એમનો શેર બદલી ને લખત કે –
                  इम्तहाने गालिब निक्म्मा कर दिया
               वरना हमभी आदमी थे काम के    
                      લતાબેન સોની ‘કાનુગા’

કેન્સરની ઉડાવી ફીરકી ભાગ 2

કેન્સરની ઉડાવી ફીરકી ભાગ 2


આ હાળુ કેન્સર ચીંટકુ તો ખરું હોં. એક વાર જેનું શરીર ગમી ગયું એનાં શરીરમાં ફરી ફરી પેસારો કરવાનું ન છોડે.

એક વાર શરીરમાં લખોટી જેવી ગોળીઓની જેમ ભરાયો હતો એને ચીરીને અને  કેમોની મસમોટી દવાની સોયો મારી મારીને ભગાડ્યો તોય પાછો ભરાયો એ જ શરીરમાં.

એ તો ભલું થજો મારા ખૂબ ભરાવદાર  લાલ  મ્હોં ને આંખનું કે એ જોઈને કોઈ કોઈને બીક લાગવા મંડી. બાપડા ખોટા ખોટા મારાથી બીવે એટલે થયું ડૉકટરને બતાવીએ. પહેલાં તો લોહી બરાબર પહોંચતું નથી મ્હોં પર,  એવું નિદાન આવ્યું. એટલે હ્રદયનાં જાણકારને બતાવ્યું. ત્યાં ઈકો કાડીયોગ્રામ કાઢ્યો. એ મશીનમાં પણ જબરા અવાજો આવે હોં! ઘડીક કુતરા ભસતાં હોય એવાં તો ઘડીક ડચકાં ખાતા નળ જેવાં. ત્યાં તો એક જ વાતની ખબર પડી કે વાલની દિવાલ મારી જેમ જાડી થઈ રહી છે. હા, એમાં ડોકટરને કંઈક હ્રદયની નજીક લટકતું લાગ્યું. એટલે એ શું લટકે છે એ જોવા MRI  અને ફુલ બોડી સીટી સ્કેન કરવાનું, મારા કેન્સરનું ઓપરેશન કર્યુ હતું એ ડૉકટરે સુચવ્યું. ( પહેલાં પણ દર છ મહિને ફુલ બોડી સીટી સ્કેનનો ટેસ્ટ કરાવવો પડતો જ) જોકે  શરીરનાં જે ભાગમાં પહેલાં ઓપરેશન થયું હતું ત્યાં જ ત્રણ ગાંઠો તો દેખાણી ને એ કેન્સરની જ છે એ પણ ખ્યાલ આવ્યો. પણ અંદરની ગડબડની ખબર પણ લેવી રહી ને!

પણ મારા સદનસીબે દિવાળીની રજાઓ આડી આવી ને ટેસ્ટ કરવાનો કાર્યક્રમ લંબાયો. મને હાશ! થઈ. માંડ સીંગાપોર અને ક્રુઝમાં છ દિવસનો કુટુંબ સાથે પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, એમાં ફાચર પડત. કારણ કે એ પ્રવાસના ચાર દિવસ પહેલાં જ આ ચીટકુએ દેખા દીધી છે એનો અંદાજ આવ્યો હતો.

હવે તમે જ કહો! આવો મસ્ત પ્રવાસ ગોઠવ્યો હોય ને એની ટાંયટાંય ફીસ થાય એ થોડું ચાલે?

આ બંદા તો એયને છ દિવસ જલસા કરતાં રહ્યા. મોકો મળે એટલે ઝાકુઝીમાં પડ્યાં રહેવું, ને નહિ તો ફુડ કોર્ટમાં મસ્ત મસ્ત ઝાપટવાનું.
આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે!

ફરીને આવી ત્યાં તો પ્રયોગશાળા  (લેબોરેટરી) ખૂલી ગઈ હતી, એટલે ટેસ્ટ કરાવી, રીપોર્ટ મારા કેન્સરનું ઓપરેશન જેમણે કર્યુ હતું એ ડોકટરને બતાવ્યો. તેઓ રીપોર્ટ જોઈને પહેલાં તો ‘મીરેકલ, મીરેકલ’ એમ જ બોલીને અટક્યાં.

પહેલા તો અમને સમજ ન પડી…અરે રીપોર્ટ જોઈને ડોક્ટરને પણ સમજ નહોતી પડી કે, આવા રીપોર્ટ વાળી દર્દી મારી સામે જીવતી બેઠી છે! સારું થયું કે મને ભૂત સમજી ભગાડવા ભૂવાની જરૂર ન લાગી એમને!

એમાં થયું હતું એવું કે પહેલી વખતનાં બ્રેસ્ટ  કેન્સરની સારવાર સ્વરૂપે કેમો લેવા મારા ગળાની નીચેના ભાગમાં પોટ મુકવામાં આવ્યો હતો. એની નીચે એક નળી હોય જે ધમનીની અંદર જોડેલી હોય, એટલે દવા એ નળી વાટે સીધી આડીઅવળી ડાફોળીયા માર્યા વગર લોહીમાં ભળે. એ નળી સાથેનો પોટ પાંચેક વર્ષ સુધી એમ જ શરીરમાં રાખી શકાય. જેથી ફરી વાર કેમો આપવાની જરૂર પડે તો સરળતા રહે. એટલે સમજોને કે, હવે જે દવા કરી હોય તે અઠ્ઠેગઠ્ઠે જ ને! લાગ્યું તો તીર નહીં તો ફરી તીર તાણવાનું. એ બે તીરની વચ્ચે જો દુશ્મનનું તીર વાગી જાય તો ભોગ તમારા!

ને સાચ્ચે વચ્ચે જ (બે વર્ષમાં જ) મને દુશ્મનનું તીર વાગ્યું. દુશ્મનેય જાણતો હશે કે આ બધી રીતે (તન, મન, ધન) ખમતીધર છે.  એને જ પકડો.

અરે હું તો આડે પાટે ચડી ગઈ. થયું હતું એવું કે એ રીપોર્ટ પ્રમાણે તો મારા શરીરમાં જે પોટ સાથે નળી ધમની સાથે જોડી હતી એ ધમનીમાંથી છુટ્ટી પડી ને લટકતી હતી. ખરેખર તો આવા સંજોગોમાં ધમનીમાંથી એ જગાએથી લોહી વહેવા માંડે ને શરીરમાં પ્રશરે…મેડિકલ ભાષામાં ઈંટરનલ બ્લિડીંગ કહેવાય. જો એવું વધારે વખત સુધી રહે તો માણસ મરી જાય.

પણ આ બંદા એમ કંઈ મરે નહિ હોં! કેટલાંય દિવસ પહેલાં નળી છુટ્ટી પડી ગઈ હોવા છતાં હું તો જલસા કરતી હતી. જાડી ચામડીના હોય એને અસર ન થાય…એવું કહેવાય છે. હું જાડા લોહીની હોઈશ એટલે જ મને અસર ન થઈ ને!

ટેસ્ટનાં રીપોર્ટ પ્રમાણે કુલ પાંચ ગાંઠ હતી.

એમાં ત્રણ એજ બ્રેસ્ટની જગ્યાએ ઉપરના ભાગે દેખાય એમ. બે મારી જેમ વધારે તોફાની તે તોફાન કરતાં કરતાં છેક હ્રદયને મળવા પહોંચી ગઈ, ને એને અડીને લટકી રહી હતી. બીજી ફેફસાના ફુગ્ગાને અડીને લટકી રહી.

આ વખતે બ્રેસ્ટ કેન્સર તો ન કહેવાય પણ શરીરના કોઈપણ ભોગે થતી કેન્સરની ગાંઠ.

આ વખતે મારું ધાર્યુ થયુ. પહેલી વખત તો મારી ઈચ્છા વિરુદ્ધ બાળકો આગળ ઝૂકવું પડ્યું હતું ને કેમોની પારાયણ થઈ. પણ આ વખતે કેમો કે રેડિયો થેરેપી કંઈ જ લેવાય એમ ન હતું.  હ્રદય ને ફેફસાનો સવાલ હતો ને!  મારો નહીં હોં!


મુખેથી લેવાની દવા કામ કરી જાય તો કેન્સરને હાર આપી શકાય. બાકી ચારથી છ મહિનાની વાત હતી….

પહેલા તો પોટને શરીરમાંથી છુંટું કરવા નાનું ઓપરેશન કરવામાં આવ્યું.

અઠવાડિયામાં જ મારા ભત્રીજા અને ભાણીના એમ બે લગ્ન માણવાના હતા. ડિસેમ્બરની ઠંડી ને એમાં માવઠું આવ્યું. થઈ રહ્યું. મને શરદી થઈ ને એમાં ઓપરેશનમાં લીધેલ ટાંકા સખણા ન રહ્યા. ભાણીના લગ્નના આગલા દિવસે જ એ દોરીથી છુટ્ટા પડી ગયા. બે વેઢા જેટલો ભાગ ખુલી ગયો…પણ બંદા કંઈ એમ હાર ન માને! ખુલ્લા ભાગ ઉપર દવા લગાડી ડ્રેસિંગ કરીને તૈયાર થઈ  ગયા. જો કોઈને ખબર પડે તો લગ્ન છોડી ઘરે જવાની વાત કરે ને! લગ્ન સુરત હતાં. જો ઘરના ને ખબર પડે તો અમદાવાદ ભેગા થવું પડે. ને રંગમાં ભંગ પડે…ખાલી ખોટા બધાની દોડધામ વધી જાય. વળી મારી પ્રસંગ માણવાની મજા બગડે ને! પ્રસંગ પત્યાં પછી ઘરનાંને જણાવ્યું એટલે મારતે ઘોડે (એટલે કે કારને ભગાડી અમદાવાદ હોં, ઘોડા પર નહીં!) અમદાવાદ.
બીજે દિવસે ફરી ટાંકાની પળોજણ.

મેડિકલ રીતે જે સ્થિતિ શરીરની અંદરની હતી એ પ્રમાણે ભલે ચાર છ મહિનાની વાત હતી, પણ એમ કંઈ આ બંદા પીછેહઠ કરે એમ ક્યાં છે??? એ ચાર છ મહિનાની મુદતને પણ દવા સાથે ઘોળીને પી ગઈ.

લતા સોની કાનુગા

છૂટકારો
“કનુ તુ આવ્યો ને મને પણ છૂટકારો મળ્યો હો! હાશ! કેટલા વર્ષોથી હું ગુંગળાતો હતો.”

“દાદા સાચી વાત. પણ એમાં ને એમાં મારાથી અહી આવવાની ઉતાવળ થઈ ગઈ ને!”

“કેમ કનુ એમ કહે છે? મને મળવાનુ તને ન ગમ્યુ?”

“દાદા તમને તો હર ઘડી નીચે મળતો જ હતો ને. હવે તમને લોકો ભુલી ન જાય એટલે મારે

રહેવાની જરુર હતી એવું તમને નથી લાગતુ?”

“વાત તો સોનાની કરી હો. હવે તો બધા મને ભુલી જશે.😪”.

બાપુના ડુસકાના અવાજથી હું જાગી ગઈ. 

લતા સોની કાનુગા
8.11.2016

આજે સવાર સુંદર રહી. ઘરઆંગણે માણ્યો નઝારો ને મોબાઇલમાં કેચ કર્યા વગર ન રહી શકી.

આજની નારી આ ગુંથણીની જેમ જીવનમાં દરેક ક્ષેત્રે દોડ લગાવે છે. ને સફળતા પણ મેળવે છે. 

નારી એ પણ મહત્ત્વનું કામ છે કે કુટુંબના દરેક સભ્યોને એક તાંતણે બાંધી રાખે. એ માટે આ ગુંથણીમાં જેમ દોરાને ગુંથીને એક સુંદર આકાર બને એમ નારી સહુને એક તાંતણે સ્નેહથી બાંધી એક સુંદર કુટુંબ. ..સમાજ રચે છે.

​આજ નો માણસ____________

આજ નો માણસ

____________
મળે ન મળે મૃગજળ પાછળ દોડતો રહે આજનો માણસ. 

થઈ નિરાશ પછી મન રણમાં ભટકતો રહે આજનો માણસ. 
પૂરાઈ પોતાના કોસેટામાં, ગુંથ્યા કરે જાતે ગુંચવણો,

આવે ન આવે સ્વજન, મહેફીલો માણતો રહે આજનો માણસ.
આ મારુ આ તારુ કરતો કરતો, કરે એમજ પૂરી જીંદગી, 

અંતે ફંફોસતો શ્વાસ, ડચકા ખાતો રહે આજનો માણસ. 
દુનિયાના જીવો છે તુચ્છ, એમ મારતો બધે જ ડંફાસ,

છે હું સર્વસ્વ જેનું, ‘હું’ ના દંભમાં રાચતો રહે આજનો માણસ.
‘વેલ’ને મુંજવે આંટીઘુટી દુનિયાના કાવાદાવા કેરી,

પ્રશ્નો ની વણઝાર કરી, ગુંચવણો પેદા કરે આજનો માણસ. 

 … લતા…

શબ્દ સર્જન [ફેબ્રુવારી-૨૦૧૬]

શબ્દ – ‘સબંધ’ સુત્રધાર – ઉર્વીશ સવાની ‘શિવ’ (1)કલ્પેશ ચૌહાણ “કાવુ” ♡♥♡ સંબધ ♡♥♡ સંબધ સાચવતા નડ્યા ઘણા બંધન આ સંબધ ના બંધન માં મારા પણ હતા અંગત અંગત સંબધ ના બંધન …

Source: શબ્દ સર્જન [ફેબ્રુવારી-૨૦૧૬]