મારો પરિચય

પરિચય

———–

સફર સાહિત્યની

મને આમ તો નાનપણથી વાંચવાનો ખુબ શોખ. ગાંડપણની હદે કહો તો ચાલે. અમારા ઘરમાં લાઈટ નહિ…ચીમની ને કંદીલના પ્રકાશમાં રાત્રીના કામ થાય. ચાંદનીના પ્રકાશમાં પણ વાંચવાનું ન છોડું. અલબત ઘરનાથી છુપાવીને. ૧૨ વરસની ઉંમર સુધીમાં સ્કુલમાં હતી એટલી બાળવાર્તાઓની બુક્સ વંચાઈ ગઈ.
૧૨ વરસની ઉંમરથી નવલકથા જેવી મોટી બુક્સ વાંચતી થઈ. પહેલી નવલકથા ‘ચુંદડી ને ચોખા’ શ્રી વજુ કોટકની. એના મુખ્ય પાત્રોના નામ પણ હજુ યાદ છે. લતા અને સતીષ 😊
એ ઉંમરે મને ભણવામાં એક કવિતા હતી
એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી.
એના પરથી મેં પેરોડી કાવ્ય બનાવ્યું. જોકે એમાં મારા મોટાભાઈ વાલ્મીક્ભાઈની પણ થોડી મદદ હતી.
‘એક જ દે ઘડો પાણી સરકારી નળ એક જ દે ઘડો પાણી’
‘વેલ’ ના નામે મુંબઈ સમાચાર માં ‘૬૭ કે ‘૬૮ ની સાલમાં મોકલ્યું ને છપાયું પણ ખરું.
એ પછી નિબંધ, લેખ એવું બધું લખતી પણ બહુ થોડું.
૩ વાર્તા પણ કોલેજ કાળમાં લખી. પણ જોકે અત્યારે મારી પાસે ૧ જ છે.

મારી એક મિત્ર છે પ્રજ્ઞા એને પણ મારી જેમ વાંચવાનો ખુબ શોખ. અમે બંને જે વાંચીએ તે એક બીજાને કહીએ…એના વિષે ચર્ચા પણ કરીએ. હું જોબ કરું એટલે અમને મળવાનો સમય ઓછો મળે. ૨ ૩ મહિને સવારે ઓફીસમાં કામ ઓછું હોય ત્યારે કલાક મોડી જાઉં. બંને નરીમાન પોઈન્ટ મળીએ ને સાહિત્યની વાતો કરીએ. જેમ અત્યારે આપણે ફેસબુકમાં કરીએ એમ.

પૈસા બચાવી ને બુક્સ ખરીદું. એન.એમ.ત્રિપાઠી. ને આર.આર.શેઠ. પ્રિન્સેસ ટ્રીટની મારી કાયમી બુક્સ ખરીદીની જગા. ત્યાં એ વખતે હપ્તેથી કે ડીસકાઉન્ટની સ્કીમ ચાલે એમાં બુક્સ લઉં. એ લોકો મને એમ જ વાંચવા પણ બુક્સ આપતા, સબંધને લીધે. વાંચીને એમને પાછી આપી દઉં.
મારા બા તો ઘણીવાર કહે આટલી બધી બુક્સ ખરીદે છે તો પરણીને આણામાં કપડા લઈ જઇશ કે બુક્સ? હું કહું બુક્સ..😊
એ વખતે પૈસાની તંગી પણ ખુબ રહેતી. પગારના શરૂના ૧૦ ૧૨ દિવસ તો બુક્સ જોવા પણ ન જવાય. ક્યાંક ખરીદાય જાય તો મહિનાનું બજેટ તૂટી જાય.😊
પરણી ને આવી ત્યારે ખરેખર મારી પાસે કપડા કરતા બુક્સનો મોટો પટારો હતો. પણ લગ્ન પછી બધું ઓછું થતું ગયું. વાંચવાનું જોકે ચાલુ રહેતું. પણ લખવાનું સદંતર બંધ.
તે ૫૮ વરસે ફેસબુકને લીધે પાછી લખતી થઈ. શરૂમાં તો ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટના નાના મેસેજ લખતી. ધીરે ધીરે બધાની પોસ્ટમાં લાઇક કોમેન્ટ કરતી થઈ. ઘરનાનો શરૂમાં વિરોધ એટલે કે મારા ફ્રેન્ડ લીસ્ટમાં અજાણ્યાને એક્સેપ્ટ કરવા લાગી એનો. પણ હું આંખ આડા કાન કરી મારી પ્રવૃતિમાં આનંદ મેળવી લેતી. એમાં ‘તોફાની તાંડવ’ ગ્રુપમાં જોડાઈ ને જેને પધ્ય કહેવાય એવું લખવા લાગી.

ને અપની તો ગાડી ચલ પડી…!
મારો નિવૃત્તિ કાળ ખુબ સરસ રીતે પસાર થવા લાગ્યો. તોફાની તાંડવ ગ્રુપે કાવ્ય સંમેલનમાં પઠનનો મને ચાન્સ આપ્યો. મારો ઉત્સાહ વધ્યો. રચના તો લખું પણ અલંકાર, રદીફ, કાફિયાની સમજણ નહિ. એની સમજણ સાકેતભાઈ દવે અને જીગરભાઈ ઠક્કરે આપી.
ને પછી તો લખવાના છમકલા ચાલુ રહ્યા. એમાં કોઈ વાર નાના લેખ જેવું લખાઈ જાય.
એમાં નીવારોઝેન રાજકુમારના બ્લોગ પર ઇવેન્ટ આવી ‘દોષીણી’. નીવાબેન ને રાજેન્દ્રભાઈ જોશીના પ્રોત્સાહનથી વાર્તા લખી. ‘ગુડ મોર્નિંગ’. મોબાઇલમાં લખીને નીવાબેનને મોકલી. તેઓ કહે વર્ડ ફાઈલમાં લખી મેલ કરો. પત્યું..! મને તો એ કંઈ આવડે નહિ. મેં તો કહી દીધું. એ બધું મને નથી આવડતું. નીવાબેને અને જાનવીબેન અંતાણીની સાથે મળી મને મોબાઇલમાં જ બને એટલી ભૂલ હોય એ સુધારવાનું બતાવ્યું. ને જાન્વીબેનને મેં વાર્તા મોકલી. તેમણે નીવાબેનને મેલ કરી. આમ એમની મદદથી ‘શૂન્યતાનું આકાશ’માં નીવાબેનના બ્લોગમાં મારી વાર્તા મુકાઈ ને એમના દ્વારા પ્રતીલીપી ગુજરાતી સાઇટમાં પણ.
જોકે પ્રતીલીપીમાં હું કાવ્ય લખતી જ હતી.
આમ મારી સાહિત્યની સફર શરૂ થઈ.

એ પછી જીજ્ઞેશભાઈ અધ્યયુનું સર્જન માઈક્રોફિક્સન વોટ્સએપ ગ્રુપ છે એમાં દોઢ વર્ષથી જોડાઈ છું. એ ગ્રૂપમાં માઈક્રોફિક્સન વાર્તા કેમ લખાય એ તો શીખવા મળ્યું જ પણ સહુથી મોટો ફાયદો વ્યાકરણ મારું સુધાર્યું એ થયો.

તોફાની તાંડવના દરેક અંકમાં મારી વાર્તા..કાવ્ય કે હાઇકુ કંઇક ને કંઇક અચૂક છપાય છે. છાલક માસિકમાં મારી 1 વાર્તા, મમતા માસિકના ગયા વરસના દિવાળી અંકમાં 1 માઈક્રોફિક્સન વાર્તા, જીવન પથ માસિકમાં 2 વાર કાવ્ય, નવસારીના પેપરમાં 1 લેખ અને સર્જન માઈક્રોફિક્સનના બન્ને ભાગમાં 1 1 વાર્તા આવી.

આમ મારી સાહિત્યની સફર ચાલે છે.

-લતા સોની કાનુગા